લવયાત્રીઃ જો બકા… બહુ દિમાગ નહીં ઘસવાનું…

ફિલ્મઃ લવયાત્રી

કલાકારોઃ આયુષ શર્મા, વરિના હુસૈન

ડાયરેક્ટરઃ અભિરાજ મીનાવાલા

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

સલમાન ખાને જિજાજીને હીરો બનાવવા જેનું નિર્માણ કર્યું એ ‘લવયાત્રી’ મધ્યમવર્ગી છોકરો ને ધનિક બાપની એનઆરઆઈ છોકરીની લવસ્ટોરી છે. ફિલ્મમાં નવું કંઈ નથી. અરે હાં-એક ડાયલૉગ છેઃ ‘પ્યાર તો મોબાઈલ કે સીમ કાર્ડ જૈસા હોતા હૈ- હોતા હૈ છોટા લેકિન હર બ્રાન્ડ કે ફોન મેં ફિટ હોતા હૈ…’ કદાચ સર્જકો આને નવું ગણતા હશે. જવા દો. તો, કંઈ નવું ન હોવા છતાં આવી વાર્તામાં રાબેતા મુજબ હોય છે એવી રોકકળ કે રીચ ગર્લના ડૅડએ મોકલેલા ગુંડા સાથે હીરોની મારામારી કે એવુંબધું, નસીબજોગે, નથી. આ ઉપરાંત ફિલ્મને ટેકો મળ્યો છે મસ્તમજાના નવરાત્રિ માહોલનો, પ્રતીક ગાંધી-સજીલ પરખ જેવા પ્રતિભાશાળી કલાકારનો ને દિલડોલ સંગીતનો. દંતકથા સમા અવિનાશ વ્યાસ (યસ, આ માટે એમને શ્રેય આપવામાં આવ્યું છે)ના યાદગાર સર્જન પરથી રચવામાં આવેલું ‘છોગાળા’ સોંગ ઑલરેડી હિટ બની ગયું છે. ‘ઢોલીડા’ સોંગ પણ સરસ છે. બાકી ‘રંગતાળી રંગતાળી’ને બદલે ‘રંગતારી રંગતારી’ ગાનાર યો યો હનીસિંહ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? (‘તૂને આંખે ઘૂમાકે જો મારી’ સાથે પ્રાસ બેસાડવા ‘તાળી’ને બદલે ‘તારી’ રાખ્યું હશે?)…

નીરેન ભટ્ટ લિખિત કથાની પૃષ્ઠભૂ છે વડોદરા. મધ્યમવર્ગી હરિભાઈ (કેનેથ દેસાઈ)ને એમ છે કે કૉલેજમાં ભણતો પુત્ર સુશ્રુત, હુલામણું નામ સુસુ (આયુષ શર્મા) આગળ જતાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન બનશે, પણ પુત્રને તો દોઢિયા-પાંચિયા-અઠિયા શીખવતી ગરબા ઍકેડમી ખોલવી છે. હરિભાઈને કાયમ એમ લાગે છે કે પત્ની (અલ્પના બૂચ)ના ભાઈ રસિક (રામ કપૂર)એ જ સુસુને બગાડ્યો છે. એમાં પાછા સુસુના બેસ્ટ ફ્રેન્ડ નગેન્દ્ર ઉર્ફે નેગેટિવ (પ્રતીક ગાંધી) અને રાકેશ ઉર્ફે રૉકેટ (સજીલ પરખ) પણ સુસુની જેમ રખડી ખાનારા જ છે. ખેર. નવરાત્રિ આવે છે ને સાથે આવે છે મિશેલ એટલે કે મનીષા (વરિના હુસૈન) ફ્રૉમ લંડન. મૂળ વડોદરાની, પણ પપ્પા (રૉનિત રૉય)નો લંડનમાં લૉન્ડ્રીની ચેઈન ધરાવતી કંપની છે એટલે એ ત્યાં રહે છે, અર્થશાસ્ત્રમાં ટૉપ કર્યું છે. થોડા સમયમાં તો પંચ્યયાશી હજાર પાઉન્ડના વાર્ષિક પૅકેજવાળી જોબ પણ મળી જશે.

તો, મિશેલ વડોદરામાં કાકા-મોટા કાકા-કાકી ને કઝિન્સ સાથે ગરબા કરવા જાય છે, શુશ્રુત સાથે આંખો મળે છે ને લો, થઈ જાય છે લવ ઍટ ફર્સ્ટ સાઈટ. પણ વડોદરાના ધૂમ તડકામાં પણ બ્રાન્ડેડ સુટ પહેરીને ફરતા મિશેલના પપ્પાને કતઈ મંજૂર નથી કે પોતાની લાડલી આવા વડોદરાના બકા-ટાઈપ સાથે હરેફરે. તો આ છે લવસ્ટોરીનો કૉન્ફિલ્ટ અથવા ક્રાઈસીસ. પપ્પા સાથે લંડન ઊડી જનારી મિશેલને ખોજવા સુસુએ લંડન જવું પડે, પણ કેવી રીતે?

ફિલ્મમાં ઠેકઠેકાણે સલમાન ખાનની હાજરી જોવા મળે છેઃ ઈન્ટ્રોડક્શન સીનમાં આયુષ શર્ટ ઉતારી નાખે છે, એક સીનમાં ‘બંજરંગી ભાઈજાન’નું પોસ્ટર જોવા મળે છે, એક સીનમાં રસિકમામા પોતાના ભાણા ભાઈને સમજાવે છે કે પ્યાર તો બોલિવૂડના ખાન લોકો (આમિર-શાહરુખ-સલમાન) જેવો કરવો જોઈએ, વગેરે. જો કે આયુષને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે એની સ્ક્રીન પ્રેઝન્સ સારી છે ને ઍક્ટિંગ પણ ઠીકઠાક કરી લે છે. વરિના પણ ઓકે. ‘મિત્રોં’માં પોતાની છાપ મૂકનાર પ્રતીક ગાંધી અહીં પણ મજબૂત સપોર્ટ સાબિત થાય છે. અનેક સીન્સ પ્રતીક અને સજીલને લીધે નીખર્યા છે.

ટૂંકમાં, દિમાગ પર બહુ જોર લગાવ્યા વગર, ઝાઝી અપેક્ષા રાખ્યા વગર એક હળવીફૂલ મ્યુઝિકલ લવસ્ટોરી જોવા જશો તો નિરાશ નહીં થાવ.

(જુઓ ‘લવયાત્રી’નું ટ્રેલર)

httpss://youtu.be/NCC6izqds04

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]