ફિલ્મઃ કુલદીપ પટવાલ- આઈ ડિડન્ટ ડુ ઈટ
કલાકારોઃ દીપક ડોબ્રિયાલ, રાઈમા સેન, ગુલશન દેવૈયા
ડિરેક્ટરઃ રેમી કોહલી
અવધિઃ આશરે બે કલાક દસ મિનિટ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★
1980ના દાયકાના રાજીવ ગાંધીનું સ્મરણ કરાવી જતા દેશના એક કાલ્પનિક સ્ટેટના યુવા મુખ્ય મંત્રી વરુણ ચઢ્ઢા (પરવીન ડબાસ)ની હત્યા થાય છે એ છે ફિલ્મનો ઉપાડ. રાજીવ ગાંધીની જેમ જ વરુણને પણ જનતા માટે ઘણું બધું કરવું છે, પણ ચૂંટણી જીતવા પોતાના આદર્શ-ઉસૂલનાં સમાધાન કરવા પડે છે. ખેર. હત્યાનો કાળ છેઃ 18 સપ્ટેમ્બર, 2013. પછી ડિરેક્ટર આપણને હત્યાની પંદર મિનિટ પહેલાંના સમયમાં લઈ જાય છે. એ પછી આપણે આવી જઈએ છીએ વર્તમાનમાં…
ભરતસરમાં રહેતો કુલદીપ પટવાલ (દીપક ડોબ્રિયાલ) તેજસ્વી, પણ બેકાર યુવાન છે. ઘરમાં આલ્કોહોલિક મા છે, ઑટોરિક્ષા ચલાવતા, પણ ખાસ કંઈ કામમાં ન આવતા પિતા છે. કુલદીપ પટવારીની નોકરી માટેની પરીક્ષા સારા માર્ક્સથી પાસ કરે છે, પણ એ નોકરી રિઝર્વેશન ક્વોટાથી બીજા કોઈને મળી જાય છે. સારી નોકરી મળવાની પ્રતીક્ષામાં સડક પર ફેરી કરતો કુલદીપ ઘરનાં ઘરેણાં વેચી કરિયાણાની દુકાન શરૂ કરે છે, પણ ગરીબી જતી નથી. ભરતસરના ચીફ મિનિસ્ટરની ચિત્રવિચિત્ર નીતિથી કુલદીપને સતત નુકસાન થતું રહે છે. એનાં તાજાં જન્મેલાં જોડિયાં બાળકો પણ ચીફ મિનિસ્ટરને કારણે દમ તોડી દે છે. આથી જ પોલિટિકલ રૅલી દરમિયાન થયેલી ચીફ મિનિસ્ટરની હત્યા બાદ એવું પ્રતીત થવા માંડે છે કે હતાશ થઈને, આવેશમાં આવી જઈને કુલદીપે જ સીએમનું મર્ડર કર્યું હશે. પછી શરૂ થાય છે કોર્ટ રૂમ ડ્રામા. માય લૉર્ડ, મૌકા-એ-વારદાત પર કુલદીપ પટવાલ કી મૌજૂદગી સબૂત હૈ… બાઘાચકવા એક્સપ્રેશન સાથે કુલદીપ કહે છે કે હા, એ સાચું કે હું ત્યાં હતો, પણ શું બનેલું એ એને કંઈ યાદ નથી. કુલદીપનો વકીલ છે ઍડવોકેટ પ્રદ્યુમ્ન (ગુલશન દેવૈયા). સામે છે ચીફ મિનિસ્ટરની વિધવા સિમ્રત (રાઈમા સેન).
ફિલ્મનો આરંભ એવો જડબેસલાક કરવામાં આવ્યો છે કે આગળ જતાં કંઈ હચમચાવી દે એવું જોવા મળશે એનાં એંધાણ મળે, પણ સબૂર… આ શું? ફિલ્મ વારંવાર 14 વર્ષ પહેલાંના સમયમાં, એ પછી 12 વર્ષ પહેલાંના ટાઈમમાં, પાછા વર્તમાનમાં… આમ ભૂતકાળ-વર્તમાનમાં ગોથાં ખાતો પ્રેક્ષક બાપડો હાંફી જાય છે. અચ્છા, કાળની આવી ગતિ-વિગતિમાંથી નીકળે તો કંઈ નહીં, ઊલટું કથાકથન જટિલ બનાવી મૂકે છે. વાર્તા કહેવાના આવા નૉન-લિનિયર તરીકાથી એક સીધીસાદી મર્ડર મિસ્ટરી અકારણ કૉમ્પ્લિકેટેડ બની ગઈ. મૂળ લંડનનિવાસી ડિરેક્ટર રેમી કોહલી કદાચ કાન કે બર્લિન જેવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં બહુ બધી વિદેશી ફિલ્મો જોતા હશે એટલે એમને એમ કે આપડે બી જરા ઈન્ટરનેશનલ સિનેમા જેવું કંઈ કરીએ, યુ સી.
ડિરેક્ટરે વિષયને નરી બાલિશતાથી હાથ ધર્યો છે. એમાં વળી વાર્તામાં ગરીબીને બદલે ગરીબોને જ હટાવી દેતું ગંદું પણ સિસ્ટમેટિક રાજકારણ, ભ્રષ્ટ સરકારી તંત્ર, વર્ણવ્યવસ્થા, અનામત, બેકારી, આમ જનતા માટે કંગાળ હેલ્થ ફેસિલિટી, રિલાયબલ કોર્પોરેશન નામની એક જ કંપનીની અમર્યાદિત સત્તા, વગેરે એટલું બધું (એ પણ ઉપરછલ્લું) કોથળામાં પાંચશેરી ભરીને પ્રેક્ષકના માથે મારવામાં આવ્યું છે કે ફાઈનલી કુલદીપ છૂટી જાય છે કે ફાંસીએ ચઢે છે એ જાણવામાંથી રસ ઊડી જાય છે. ડિરેક્ટરને એમ હશે કે ફિલ્મનો ક્લાઈમેક્સ ખુરશીમાંથી બેઠા કરી દેશે, પણ એ ચોંકાવનારો વળાંક સાવ પણ બાલિશ જ છે.
બધા ઍક્ટર કેરિકેચર જેવા લાગે છે, એક દીપક ડોબ્રિયાલ છેક સુધી ઝઝૂમતો રહે છે. એક ફ્રસ્ટ્રેટેડ કૉમન મૅનની ભૂમિકા એણે રીતસરની જીવી છે, પણ એના બધા પ્રયાસ પર નબળી પટકથા ને ઉભડક પ્રસંગોએ પાણી ફેરવી દીધું છે.
(જુઓ ‘કુલદીપ પટવાલ- આઈ ડિડન્ટ ડુ ઈટ’નું ટ્રેલર)