બત્તી ગુલ મીટર ચાલુઃ પાવર-શૉર્ટેજ વિશેની પાવરવિહોણી ફિલ્મ…

ફિલ્મઃ બત્તી ગુલ મીટર ચાલુ

કલાકારોઃ શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, દિવ્યેન્દુ શર્મા

ડાયરેક્ટરઃ શ્રીનારાયણસિંહ

અવધિઃ આશરે ત્રણ કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

બેએક વર્ષ પહેલાં દેશમાં જાજરૂની સમસ્યા પર સ-રસ ફિલ્મ (‘ટૉઈલેટઃ એક પ્રેમકથા’) આપનારા શ્રીનારાયણસિંહે આ વખતે દેશના અંતરિયાળ વિસ્તારોમાં વીજળીની અછતનો સબ્જેટ હાથ ધર્યો છે. સરકાર દ્વારા વિકાસ વિશેના જાતજાતના દાવા કરવામાં આવતા હોવા છતાં હકીકત એ છે કે આજે પણ દેશના ત્રણ કરોડ કરતાં વધુ ઘરમાં વીજળી નથી. કમનસીબે, આ ગંભીર સમસ્યાનો શ્રીનારાયણસિંહ નથી કોઈ ઉકેલ આપતા કે નથી એમણે આ સોશિયલ ઈશ્યુને હાથ ધરવામાં ગાંભીર્ય દાખવ્યું. આશરે ત્રણ કલાકની અધધધ લાંબી ‘બત્તી ગુલઃ મીટર ચાલુ’ લવ ટ્રાયેન્ગલ અને વીજળીની સમસ્યા વચ્ચે અટવાઈ જાય છે.

શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર

વિપુલ રાવળની વાર્તા પરથી સિદ્ધાર્થ-ગરિમાએ પટકથા આલેખી છેઃ ઉત્તરાખંડનો ટેહરી વિસ્તાર સતત વીજખેંચ અનુભવે છે, જેને રહેવાસીઓએ રોજિંદી ઘટના માનીને સ્વીકારી લીધી છે. ટહેરીમાં જ વસતાં સુશીલકુમાર પંત-સુંદરમોહન ત્રિપાઠી-લલિતા નૌટિયાલ (શાહીદ કપૂર-દિવ્યેન્દુ શર્મા-શ્રદ્ધા કપૂર) બાળપણનાં ભેરું છે. બાય ધ વે, ફિલ્મમાં સુંદર-સુશીલ ઉપરાંત વિકાસ ને કલ્યાણ પણ છે. સુશીલ એક બ્લેકમેઈલર-ટાઈપ વકીલ છે, જે નાના વેપારીઓ પાસેથી એમની અતિશયોક્તિભરેલી જાહેરખબરની કિંમત વસૂલે છે. જેમ કે બાળકોની ઊંચાઈ વધારવાનો દાવો કરતાં બિસ્કિટના ઉત્પાદક… શું આવાં બિસ્કિટ ખરેખર બાળકોની ઊંચાઈ વધારે? મામલો નિપટાવવા ઉત્પાદક સુશીલને પૈસા ચૂકવી દે. બીજી બાજુ સુંદર નજીકના ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં પ્રિન્ટિંગ-પૅકેજિંગની ફૅક્ટરી નાખે છે, જ્યારે લલિતા લેડી મનીષ મલ્હોત્રા બનવાનાં સપનાં જોતી ટેલર છે. લલિતાએ સુંદર અને સુશીલ બેમાંથી પસંદગી કરવાની છે એટલે એ બન્નેને નાણવા એક અઠવાડિયું સુંદર સાથે ને એક અઠવાડિયું સુશીલ સાથે ડેટ પર જાય છે.

ઈન્ટરવલ પહેલાંના આશરે દોઢ કલાક, સુશીલ-સુંદર-લલિતાની ફ્રેન્ડશિપ તથા કંટાળાજનક પ્રણયત્રિકોણને ફાળવવામાં આવ્યો છે. નાટક ચાલતું હોય એમ તમામ મુખ્ય પાત્ર ગઢવાલીમિશ્રિત હિંદીમાં સંવાદોની ફેંકાફેંકી કર્યા કરે છે. ડિરેક્ટર જાણે એવું બતાવવા માગે છે કે “આપડે કેટલા ઑથેન્ટિક છીએ.” એ પછી, ફૅક્ટરીનું લાખ્ખોનું ઈલેક્ટ્રિસિટી બિલ ભરી શકવાને અસમર્થ સુંદર ફૅક્ટરીને તાળાં મારી આત્મઘાતક પગલું ભરી બેસે છે, જેથી પરિવારને ઈન્શ્યોરન્સની રકમ મળી જાય. આ ઘટનાથી હચમચી ગયેલો સુશીલ વીજકંપનીની દાંડાઈને કોર્ટમાં પડકારે છે. પછી તો આવી જાહેર હિતની અરજીના ઢગલા સુશીલના ડેસ્ક પર થઈ જાય છે. કંપનીની ડિફેન્સ લૉયર છે ગુલનાર (યામી ગૌતમ).

યામી ગૌતમ

ઈન્ટરવલ બાદ ફિલ્મ માંડ માંડ, ઢસડાતી ઢસડાતી કોર્ટરૂમમાં પ્રવેશે છે તો ખરી, પણ ફિલ્મની સ્ટ્રેન્ગ્થ બની શકે એવો આ કોર્ટરૂમ-ડ્રામા ફારસ બનીને રહી જાય છે. સુશીલ જાણે બાળનાટકનો હીરો હોય એમ તાળીઓ પડાવવા ખીંખીંખીં કરતો સંવાદ બોલ્યે રાખે છે. ખાનગી કંપનીઓ દ્વારા વીજઉત્પાદન-વિતરણમાં આચરાતી દાંડાઈના એક સારા, ગંભીર મુદ્દાને ઑલમોસ્ટ મજાકની જેમ, સાવ ઉપરછલ્લી રીતે હાથ ધરવામાં આવ્યો છે અને એ ખેંચ્યે જ રાખ્યો છે. અહીં તમને ઉમેશ શુક્લની ‘ઓ માય ગૉડ’ની અસર પણ દેખાશે (ઍક્ટ ઑફ ગૉડના નામે ઈન્શ્યોરન્સ આપવામાં દાંડાઈ કરતી કંપનીઓ સામે આવેલી હજારોની સંખ્યામાં જાહેર હિતની અરજી યાદ છે?).

ફિલ્મમાં એક તબક્કે જજ (કાર્ટૂન જેવા કિરદારમાં સુશ્મિતા મુખર્જી) હથોડો પછાડતાં ડિફેન્સ લૉયરને કહે છેઃ તમે, યાર, ઝટ મુદ્દા પર આવો. કાશ આ વાત પટકથાકાર-દિગ્દર્શક સમજી શક્યા હોત તો ત્રણ કલાક સુધી ફિલ્મને ખેંચી ન હોત.

(જુઓ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું ટ્રેલર)

httpss://youtu.be/BoLTSoVPzQ0

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]