ટાઈગર ઝિંદા હૈઃ માત્ર ભાઈના ફૅન્સ માટે…

ફિલ્મઃ ટાઈગર ઝિંદા હૈ

કલાકારોઃ સલમાન ખાન, કેટરીના કૈફ, સજ્જાદ ડેલાફ્રૂઝ, પરેશ રાવલ

ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2

ભારતની જાસૂસી એજન્સી રીસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ (રૉ)નો એક અફ્સર બીજા અફ્સરને કહે છેઃ “ટાઈગર, ઈકરિટ મેં તુમ્હે હમારા આદમી મિલેગા. તુમ્હારા કોડવર્ડ હૈઃ

“તૂ… તૂ…તૂ…તૂ…તૂ…તારા. ઉસકા જવાબ હોગાઃ આ ગયા દોસ્ત હમારા.”

સાંભળીને ટાઈગર મજાકિયું હસતાં કહે છેઃ “લગતા હૈ આજકલ રૉ મેં કૉમેડી ચલ રહી હૈ!”

સિરિયસલી, નો જોકિંગ. આ કોડવર્ડ છે. વધુમાં, અહીં હ્યુમન બૉમ્બ ડિફ્યુઝ કરવાવાળો સીન પણ છે, જેમાં બૉમ્બ સ્કવૉડનો બેસ્ટ ઑફિસર દ્વિધામાં હોયઃ “કાલા વાયર કાટું યા લાલ?” અને રૉનો ટૉપ ઑફિસર એના જુનિયરને કહે છેઃ “વક્ત કમ હૈ- તુમ ઈરાક પહોંચો” (જાણે એસ.જી. હાઈવેથી મીઠા ખળી જવાનું હોય એમ). ટાઈગર સાચું કહે છેઃ “કૉમેડી ચલ રહી હૈ”!

ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના ખભા પર ‘એક થા ટાઈગર’ની સફળતા સાથે મૅચ થવાની જવાબદારી છે કેમ કે, ‘ટાઈગર ઝિંદા હૈ’ 2012માં આવેલી ‘એક થા ટાઈગર’ની સિક્વલ અથવા આગળ વધતી વાર્તા છે. પાંચ વર્ષ પહેલાં આવેલી કબીર ખાનની ‘એક થા…’ ભારત-પાકિસ્તાનના બે જાસૂસ (ટાઈગર-ઝોયા)ની ઉત્કટ પ્રણયકથા વિશેની ફિલ્મ હતી, જ્યારે અહીં ઈરાકમાં ખૂનખાર ટેરરિસ્ટ અબુ ઉસ્માનની ચુંગાલમાં ફસાયેલી પચીસ ભારતીય, પંદર પાકિસ્તાની નર્સને ઉગારવાની છે.

ઈન્સબ્રુક (ઑસ્ટ્રિયા)માં બરફીલા પર્વતની તળેટીમાં પત્ની ઝોયા (કટરીના) અને આઠ વર્ષી બાળક સાથે પારિવારિક, રિટાયર્ડ લાઈફ જીવતાં ટાઈગરે એ નર્સોને બચાવવાની છે. અહીં ડિરેક્ટરે એક ‘બોલ્ડ’ પહેલ કરી છેઃ અબુ ઉસ્માનની ચુંગાલમાં ભારત-પાકિસ્તાનની નર્સો છે એટલે એમને છોડાવવાની કામગીરી રૉ અને આઈએસઆઈના જાસૂસ સાથે મળીને બજાવે. આ નિર્ણય પાછો ટાઈગર પોતાની મેળે લઈ લે છેઃ “લેટ્સ ડુ ઈટ ટુગેધર”. ફિલ્મમાં કટરીના અને ભારત-પાકિસ્તાનના અન્ય જાસૂસ બે દેશ વચ્ચે ‘અમન’ અને ‘ભાઈચારા’ અને ‘ઈન્સાનિયત’ની લાંબી, ઉપદેશાત્મક ચર્ચા પણ કરે છે. સબૂર- ટાઈગર-ઝોયાનો બેટો પણ ઈન્ડો-પાકિસ્તાન ઑલાદ છે એટલે… સમજી ગયાને? એ ભાઈચારાનું પ્રતીક છે.

કબૂલ, સાડી સત્તર વાર કબૂલ કે શાંતિનો સંદેશ પ્રસરાવવાનો હેતુ ઉમદા છે, પણ માત્ર ઉમદા હેતુથી કામ બનતું નથી. સ્ટોરીલાઈન અને પટકથા પણ સશક્ત હોવી ઘટે, જેનો અહીં અભાવ છે. ઈમરાન ખાન-કટરીના કૈફવાળી ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ગુંડે’ તથા સુપરહિટ ‘સુલતાન’ના સર્જક અલી અબ્બાસ ઝફરે સ્ક્રીનપ્લે-ડાયલૉગ્સ કે લૉજિકની ઐસીતૈસી કરીને માત્ર એક જ ચીજ પર ફોકસ કર્યું છેઃ ભાઈ એટલે કે સલમાન ખાનને આર્નોલ્ડ શ્વાર્ઝનેગર તરીકે રજૂ કરવો. ટૂંકમાં, ભાઈની ટાઈગરગીરી પરદા પર ઊભરી આવવી જોઈએ.

2014માં કોચી, કેરળની 46 જેટલી નર્સોને ઈરાકમાં આઈએસ (ઈસ્લામિક સ્ટેટ) દ્વારા બંદી બનાવવામાં આવેલી. ખૂનખાર આતંકવાદીઓની ચુંગાલમાંથી એ ગભરુ નર્સોને ઉગારી ભારત પરત લાવવાની બચાવકામગીરીના વિષય પર બનેલી મલયાલમ ફિલ્મ’ટેક ઓફ્ફ’ નર્સોના દષ્ટિકોણથી સરજાયેલી કમાલની ઈમોશનલ ફિલ્મ છે, જ્યારે અહીં એવી કોઈ સંવેદનશીલતા નથી. અહીં છેઃ લાંબા ચેઝ સિક્વન્સ, આગના ગોળામાં પરિવર્તિત થઈ જતાં તેલનાં ટૅન્કર, લાશના ઢગલા, વગેરે.

અભિનયમાં, સલમાન-કટરીના બન્નેએ પૂરી લગનથી પોતાની ભૂમિકા ભજવી છે. બીજી બાજુ, મુખ્ય વિલન અબુ ઉસ્માનની ભૂમિકા ભજવી છે મૂળ ઈરાનિયન, પણ યુએઈમાં ઊછરેલા સજ્જાદ ડેલાફ્રૂઝે ઠંડી ક્રૂરતા સાથે પોતાનો પાઠ ભજવ્યો છે. પરેશ રાવલ, કુમુદ મિશ્રા, અંગદ બેદી, વગેરે સ-રસ. કમનસીબે, ફિલ્મ વિશે સ-રસ કહી શકતો નથી. જો તમે સલમાન ખાનના દિલફાડ આશિક હોવ તો જ (હા ભાઈ હા, શર્ટ પણ ઉતાર્યું છે ભાઈએ), રિપીટ, તો જ ‘ટાઈગર ઝિંદા હૈ’ જોવાની હિંમત કરજો..

(જુઓ ‘ટાઈગર ઝિંદા હૈ’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=ePO5M5DE01I