કલંકઃ અતિભવ્ય નિરાશા!

ફિલ્મઃ કલંક

કલાકારોઃ સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, સોમાક્ષી સિંહા, વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર

ડાયરેક્ટરઃ અભિષેક વર્મન

અવધિઃ આશરે બે કલાક પચાસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

પાંચેક વર્ષ પહેલાં ચેતન ભગતની નવલકથા પરથી ‘ટુ સ્ટેટ્સ’ બનાવનારા ડિરેક્ટર અભિષેક વર્મનની લેટેસ્ટ ‘કલંક’ જોયા બાદ પ્રેક્ષકની મનોદશાનું વર્ણન ફિલ્મનું એક પાત્ર એના સંવાદમાં કરે છેઃ “મૈં કહાની સુનને આયા થા… આપને કઠહરા ખડા કર દિયા”.

-અને ‘કલંક’ વિશે ‘ચિત્રલેખા’નો સારઃ બિગ સ્ટાર, બિગ પ્રોડક્શન હાઉસનું બિગ બજેટ… બધું નકામું. કારણ? વેરી બૅડ સ્ક્રિપ્ટ. આંખ માટે આતશબાજી જેવી ‘કલંક’ સુસ્ત પટકથા, આઉટડેટેડ સંવાદ અને કન્ફ્યુઝ્ડ કેરેક્ટરાઈઝેશનથી વેરવિખેર છે. ફિલ્મના મુહૂર્ત શૉટથી છેલ્લા શૉટ સુધી, શું ચાલી રહ્યું છે, શું કામ ચાલી રહ્યું છે એની જાણે રાઈટર-ડિરેક્ટરને કોઈ ગતાગમ નથી. એડિટરે સ્લીપ મોડમાં હોય એમ, ડિરેક્ટરે શૂટ કરેલા રેન્ડમ સીન્સ કટ અને પેસ્ટ કરી દીધા છે.

ફિલ્મની વાર્તાનો કાળ દેશના ભાગલા પહેલાંનો છે. પૃષ્ઠભૂમિ છેઃ લાહોર નજીકનું કાલ્પનિક હુસ્નાબાદ નગર. એમાં એક લવસ્ટોરી છે. એની અંદર એક બીજી લવસ્ટોરી છે, બીજી લવસ્ટોરીની અંદર એક ત્રીજી લવસ્ટોરી છે… હુસ્નાબાદના ભવ્ય મહેલમાં રહેવાવાળા ખાનદાની બલરાજ ચૌધરી (સંજય દત્ત) બહોળો ફેલાવો ધરાવતું દૈનિક અખબાર ‘દિલ્હી ટાઈમ્સ’ ચલાવે છે, જેનું સુકાન પુત્ર દેવ ચૌધરી (આદિત્ય રૉય કપૂર) સંભાળે છે. દેવની પત્ની સત્યા (સોનાક્ષી સિંહા) કેન્સરનો સામનો કરી રહી છે. ડૉક્ટરના કહેવા મુજબ “આપ એક સાલ કી મેહમાન હૈ”. પોતાની અનુપસ્થિતિમાંયે પતિ ખુશ રહે એ માટે સત્યા એક રસ્તો કાઢે છેઃ જવાન-ખૂબસૂરત-ભણેલીગણેલી રૂપ (આલિયા ભટ્ટ)ના વિવાહ દેવ સાથે, પોતાની હાજરીમાં કરાવી દે છે. મહેલમાં આવ્યા બાદ રૂપ નગરના બદનામ ગણાતા હીરા મંડી વિસ્તારની એક કાળની તવાયફ બહાર બેગમ (માધુરી દીક્ષિત) પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરે છે. હીરા મંડીમાં રૂપની મુલાકાત ઝફર (વરુણ ધવન) સાથે થાય છે, જે લાહોરનો કુશળ લુહાર છે. કુણાલ ખેમૂ બન્યો છે ઝફરનો ભાઈ અને કટ્ટર મુસ્લિમ, જેણે ચૌધરીખાનદાન સામે તલવાર તાણી છે. બલરાજ ચૌધરી-બહાર બેગમ-ઝફર, વગેરેનાં પોતપોતાના એક ભૂતકાળ છે…

1940ના દાયકાનું ભારતનું એક નગર, એ સમયકાળ બતાવવામાં સર્જકે ઑથેન્ટિસિટીની દરકાર કરી નથી. કેમ કે આ તો ‘ધર્મા પ્રોડક્શન્સ’ની ફિલ્મ છે. નગરના મહેનતકશ લુહાર પણ ડિઝાઈનર કપડાં પહેરીને ફરે છે, તહેવાર પણ ડિઝાઈનર છેઃ માર્ક કરો દશેરાની ઉજવણીનો સીન. સેટ્સથી લઈને છ-એ-છ મુખ્ય કલાકારોના પોશાક, એમના હાવભાવ બધું ડિઝાઈનર અને… ફેક. અને ડાયલૉગ્ઝ? કેટલા ફેક? કેટલા આઉટડેટેડ? થોડા નમૂના જુઓઃ “તવાયફ કો તાજ મહલ કેહને સે ઉસકી તકદીર બદલ નહીં જાયેગી… યે શાદી નહીં, સમજૌતા હૈ”…

ટૂંકમાં, યશ ચોપરાની ‘ત્રિશૂલ’થી લઈને ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘કભી અલવિદા ના કેહના’થી લઈને દીપા મેહતાની પાર્ટિશનના થિમવાળી ‘અર્થ’ની ભેળપૂરી જેવી તથા સંજય લીલા ભણસાળીની સ્ટાઈલની નકલ જેવી બોરિંગ ‘કલંક’ જોવી હોય તો તમારા જોખમે જોવી.

(જુઓ ‘કલંક’નું ટ્રેલર)

httpss://youtu.be/p4Z_ueeT_XQ