ફિલ્મઃ મંટો
કલાકારોઃ નવાઝુદ્દીન સિદ્દીકી, રસિકા દુગ્ગલ, તાહિર રાજ ભસીન
ડાયરેક્ટરઃ નંદિતા દાસ
અવધિઃ આશરે દોઢ કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
અત્યાર સુધી આપણે સ્વાતંત્ર્યસેનાનીઓથી લઈને ક્રિકેટર-મહિલા બૉક્સર-હૉકીપ્લેયર્સ ને છેલ્લે ફિલ્મસ્ટારના જીવન પર ઊતરેલી જોઈ. હવે એક ઉર્દૂ સાહિત્યકારના જીવન પર નંદિતા દાસએ ફિલ્મ બનાવી છેઃ મંટો. જો કે આ અગાઉ ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ પર ફિલ્મ, ટીવીસિરિયલ ઊતરી છે.
1912માં લુધિયાણામાં જન્મેલા મંટો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખક તરીકે કારકિર્દી ઘડવા મુંબઈ આવ્યા, પણ ભાગલા બાદની પરિસ્થિતિથી વ્યથિત થઈ એ પાકિસ્તાન શિફ્ટ થઈ ગયા, જ્યાં બેંતાળીસ વર્ષની વયે એમનો ઈંતેકાલ થઈ ગયો. આટલા ટૂંકા સમયગાળામાં પણ મંટોએ બાવીસ વાર્તાસંગ્રહ, એક નવલકથા, રેડિયોનાટક, નિબંધસંગ્રહ આપ્યાં. એમની અનેક વાર્તાના ગુજરાતી અનુવાદ પ્રાપ્ય છે. મોટા ભાગની વાર્તામાં વિભાજનની વેદના છે. કાલી સલવાર-બૂ-ઠંડા ગોશ્ત-તોબા ટેકસિંહ-ખોલ દે જેવી વાર્તા હચમચાવી દે એવી છે. ડિરેક્ટરે આ વાર્તાના અંશ પણ ફિલ્મમાં આવરી લીધા છે. આ એ વાર્તાઓ છે, જે લખવા મંટો પર મુંબઈમાં અને લાહોરમાં અશ્ર્લીલતાના કેસ થયા. સાચી વાત કહેવા, સમાજ સામે આયનો ધરવાની કિંમત એમણે કોર્ટના કઠેડામાં ઊભા રહીને ચૂકવી. ફિલ્મના એક સીનમાં મંટો પરિવાર સાથે જમવા બેઠા હોય છે. વાતમાંથી વાત નીકળતાં એ કહે છેઃ હું લખવાનું છોડી દઉં તો ખાવાનાં સાંસા પડી જાય. ત્યારે એમની બિવી સાફિયા કહે છેઃ ‘મને તો સતત એ વાતનો ડર રહ્યા કરે છે કે તમારા લખ્યા કરવાથી કદાચ આપણને ખાવાનાં ફાંફાં પડે.’
ઓક્કે, ફિલ્મ માટે નંદિતા દાસે 1946થી 1951 એમ મંટોના જીવનનાં પાંચેક વર્ષ પસંદ કર્યાં છે. બેએક વર્ષ મુંબઈમાં, ત્યાર બાદ લાહોર ને ત્યાં જ અંત. દેશના ભાગલા બાદ હું ક્યાંનો? મુંબઈનો કે પાકિસ્તાનનો? આ દ્વિધા, મૂળ સહિત ઊખડી જવાની પીડા લાહોર ગયા બાદ સતત અનુભવતા મંટો શરાબમાં સહારો શોધે છે અને…
2002નાં ગુજરાત રમખાણની પૃષ્ઠભૂમાં સર્જાયેલી ‘ફિરાક’ એ નંદિતા દાસની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. એ રીતે મંટો માટે એમની પાસેથી ખૂબ અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. વિષય પર ઊંડું સંશોધન, મહેનત તથા ઈરાદા વિશે બેમત નથી. છતાં એવું લાગ્યા વગર રહે નહીં કે ફિલ્મ હજુ સારી બની શકી હોત.
મંટોના પાત્રને અદભુત અદાકાર નવાઝુદ્દીન સિદ્દીકી જ ભજવી શકે. તો એની પત્ની સાફિયાની ભૂમિકામાં રસિકા દુગ્ગલ પણ સરસ. ફિલ્મમાં નંદિતા દાસે તે વખતનાં પ્રગતિશીલ લેખિકા ઈસ્મત ચુગતાઈથી લઈને ઍક્ટર અશોકકુમાર, સંગીતકાર નૌશાદ, જદ્દનબાઈ, દિગ્દર્શક કે. આસિફ જેવાં પાત્રો પણ વણી લીધાં છે. તો બે નાની ભૂમિકામાં પરેશ રાવલ-રિશી કપૂર જોવા મળે છે. હિંદુસ્તાન-પાકિસ્તાનમાં ધૂમ મચાવનારી ‘દિલ્લગી’ (‘તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની…’)ના સ્ટાર જનાબ શ્યામ (તાહિર ભસીન) સાથે મંટોની દોસ્તી નજાકતથી હાથ ધરવામાં આવી છે. અમુક સંવાદો હૃદયસોંસરવા ઊતરી જાય એવા છે. જેમ કે, ભાગલા પહેલાં મુંબઈમાં હિંદુ-મુસલમાનનાં રમખાણ ફાટી નીકળે છે ત્યારે મંટો પોતાના હિંદુ મિત્ર ઍક્ટર શ્યામને કહે છેઃ “ધર્મ જ્યારે દિલમાંથી નીકળીને દિમાગ પર સવાર થઈ જાય ત્યારે આપણે બે ટોપી લઈને ફરવું જરૂરી બની જાયઃ હિંદુ ટોપી, મુસલમાન ટોપી.”
અંતે બે વાતઃ આ ફિલ્મ હાડોહાડ મંટોપ્રેમી માટેની જ ફિલ્મ છે અને એ માણવાની નહીં, પણ અનુભવવાની ફિલ્મ છે.
(જુઓ ‘મંટો’નું ટ્રેલર)
httpss://youtu.be/QFbUei2DDhc