ઠગ્સ ઑફ હિંદોસ્તાનઃ ડૂબતાં જહાજ… તરતી નિરાશા

ફિલ્મઃ ઠગ્સ ઑફ હિંદોસ્તાન

કલાકારોઃ અમિતાભ બચ્ચન, આમીર ખાન, કટરીના કૈફ, ફાતિમા સના શેખ

ડાયરેક્ટરઃ વિજય કૃષ્ણ આચાર્ય

અવધિઃ આશરે પોણા ત્રણ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યની ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’માં ફાતિમા સના શેખના પાલક પિતા બનતા અમિતાભ બચ્ચન એને (ફાતિમાને) સતત કહ્યા કરે છેઃ ‘તુમ્હે હિફાઝત કી ઝરૂરત હૈ’… ‘મૈં તુમ્હારી હિફાઝત કરુંગા’. એ બધું તો ઠીક છે, બચ્ચન સાહેબ, પણ ખરેખર તો આ મહાટોર્ચરથી ઑડિયન્સને હિફાઝત કરવાની જરૂર છે.

બાકી, આ મહાકંટાળાજનક ફિલ્મ જોઈને મને એક વાતનું જ્ઞાન લાધ્યું કે દરેક યુગના ફિલ્મપ્રેમીનાં નસીબમાં પોતાની ‘કાઈટ્સ’ લખેલી જ હોય છે, માત્ર એનાં નામ બદલાતાં રહેતાં હોય છે. ‘કાઈટ્સ’વાળા જ હૃતિક રોશનની ‘મોહેં જો દરો’, રણબીર કપૂરની ‘બૉમ્બે વેલ્વેટ’, અક્ષય કુમારની આવા જ દિવાળીના સપરમા દિવસોમાં આવેલી ‘બ્લૂ’, સલમાન ખાનની ‘ટ્યૂબલાઈટ’, ‘રેસ થ્રી’, શાહરુખ ખાનની પાછલી 3-4 ફિલ્મ, આમીર ખાનની ‘મંગલ પાંડે’.

ખરેખર, ‘ઠગ્સ ઑફ’… જોઈને ખ્યાલ આવે કે હિંદી સિનેમાનો કારોબાર કેવી રીતે ચાલતો હશે. ‘ટશન’ અને ‘ધૂમ થ્રી’ સર્જનાર ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય નિર્માતા આદિત્ય ચોપરા પાસે ગયા હશેઃ

“આદિ, આઈ હૅવ અ બ્રિલિયન્ટ આઈડિયા- 19મી સદીના બ્રિટિશ-શાસનકાળની પૃષ્ઠભૂમાં ‘પાઈરેટ્સ ઑફ કેરિબિયન’ જેવું ભવ્ય નિર્માણ, અમિતાભ બચ્ચન-આમીર ખાન મેઈન રોલમાં, એકાદ અંગ્રેજી ઍક્ટર, બે’એક આપડી ફાંકડી હીરોઈન… બોલો, શું કહો છો?”

“અદભુત, ગો અહેડ. જેટલા કરોડ જોઈતા હોય એટલા રેડી છે. બનાવ તું તારે એક આપણી પોત્તાની પાઈરેટ્સ ઑફ કેરિબિયન” એવું કહેતી વખતે આદિત્ય ચોપરાના દિમાગમાં કેવળ અને કેવળ ફર્સ્ટ વીકએન્ડનો દોઢસો કરોડ રૂપિયાનો બિઝનેસ જ રમે છે. કેમ કે આખ્ખા ડિસ્કશનમાં કોઈ પણ તબક્કે, કથા-પટકથા જેવા શબ્દ આવતા નથી.

કમનસીબી એ છે કે આજે બોલિવૂડમાં પ્રવેશવા માગતા કંઈકેટલા યુવા, પ્રતિભાશાળી સંઘર્ષશીલ સર્જકો પાવરફુલ કથા-પટકથા લઈને વિવિધ નિર્માતાની ઑફિસનાં ચક્કર કાપે છે, પણ કોઈ એમને ફિલ્મ બનાવવા ફદિયાં આપતું નથી, જ્યારે ‘ઠગ્સ ઑફ’… જેવી ફિલ્મ બનાવવા કોથળા ભરી ભરીને પૈસા આપી દેવામાં આવે છે.

ઓલરાઈટ, તો, આદિ ચોપરા પાસેથી ગો અહેડ અથવા લીલી ઝંડી મળતાં વિક્ટર તરીકે ઓળખાતા વિજય કૃષ્ણએ બનાવી નાખી ‘ઠગ્સ ઑફ’…

19મી સદીમાં ગોરા હાકેમોથી હજી સુધી ન અભડાયેલા એવા એક રજવાડાના રાજવી મિર્ઝા (રોનિત રૉય)ને તથા એના રાજવી ખાનદાનના ઓલમોસ્ટ તમામ સભ્યોને ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’નો કમાન્ડર ક્લાઈવ (બ્રિટિશ ઍક્ટર લૉઈડ ઓવેન) ખતમ કરી કાઢે છે. જો કે એક બાલિકા ઝફિરાને રજવાડાનો સેનાપતિ ખુદાબક્ષ (અમિતાભ બચ્ચન) બચાવી લે છે ને પાલક પિતા બની એને ફાતિમા સના શેખ બનાવે છે. ફાતિમા જુવાનજોધ થતાં ખુદાબક્ષ પોતાનું નામ બદલીને આઝાદ રાખે છે. આઝાદ પોતાના જેવા દેશદાઝવાળા કેટલાક સાથીદારો (ઠગ) સાથે મળીને અંગ્રેજોને દેશમાંથી ખદેડવાનું બીડું ઝડપે છે, ઝફીરાને પણ અંગ્રેજો સામે ખાસ તો ક્લાઈવ સામે બદલો લેવો છે. હવે તો એને તલવારબાજી પણ આવડી ગઈ છે. તો બીજી બાજુ ક્લાઈવ પણ આઝાદને શોધી રહ્યો હોય છે. એને ભટકાય છે ફિરંગી મલ્લા (આમીર ખાન), જે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે. ક્લાઈવ-ફિરંગી વચ્ચે એક સોદો થાય છે, જે મુજબ આઝાદના ઠગોની ટોળકીમાં એ (ફિરંગી) ઘૂસી જાય છે, આઝાદ તેમ જ ઝફીરાનો વિશ્વાસ જીતી લે છે, જેથી ગમે ત્યારે એમને (અને પ્રેક્ષકોને પણ) દગો આપી શકાય.

ખરેખર, આ ઠગોની જેમ, ફિલ્મના લેખક પણ પ્રેક્ષકો પાસેથી નવીનવાઈ-ઉત્કંઠા-રસ લૂંટી લે છે. ફિલ્મનો અંત કે ક્લાઈમેક્સમાં શું હશે એ સાવ ઍમેચ્યૉર પ્રેક્ષક પણ કહી આપે એ રીતે સ્ક્રિપ્ટ લખવામાં આવી છે. આખી ફિલ્મમાં એક પણ એવો સીન કે મોમેન્ટ નથી જે જોઈને પ્રેક્ષક મોંમાં આંગળાં નાખી જાય. સ્પેશિયલ ઈફેક્ટ્સમાંય સાતત્ય જળવાયું નથી. 1970-80ના દાયકાની ફિલ્મોની ક્લાઈમેક્સમાં વિલન એક મોટી ખુરશી પર બેસીને રૂપસુંદરીનાં નાચગાન માણતા, ને ડાન્સને અંતે વાર્તામાં વળાંક આવતો એવું જોવા મળતું. તમે માનશો? આવું દશ્ય 2018માં, ‘યશરાજ’ની ફિલ્મમાં છે, જેમાં ‘ચિકની ચમેલી’ કે ‘શીલા કી જવાની’ની યાદ અપાવતી હોય એમ કટરીના કૈફ વિલન સામે નાચે છે. હા, એકાદબે ટ્વિસ્ટ-ટર્ન આવે છે, પણ એમાં ન તો કંઈ ભલીવાર છે ન એનાથી કોઈ અર્થ સરે છે.

બાકી આમીર ખાન પરફેક્શનિસ્ટ તો ખરોઃ એણે જૅક સ્પૅરો (‘પાઈરેટ્સ ઑફ કેરિબિયન’ના જૉની ડેપના કેરેક્ટર)નો પરફેક્ટલી દાટ વાળી દીધો. અમિતાભ બચ્ચન, રાબેતા મુજબ પ્રભાવશાળી, ફાતિમા સના શેખને હજી વધુ સશકત સ્ક્રિપ્ટની, સબળ પાત્રાલેખનની જરૂર છે, જ્યારે કટરીના કૈફને ભાગે એક-બે ડાન્સ કરવા સિવાય કંઈ આવ્યું નથી.

અંતે, આ ફિલ્મ વિશે એક વાક્યમાં કહેવું હોય તો… 2018ની કેટલીક સૌથી કંટાળાજનક ફિલ્મમાંની આ એક. પૈસા તથા પ્રતિભાનો રજવાડી વેડફાટ, જેમાં મસમોટાં જહાજ ડૂબતાં રહે છે, અને સપાટી પર નિરાશા તરતી રહે છે.

(જુઓ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’નું ટ્રેલર)

httpss://youtu.be/zI-Pux4uaqM