ગોરા થવા માટે કેટકેટલી પ્રોડક્ટ આજે માર્કેટમાં અવેઇલેબલ છે. પણ મહત્વ રંગનુ નહીં પ્રકારનુ છે. એટલે ગોરા થવા કરતાં પણ જો તમારા ચહેરાની સ્કીન સ્મૂધ અને ગ્લોઇંગ છે તો ગોરા હોવ કે ન હોવ, તમે લોકોનુ ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવામાં સફળ થશો જ. પણ સવાલ એ છે કે આજના સમયમાં શ્વાસ લેવા શુદ્ધ હવા પણ નથી મળતી તો વળી આપણા ફેસને ચમક કેવી રીતે મળશે. અને મળશે તો કેવી રીતે ટકશે. પણ કહેવાય છે જે કે સવાલ કોઇ પણ હોય. જવાબ હંમેશા હોય છે. અને એ જવાબ છે શુદ્ધ તત્વ એવુ મધ. મધને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાથી આપણી સ્કીન પણ શુદ્ધ એટલે કે દાગ અને ટોન પેચીસ વગરની દેખાશે. એકદમ સ્મૂધ ટોન અને એ પણ ગ્લોઇંગ.
કેવી રીતે મધ સુંદરતાની ચમક આપશે તે જાણીએ. સૌથી પહેલા ક્લીન્સર. મધનું ક્લીન્સર બનાવવું ખુબ સરળ છે. એક ચમચી મધ અને થોડુ ગરમ પાણી. પહેલા થોડા ગરમ પાણીથી તમારા ચહેરાને ધોઇ લેવો. અને ત્યાર બાદ. ફેસ વોશ કરીએ એ રીતે મધને લઇને તમારા ચહેરા પર 2થી 3 મિનીટ મસાજ કરો. અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ લો. અઠવાડિયામાં 2થી 3 વાર તમે મધનું આ સરળ ક્લીન્સર વાપરી શકો છો. કોઇ પણ સ્કીન ટાઇપ હોય, મધનુ આ ક્લીન્સર તમારા ચહેરાની ત્વચા પર ઉત્તમ કામ કરશે.
ચહેરા માટે આપણે સામાન્ય સાબુને સ્થાને ફેસ વૉશ વાપરીએ છીએ. તો મધથી પણ ઉમદા પ્રકારનુ ફેશ વૉશ બની શકે છે. એક મોટી ચમચી મધ લઇને તેમાં એક નાની ચમચી (ટી સ્પૂન) જેટલુ ગુલાબજળ એડ કરવુ. ગુલાબજળને સ્થાને તમે કાચુ દૂધ પણ વાપરી શકો. ત્યાર બાદ તેમાં એક ટી સ્પૂન જેટલો ચંદન પાવડર અને ચપટી હલ્દી ઉમેરીવી. આ બધી વસ્તુ ભેગી કરીને બનેલા મિશ્રણને ફેશ વૉશની જેમ વાપરવું. જેટલુ ફ્રેશ વાપરશો એટલી અસર વધુ થશે. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવો. પછી જુઓ કેવી ચમક આવે છે તમારા ચહેરા પર. આ મિશ્રણથી તમારા ચહેરાનો ટોન પણ ઇવન થશે અને સાથે રંગમાં નિખાર પણ દેખાશે.
મધનું સ્ક્રબ પણ ચહેરાના નિખારને વધારશે. એક મોટી ચમચી મધ લઇને તેમાં બે મોટી ચમચી બદામનો પાવડર અને અડધી ટી સ્પૂન લીંબૂનો રસ એડ કરીને બનાવેલુ સ્ક્રબ ચહેરા પરના ડેડ સેલ્સ હટાવવામાં મદદરુપ થશે. અને સાથે તેનાથી ચહેરા પરનું મોઇસ્ચર પણ જળવાશે. આ સ્ક્રબથી ફેસ પર હળવા હાથે મસાજ કરવી અને પછી તેને હુંફાળા પાણીથી ધોઇ નાખવું. છે ને ઇઝી. આ સિવાય વધુ એક સરળ કીમીયો છે. મધ અને ખાંડ. 2 મોટી ચમચી મધ અને અડધી ટી સ્પૂન ખાંડ લઇને તેને હલાવી લેવી અને પછી હળવા હાથે સર્ક્યુલર મોશનમાં ફેસ પર મસાજ કરવી. અને 2 મિનીટની મસાજ બાદ ચહેરો ધોઇ લેવો. જો તમારુ ટાઇમટેબલ બીઝી હોય તો આ ઉપાય તમારા માટે અત્યંત ઉપયોગી બની રહેશે.
ફેશ ક્લીન્સર, ફેશ વૉશ અને સ્ક્રબ બાદ આવે ફેસ પેક. મધના આમ તો ઘણા ફેસ પેક બને છે. બધાની જો વાત કરીએ તો કદાચ નાનકડી પોકેટ બુક લખાઇ જાય. એટલે અહીં એક અત્યંત આસાન જે ઉપાય છે તેની જ વાત કરીએ. મધ અને ટામેટુ. જી હા, ટામેટું. અડધા ટામેટાને સમારીને તેને મેશ કરી લો. તેમાં 1 મોટી ચમચી મધ એડ કરવું. ગઠ્ઠા વિનાની પેસ્ટ તૈયાર થઇ જાય એટલે તેને ફેસ પર લગાવીને 15 મિનિટ રહેવા દેવી અને પછી ફેસ હુંફાળા પાણીથી ધોઇ લેવો. ટામેટામાં રહેલુ માઇલ્ડ એસિડિક તત્વ તમારી સ્કીનને સાફ કરશે. તેમા રહેલુ વિટામિન C ચહેરાની ત્વચામાં સુધાર લાવશે. અને તેમા રહેલુ કેરોટિન તમારા ચહેરાની નેચરલ શાઇન ફરી લાવવામાં મદદ કરશે. છે ને એકદમ ઇઝી ઉપાય તમારા સમયને સાચવીને તમારા ચહેરા પરના નિખાર અને ચમકને બરકરાર રાખવાના.