સ્ટુડન્ટ ઑફ ધ યર 2: આ ક્લાસમાં હાજરી આપવા જેવી ખરી?

ફિલ્મઃ સ્ટુડન્ટ ઑફ ધ યર 2

કલાકારોઃ ટાઈગર શ્રોફ, હર્ષ બેનિવાલ, અનન્યા પાંડે, તારા સુતરિયા, આદિત્ય સીલ

ડાયરેક્ટરઃ પુનિત મલ્હોત્રા

અવધિઃ બે કલાક છવ્વીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

કરાટે-કબડ્ડી, અર્થવિહોણા ડાયલોગ્સ, પ્યારનાં બદલાતાં સમીકરણનાં ટાહ્યલાં, અચાનક આવી જતાં નાચ-ગાના, અહંની ટક્કર, વગેરેના અતિરેકવાળી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-ટુ’ (‘એસઓટીવાય’) એ ખરેખર તો ‘રેસ-ટુ’ની સિક્વલ જેવી લાગે છે. ફિલ્મમાં રળિયામણા હિલસ્ટેશન મસૂરીમાં એક ‘સેંટ ટેરેસા’ કૉલેજ છે, જ્યાં ફૅશન-મોડેલ જેવાં છોકરાં-છોકરી ચહેરા પર મેક-અપના થપેડા કરીને કૅમ્પસ પર આમતેમ અથડાયાં કરે છે. અહીં જાહેરમાં પ્રેમાલાપ કરો તો ચાલી જાય છે, પણ જો કોઈને ટપલી મારી તો કાઢી મૂકવામાં આવે છે. અને હા,  જો તમારી આંખ માઈક્રોસ્કોપ જેવી તેજ હશે તો એમના હાથમાં પાઠ્યપુસ્તક-નોટબુક દેખાશે. રોહન સચદેવ (ટાઈગર શ્રોફ) મધ્યમવર્ગી (ગરીબ એમ વાંચો) છોકરાંવ માટેની ‘પિશોરિલાલ ચમનદાસ કૉલેજ ઑફ દેહરાદૂન’માં ભણતો હોય છે, પણ એની ગર્લફ્રેન્ડ મૃદુલા અથવા મિયા ધનાઢ્યોનાં સંતાન માટે સેંટ ટેરેસામાં છે એટલે સ્પોર્ટ્સ ક્વોટાનો ઉપયોગ કરી એ પણ ‘સેંટ ટેરેસા’માં પ્રવેશ લઈ લે છે. ‘સેંટ ટેરેસા’માં રોહનનો ભેટો અતિધનાઢ્ય ભાઈ-બહેન સાથે થાય છેઃ શ્રેયા (અનન્યા પાંડે) અને ઉદ્ધત્ત-છેલબટાઉ, પણ કૉલેજનો સ્ટાર પરફોરમર માનવ સિંઘાણિયા (આદિત્ય સીલ). રોહનને શ્રેયા સાથે જામવા માંડે છે કેમ કે બન્નેની રુચિ એક છેઃ ડાન્સ. મિયાને લાગે છે કે રોહન ગઁવાર છે, શ્રેયાને લાગે છે કે રોહન તો મજાનો છે, રોહનને શું લગાડવું એ સમજાતું નથી. પછી રોહન અને સહપાઠી માનવ આખું શૈક્ષણિક વર્ષ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર કમ્પિટિશન’ જીતવામાં વેડફી નાખે છે. ના, ભણવામાં બેસ્ટ વિદ્યાર્થી કોણ એની આ સ્પર્ધા નથી, પણ કબડ્ડીની મૅચ જીતવાની કમ્પિટિશન છે.

તમને થશે કે કરણ જોહરની ફિલ્મ અને કબડ્ડી? યસ્સ, કબડ્ડી, જેથી ટાઈગર શ્રોફ હવામાં ફંગોળાઈને બૅક ફ્લિપ્સ (સ્લો મોશનમાં) મારી શકે, કૂદાકૂદ કરી શકે. વચ્ચે વચ્ચે રોહન-મિયા-શ્રેયા પ્રણયત્રિકોણ રચે છે, 1970ના દાયકાના સુપરહીટ સોંગ ‘યે જવાની હૈ દીવાની’ના રિમિક્સ પર નાચે છે, જેમાં પચાસ સેકન્ડ્સ માટે હોલિવૂડનો ઍક્ટર વિલ સ્મિથ દેખાઈ જાય છે. ફિલ્મને અંતે આવતી નામાવલિ વખતે આલિયા ભટ્ટ નજરે ચડે છે.

ઓકે, 2012માં કરણ જોહરે ફર્સ્ટ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ બનાવીને આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રાને કામધંધે લગાડ્યાં. હવે એના ખભા પર ચંકી પાંડેની દીકરી અનન્યા અને તારા સુતરિયાને નોકરીએ લગાડવાની જવાબદારી હતી એટલે નૅચરલી, ડિરેક્ટર પુનિત મલ્હોત્રા પ્રત્યે અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. એમ કહી શકાય કે, હાડોહાડ ‘એસઓટીવાય’-ફૅન્સ નિરાશ નહીં થાય, પણ ફિલ્મમાં બધું ઉપરછલ્લું. તમે જસ્ટ વિચારો, આવા સ્ટુડન્ટ, આવી કૉલેજ ક્યાં હોય? ટાઈગર શ્રોફ કોઈ એન્ગલથી સ્ટુડન્ટ લાગતો નથી. જો કે કરણ જોહર બ્રાન્ડની ફિલ્મમાં સબ ચલતા હૈ!

બાકી મારી પેઢીના ફિલ્મચાહકોએ આવા આર્ચી-વેરોનિકા જેવાં પાત્રો પર આધારિત મન્સૂર ખાન દિગ્દર્શિત અદભુત ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ જોઈ છે એટલે ‘એસઓટીવાય’ અમને બહુ સ્પર્શે નહીં એ સ્વાભાવિક છે. પણ હા, અભિનય ડિપાર્ટમેન્ટ માટે કહેવું જોઈએ કે તારા-અનન્યાની સ્ક્રીન પ્રેઝન્સ જબરદસ્ત છે, બન્નેમાં કૌવત છે, પણ એમને જરૂર હતી હજી વધુ સારી સ્ક્રિપ્ટની, હર્ષ બેનીવાલને ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. ટાઈગર શ્રોફ-આદિત્ય સીલ જસ્ટ ઓક્કે.

જો તમે ટાઈગર શ્રોફના અને કરણ જોહરની વાસ્તવિકતાથી લાખ્ખો માઈલ દૂર એવી ફીલ-ગુડ ફિલ્મોના ફૅન હોવ તો જ ‘એસઓટીવાય-ટુ’ તમને ગમશે. બાકી વિદ્યાર્થીજીવન કેવું છે એ જોવું હોય તો સશક્ત વાર્તાવાળી વેબસિરીઝ ‘કોટા ફૅક્ટરી’ જોઈ લેજો.

(જુઓ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’નું ટ્રેલર)

httpss://youtu.be/QZsthdsh6yk

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]