ધ તાશ્કંદ ફાઈલ્સ: નો વન કિલ્ડ શાસ્ત્રીજી?

ફિલ્મઃ ધ તાશ્કંદ ફાઈલ્સ

કલાકારોઃ નસીરુદ્દીન શાહ, શ્વેતા પ્રસાદ બસુ, મિથુન ચક્રવર્તી, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, પલ્લવી જોશી, રાજેશ શર્મા, પ્રકાશ બેલવાડી

ડાયરેક્ટરઃ વિવેક રંજન અગ્નિહોત્રી

અવધિઃ આશરે સવા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

ફર્સ્ટ થિંગ ફર્સ્ટઃ આ રિવ્યૂ લખવામાં આપની એટલે કે પ્યારા પ્રેક્ષકોની રસક્ષતિ ન થાય એની ખાતરી રાખીશું, જેથી ફિલ્મ જોતી વખતે ઉત્કંઠા બરકરાર રહે. સો, નો સ્પોઈલર. ઓકે. આ ફિલ્મ સ્વતંત્ર ભારતના દ્વિતીય પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના તાશ્કંદમાં આકસ્મિક સંજોગમાં થયેલા અવસાનના રહસ્ય પરથી પરદો ઉઠાવવાનો એક પ્રયાસ છે. આ માટે સર્જકે દિલ્હીથી રશિયા સુધીનો પ્રવાસ ખેડ્યો છે. સીઆઈએ, કેજીબી, ઈન્ડિયન ગવર્નમેન્ટ, મીંઢા હિસ્ટોરિયન અને બાયસ્ડ મિડિયા વચ્ચે ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયેલા સત્યને બહાર કાઢવાની મથામણ છે ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’. ફિલ્મનો આરંભ એક બ્લૅક ઍન્ડ વ્હાઈટ, જૂની ફિલ્મથી થાય છે. હકીકતમાં એ દશ્યો છે તો આ ફિલ્મનો જ ભાગ, પણ એને શૂટ એ રીતે કરવામાં આવ્યાં છે, જાણે એ કોઈ મહત્ત્વની જૂની ફિલ્મનો ટુકડો હોય…

કટ-ટુ આજનું 2019નું નવી દિલ્હી. રાગિણી ફુલે (શ્વેતા બસુ પ્રસાદ) એક યુવા પત્રકાર છે, એને તલાશ છે એક જબરદસ્ત, ખળભળાટ મચાવી દે એવા સમાચારની, સ્ટોરીની કેમ કે એની નોકરી ખતરામાં છે. અચાનક રાગિણીને કોઈ અજ્ઞાત વ્યક્તિ તરફથી ઢગલાબંધ કાગળિયાં મળે છે. આ કાગળિયાં એટલે 1966ના જાન્યુઆરીમાં લાલબહાદુર શાસ્ત્રી ‘તાશ્કંદ-કરાર’ પર હસ્તાક્ષર કરવા ગયેલા ત્યારે એમનું મૃત્યુ થયેલું એને લગતા છે. એ મૃત્યુ કુદરતી હતું કે પછી એની પાછળ કોઈ ષડયંત્ર હતું? થોકબંધ ડૉક્યૂમેન્ટસ મોકલનાર એ અજ્ઞાત વ્યક્તિની અરજ છે કે રાગિણીએ આ બધું એના બહોળો ફેલાવો ધરાવતા છાપામાં છાપવું. રાગિણી આ સમાચાર છાપે છે દેશમાં હોબાળો મચી જાય છે. વિરોધ પક્ષના પીઢ નેતા શ્યામ સુંદર ત્રિપાઠી (મિથુન ચક્રવર્તી) આ મુદ્દો ઉઠાવે છે. શાસક પક્ષના અનુભવી, ખંધા રાજકારણી પીકેઆર નટરાજન (નસીરુદ્દીન શાહ) મામલો થાળે પાડવા તોડ કાઢે છે કે ત્રિપાઠીના વડપણ હેઠળ એક કમિટી આ મામલાની (શાસ્ત્રીજીના મૃત્યુની) તપાસ કરી, એનો રિપોર્ટ આપે. આમ આઠ બુદ્ધિવાદીની કમિટી બને છે, જેમાં ઈતિહાસકાર (પલ્લવી જોશી) છે, વિજ્ઞાની (પંકજ ત્રિપાઠી) છે, રૉના ભૂતપૂર્વ અધિકારી (પંકજ બેલવાડી) છે, નિવૃત્ત સરકારી અધિકારી (રાજેશ શર્મા) છે, એનજીઓ ચલાવતાં સામાજિક કાર્યકર (મંદિરા બેદી), અલબત્ત, પત્રકાર રાગિણી ફુલે પણ છે… પછી શરૂ થાય છે આઠ કમિટી-મેમ્બર્સ વચ્ચે દલીલ-તર્ક-તથ્યોની, એમની વચ્ચેના મતભેદોની શાબ્દિક તડાફડી, જે આપણને હોલીવૂડની ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની યાદ અપાવી જાય છે. વચ્ચે વચ્ચે દિલ્હીના બગીચા, એની સડક, રશિયા, ટીવીચેનલના ન્યૂઝ-રૂમ, વગેરે જેવાં લોકેશન્સ જોવા મળે છે. અંતે શું સાબિત થાય છે? શાસ્ત્રીજીનું મૃત્યુ કુદરતી હતું કે અકુદરતી? એ જાણવા ફિલ્મ જોવી પડે.

રાઈટર-ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મનું શીર્ષક, એનો વિષય જોતાં પ્રથમ નજરે એવું ધારી લેવાનું મન થાય કે આ એક ધીમી, ઘસડાતી ફિલ્મ હશે, પણ ના. ડિરેક્ટરે આવો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં ઘટનાક્રમ કંટાળાજનક નથી બનતા, બલકે અનેક ઠેકાણે ખુરશી સાથે જકડી રાખે છે. ખાસ કરીને ફિલ્મ ભારતથી રશિયા પહોંચે છે ત્યારે. આનું કારણ છે દિમાગની નસ ફાટી જાય એ હદે કરવામાં આવેલું રિસર્ચ, જડબેસલાક પાત્રાલેખન ને ચોટદાર સંવાદ (“રાજકારણમાં જીતવું બહુ જ જરૂરી છે, કેમ કે હારેલાની પ્રજા વચ્ચે કોઈ કિંમત રહેતી નથી”). વચ્ચે વચ્ચે આવતાં શાસ્ત્રીજીનાં ઓરિજિનલ ફૂટેજ પણ અસરકારક બન્યાં છે.

આ ફિલ્મ રાઈટ વિંગની કે કોઈનો પ્રચાર કરવા બનાવેલી ફિલ્મ છે એવું માની લેવાની રખે ભૂલ કરતા. ફિલ્મના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠીના મોંમાં મૂકવામાં આવેલો સેક્યુલરીઝમની ખિલ્લી ઉડાડતો સંવાદ જોઈને ઘણા આવું માની લેવાની ભૂલ કરી રહ્યા છે, પણ એ સંવાદ બોલાયાના થોડા સમય બાદ મિથુન ચક્રવર્તી કટ્ટર હિંદુની ભૂમિકા ભજવતા પંકજ ત્રિપાઠીને કંઈ એવું કહે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કંઈ પરટિક્યુલર વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરવા બનાવવામાં આવેલી ફિલ્મ નથી. ટૂંકમાં, ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ હું આજના યુવા ઈતિહાસપ્રેમી, ફિલ્મપ્રેમી દર્શકોને જોવાની અને 8-9 સશક્ત પરફોરમન્સને માણવાની ભલામણ કરીશ.

(જુઓ ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’નું ટ્રેલર)

httpss://youtu.be/OgWylHdfIdo

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]