હાલમાં ભાદરવાની ગરમી તથા ભેજને કારણે ત્વચા ચીકાશ પકડવા લાગે છે તથા ખીલ અને ફોલ્લીઓ પણ ચહેરા પર થવા લાગે છે. જે રીતે વરસાદી સીઝનમાં દરેક જગ્યાએ લીલીછમ વનરાજી ઊગી નીકળે છે તેવી જ રીતે વરસાદી સીઝનના ભેજવાળા વાતાવરણમાં ત્વચા ચીકણી થવાને કારણે ચહેરા પર અચાનક જ ખીલ ફૂટી નીકળતાં હોય છે.
ચોમાસામાં વાતાવરણમાં ભેજ વધારે હોવાથી જે યુવતીઓની ત્વચા ચોખ્ખી અને સ્વચ્છ હોય તેણે પણ ખીલનો અને ત્વચા ખરાબ થવાને લીધો થતી ફો઼ડકીઓનો સામનો કરવો પડે છે. યુવતીઓ હોય કે યુવકો ચહેરા પર થતી ચીકાશ અને ફોડકીઓથી પરેશાન થઈ જાય છે.
ગમે તેટલા મોંઘા આઉટફિટ્સ સાથે તમે તૈયાર થયા હો કે બ્રાન્ડેડ કપડાં પહેર્યાં હોય ,પરંતુ જો ત્વચા પર ખીલ કે ફોલ્લીઓ થઈ હશે તો તમને ગેટઅપમાં મજા નહીં આવે. એટલે સારી વસ્ત્રસજ્જાની સાથે જરૂર છે કે તમે તમારી ત્વચા તથા ચહેરાની સંભાળ રાથો. જો તમે પણ આવા ચોમાસા પછીના ખીલનો ભોગ બન્યા હો તો કેટલીક નાની નાની બાબતો તમારી દિનચર્યામાં સામેલ કરો અને મેળવો સ્વચ્છ અને ખીલ વિનાની ત્વચા…
ચહેરા તથા ત્વચાની આ રીતે રાખો સંભાળ
ત્વચા પર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તે માટે સૌથી પહેલા જરૂરી છે કે તમારી ત્વચા ચોખ્ખી અને સ્વચ્છ રહે. ભેજવાળા ખીલ ન થાય તે માટે ચહેરાની સફાઈ ખૂબ જ જરૂરી છે. ચહેરાને સવાર- સાંજ બે વાર તો ચોખ્ખા પાણીથી સાફ કરવો જ જોઈએ.
તેલી ચહેરાને દિવસમાં 4-5 વાર ધોવો જોઈએ. એ જરૂરી નથી કે તમે બધી જ વખતે ચહેરો સાફ કરવા ફેસવોશનો ઉપયોગ કરો. ચહેરો ધોવા માટે ઠંડું પાણી સૌથી યોગ્ય રહેશે.
દિવસમાં એકાદવાર ચહેરા પર બરફ પણ લગાવી શકાય. ખીલને ફોડવાને બદલે તેની પર બરફ લગાવવો જોઈએ. બરફ લગાવતાં લગાવતાં જો ખીલમાંથી પરું નીકળી આવે તો તેને સાચવીને સાફ કરી લેવું. ખીલ પર બરફ લગાવવાથી વધારે ઉપસેલા ખીલ બેસી જાય છે અને લાલાશ ઓછી થઈ જાય છે.
જો ખીલ થયેલા હોય તો તેને ફોડવા નહીં. ખીલ પર કડવા લીમડાની પેસ્ટ બનાવીને લગાવવી.
આ સિઝનમાં ખીલની સમસ્યાથી દૂર રહેવા માટે તળેલી વસ્તુઓથી દૂર રહેવું. માથામાં આછું તેલ નાખવું. ઘણીવર યુવક તથા યુવતીઓને ચહેરા પર તેલ ઉતરવાને લીધે પણ ખીલ થતાં હોય છે. હાથ પગ કે ચહેરાની ત્વચાને સ્વચ્છ રાખવા માટે તમે ત્વચા પર સ્ક્રબ કરી શકો છો.
જે યુવક યુવતીઓ સતત ઘરની બહાર રહીને ફિલ્ડ વર્ક કરતા હોય તેમણે જો ઘરમાં જ કાચું દૂધ હોય તો રોજ જ એક સ્વચ્છ કોટન લઇને તેને દૂધમાં ભેળવી ચહેરાની સફાઈ કરવી જોઈએ. અને જે લોકો ઘરમાં રહે છે તેમણે દર બે દિવસે આ રીતે ચહેરાની સફાઈ કરવી જોઈએ.
|