હેપ્પી ફિર ભાગ જાયેગીઃ ભાગવાની જરૂર નહોતી… ઘેર બેસી રહી હોત તો સારું હતું

ફિલ્મઃ હેપ્પી ફિર ભાગ જાયેગી

કલાકારોઃ ડાયના પેંટી, સોનાક્ષી સિંહા, જિમી શેરગિલ, અલી ફૈઝલ, જસ્સી ગિલ, પીયૂષ મિશ્રા

ડાયરેક્ટરઃ મુદસ્સર અઝીઝ

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

લેખક અને દિગ્દર્શક મુદસ્સર અઝીઝની ‘હેપ્પી ભાગ જાયેગી’ (2016) સરપ્રાઈઝ પેકેટ જેવી મજાની ફિલ્મ હતી. પ્રેમી સાથે લગ્ન કરવા લગ્નમંડપમાંથી ભાગી છૂટેલી પંજાબણ હેપ્પી (ડાયના પેંટી) ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે, એ પણ ત્યાંના વગદાર પોલિટિશિયનને ઘેર, જેની હેપ્પીને ખબર જ નથી. એને એમ કે એ અમૃતસરની આજુબાજુના કોઈ શહેરમાં છે. પછી જ્યારે ખબર પડે છે, ત્યારે… એ ગોસમોટાળામાંથી નિષ્પન્ન થતી રમૂજ ફિલ્મનો પ્રાણ હતો. નોખીઅનોખી વાર્તા, ચુસ્ત સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ ને અભય દેઓલ, ડાયના પેંટી, જિમી શેરગિલ, વગેરેના સરસ અભિનયથી ફિલ્મ હિટ થઈ ગયેલી.

એ સફળતાને રોકડી કરવા એ જ સર્જકે ફરીથી હેપ્પીને ભગાડવાની કોશિશ કરી છે એની સિકવલ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’માં, પણ પહેલી ફિલ્મમાં જે ફ્રૅશનેસ હતી એ અહીં ગાયબ છે. ફિલ્મ જોઈને થયું કે ભાગવાને બદલે હેપ્પી ઘેર જ બેસી રહી હોત તો સારું થાત. આ ફિલ્મ એક પાઠ છે એ સર્જકો માટે જેમણે હિટ ફિલ્મ આપી છેઃ હિટ ફિલ્મોની સિક્વલ બનાવવી જ જોઈએ એવો કોઈ કાયદો નથી. એક ફિલ્મ સારી બની ગઈ તો એની મોંમાં ચુંગી ખોસી હીંચકે ઝૂલતાં ઝૂલતાં સફળતા માણો. ફરીથી એનો ભાગ બીજો કે સિક્વલ બનાવી એ મજા કિરકિરી ન કરો, યાર.

તો, હેપ્પીના ફરીથી ભાગવા વિશેની વાર્તા એવી છે કે, અહી બે હેપ્પી છેઃ હેપ્પી નંબર એક, ડાયના પેંટી અને હેપ્પી નંબર બે, સોનાક્ષી સિંહા. બન્ને શાંઘાઈ (ચીન) જાય છે ને સરખા નામના કન્ફ્યુઝનથી ખોટી હેપ્પીનું અપહરણ થઈ જાય છે, પછી થોડાં નવાં પાત્રનાં ઉમેરણ થાય છે ને એમાંથી રમૂજ નિષ્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ હેપ્પીમાં કન્ફ્યુઝનમાંથી નેચરલ હાસ્ય આવતાં હતાં, અહીં લગભગ દરેક સીનને મારીમચડીને જોક્સ બનાવવાની કોશિશ કરવામાં આવી છે, જે ત્રાસરૂપ છે. જો કે એકાદ-બે જગ્યાએ ચમકારો જોવા મળી જાય છે. જેમ કે, ઈન્ડિયાથી આવેલો જાણીને એક ચાઈનીસ કેરેક્ટર ખુશીથી ઊછળીને કહે છેઃ દંગલ…દંગલ? (આમીર ખાનની આ ફિલ્મ ચીનમાં પણ સુપરહિટ થઈ છે).

અભિનયની વાત કરીએ તો, આ ફિલ્મ જિમી શેરગિલ-પીયૂષ મિશ્રાની ફિલ્મ છે. સોનાક્ષીને લેવાનો જુગાર નિષ્ફળ સાબિત થયો છે, પહેલી ફિલ્મમાં ડાયના પેંટીની જે તાજગી હતી એ હવે રહી નથી.

(જુઓ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’નું ટ્રેલર)

httpss://youtu.be/-HlzmWaFcG8