પીઓ હળદરવાળું દૂધ અને પામો અનેક ફાયદા

બાળકને માતા હળદરવાળું દૂધ પીવડાવે ત્યારે બાળકને ભાવે નહીં અને માતાને દૂધ પીવડાવવા માટે તેની પાછળ પાછળ દોડવું પડે. પરંતુ જ્યારે બાળક મોટું થાય ત્યારે જો હળદરવાળા દૂધના ફાયદા જાણે તો તેને માતા માટે માન થાય કે માતા તેના બાળકના ભલા માટે સ્વાદમાં ન ભાવે તેવું દૂધ પીવડાવવા માટે શું કામ દોડાદોડ કરતી હતી?હળદરવાળા દૂધના અનેક ફાયદા છે. તેમાં કુદરતી રીતે જ એન્ટી બાયૉટિક ગુણો રહેલા છે. આમ, તમારે એલોપેથીની આડ અસર ધરાવતી મોંઘી એન્ટી બાયૉટિક દવાઓ લઈને બીજા રોગોને આમંત્રણ આપવાની જરૂર નથી. વળી, દૂધમાં કેલ્શિયમ ભરપૂર હોય છે. સ્ત્રીઓને મોટી ઉંમરે હાડકાની તકલીફ થતી હોય છે કારણકે એક ઉંમર પછી તેમનામાં કેલ્શિયમ ઘટી જાય છે, પરંતુ જો તેઓ નાનપણથી જીવે ત્યાં સુધી હળદરવાળું દૂધ પીવે તો આ તકલીફ ખાસ ન થાય. એન્ટી બાયૉટિક અને કેલ્શિયમના કારણે તમે જો રોજેરોજ હળદરવાળું દૂધ પીઓ તો તમે રોગોને અને ચેપને અટકાવી શકો છો.

ઉપરાંત પર્યાવરણમાં રહેલા ઝેરી તત્ત્વો અને નુકસાનકારક સૂક્ષ્મ જંતુઓની સામે લડવામાં પણ આ અસરકારક ઉપચાર છે.

હળદરવાળું દૂધ એન્ટી માઇક્રૉબાયલ છે અને તે બૅક્ટેરિયા તેમજ વાઇરસના ચેપ સામે લડે છે. આથી શ્વસન તંત્રને લગતી બીમારીઓ સામે લડવામાં પણ તે ઉપયોગી છે. હળદરથી તમારા શરીરની ગરમી વધે છે અને તેથી ફેફસામાં જે કંઈ કચરો જામ્યો હોય અને સાઇનસની તકલીફ હોય તો ઝડપી રાહત આપે છે. અસ્થમા અને બ્રૉન્કાઇટિસથી ઝડપી રાહત માટે પણ આ અસરકારક ઉપચાર છે.

કાચી હળદરમાંથી બનાવેલા દૂધથી સ્તન, ત્વચા, ફેફસા, પ્રૉસ્ટેટ અને આંતરડાના કેન્સરની ગાંઠની વૃદ્ધિ અટકે છે, કારણકે તેમાં સોજા વિરોધી ગુણો હોય છે. આમ, તેના લીધે કેન્સરના કોષો ડીએનએને નુકસાન કરતા બચે છે. ઉપરાંત તે કેમોથેરેપીની આડ અસરો પણ ઘટાડે છે.અગાઉ કહ્યું તેમ હળદરવાળું દૂધ સોજા ઘટાડનારું છે અને તેથી આર્થરાઇટિસ તેમજ પેટમાં ચાંદા (અલ્સર)ને પણ તે અટકાવે છે, તેની સામે સુરક્ષા આપે છે. આયુર્વેદમાં તે કુદરતી એસ્પિરિન તરીકે જાણીતું છે. તેનાથી માથાનો દુઃખાવો અને ગળાનો દુઃખાવો પણ મટે છે. રુમેટૉઇડ આર્થરાઇટિસના કારણે સોજો આવી ગયો હોય તો પણ તેમાં હળદરવાળું દૂધ ફાયદો આપે છે. તે સાંધા અને સ્નાયુઓને સ્થિતિસ્થાપક બનાવે છે.

હળદરવાળું દૂધ પીઠનો દુઃખાવો મટાડે છે. તે કરોડરજ્જૂને અને સાંધાઓને મજબૂત બનાવે છે.

હળદરવાળા દૂધથી શરદી અને ઉધરસ મટે છે કારણકે અગાઉ કહ્યું તેમ તેમાં વાઇરસ અને બૅક્ટેરિયા વિરોધી ગુણધર્મો રહેલા છે. ગળું બેસી ગયું હોય તો હળદરવાળું દૂધ ત્વરિત રાહત આપે છે. જો આકરી ઠંડી હોય તો હળદરવાળા દૂધથી તમે ઠંડી ભગાડી શકો છો.

હળદરવાળું દૂધ એન્ટિઑક્સિડન્ટનો અદ્ભુત સૉર્સ છે જે મુક્ત કણો સામે લડે છે. આના લીધે ઘણી બીમારીઓ દૂર થવામાં મદદ મળે છે.

હળદરવાળા દૂધથી રક્ત શુદ્ધ થાય છે. તેને આયુર્વેદમાં સાફ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. તે શરીરમાં રક્ત સંચારને જીવંત કરે છે અને વધારે છે. તે લોહીને પાતળું બનાવનાર પણ છે અને તે લુમ્ફેટિક પ્રણાલિને સાફ કરે છે. તેમજ રક્તવાહિનીઓમાં રહેલી અશુદ્ધિઓને પણ દૂર કરે છે.

હળદરવાળું દૂધ કુદરતી રીતે લીવરને ડિટૉક્સિફાઇ કરનારું છે. આમ, લીવર પણ મજબૂત બને છે. પરિણામે પાચનની શક્તિ વધે છે.

જે સ્ત્રીઓને માસિક ચક્રની તકલીફ હોય અને લોહીના ગઠ્ઠા પડતા હોય તેમજ દુઃખાવો થતો હોય તેમણે હળદરવાળું દૂધ પીવું જોઈએ. સગર્ભા મહિલાઓએ પણ સુખરૂપ પ્રસૂતિ માટે તેમજ પ્રસૂતિ પછી ઝડપી બેઠા થવા માટે, દૂધ બરાબર આવે તે માટે અને યોની ઝડપથી સંકોચાય તે માટે આ પ્રકારનું દૂધ પીવું જોઈએ.