રંગોનો તહેવાર મનાવવા કુદરતી રંગો બનાવો આ રીતે…

રંગોનો તહેવાર આવી રહ્યો છે અને આ રંગોના તહેવારમાં આપણે ન રંગાઇએ તો કેમ ચાલે… પણ આજકાલ દરેકને રંગવા જાઓ એટલે હંમેશા એ સાંભળવા મળે કે ના, ના… મને એલર્જી છે. તો ચાલો આજે આપણે આ એલર્જીને દૂર રાખી નેચરલ કલર વિશે જાણી લઇએ એટલે જ્યારે તહેવારમાં નેચરલ કલર લઇને નીકળીશું તો કોઇપણ કેમિકલ કે એલર્જીના બહાના નહીં કરી શકે.આમ તો ધૂળેટીમાં માટી એ પ્રાચીન પસંદ હતી. ધૂળથી રમાતી એટલે જ કદાચ ધૂળેટી કહેવાતી અને હવેના સમયમાં ધૂળેટીએ ઇકો ફ્રેન્ડલી ટ્રેન્ડ અપનાવ્યો છે. એટલે કે મોટાભાગના લોકોને ઇકોફ્રેન્ડલી કલર વાપરવામાં રસ છે અને સારુ પણ છે. તો જો તમારે ઘરે નેચરલ કલર બનાવવા છે તો શું કરશો. એક તો રંગવાળું પાણી અને બીજા સૂકા કલર. આ બેમાં પહેલા આપણે રંગવાળા પાણીની વાત કરીએ તો એ માટે તમે બીટને છીણીને તેને પલાળીને એ પાણી વાપરી શકો. જ્યારે બીટમાંથી પાણી ગાળીએ ત્યારે બચેલા બીટને કપડામાં લપેટી લેવું. બીટનો એક કમાલ એ છે કે તેનો રંગ જોરદાર છે ઉતરવામાં થોડો જિદ્દી પણ ખરો. કહેવાનો મતલબ કે જેટલીવાર એ કપડામાં લપેટેલા બીટને પાણીમાં પલાળશો એટલી વાર કલર તૈયાર થઇ જશે. આ ઉપરાંત તમે હળદર અને બેસનને સરખા ભાગે મિક્સ કરીને તેમાં પાણી નાખી શકો. ત્યારબાદ તેને પણ કપડાથી ગાળી લેવુ, કપડામાં બાંધેલી હળદર અને બેસનનો ગર જેટલી વાર પાણીમાં પલાળશો એટલી વાર તમારા કલર તૈયાર થશે. અને છેલ્લે ઉબટનનું કામ પણ બની જશે. હવે કોફી અને ચાની ભુકીને સરખા પ્રમાણમાં લઇ તેને પલાળો. અને તેને પણ કપડાથી ગાળી લો. કપડામાં બચેલો ગર ફરી પાણીમાં પલાળશો તો ફરી કથ્થઇ કલરનું પાણી બની જશે. જો કે આ બધા ઉપાયમાં વારેવારે સૂકાઇ ગયા પછી તેનો રંગ આછો થશે. નીલ પ્લાન્ટના પત્તા મળે તો તમારો ગ્રીન કલર તૈયાર થઇ શકે.

નીલ પ્લાન્ટના પત્તાને પાણીમાં મસળવાથી લીલો રંગ પાણીમાં ઉતરે છે. પછી ગાળવાની પ્રોસેસ સરખી જ છે. અને ફરીથી નીલના મસળેલા પત્તાની પોટલીને પાણીમાં ડુબાડીએ તો ફરી લીલો રંગ બની  શકે. રંગ બનાવવાની પ્રક્રિયામાં તમે કેસર પણ વાપરી શકો છો. જો કે કેસર થોડુ મોંઘુ છે. એટલે યથાશક્તિ શક્ય હોય તો વાપરવું. અને તેની પ્રક્રિયા પણ અદ્દલ સરખી જ છે. પાણીમાં પલાળીને મસળી દેવું ત્યાર બાદ કપડાથી ગાળી લેવું. અને ગાળી લીધા બાદ પણ તેની પોટલી ફરી પાણીમાં ડુબાડશો તો મસ્ત કલર ફરી તૈયાર થશે. જો કે કેસર ભલે ઘણું મોંઘુ હોય પણ બેસન અને ગળી સસ્તા અને આસાનીથી પ્રાપ્ત ઇન્ગ્રીડીયન્સ છે. એ બંનેને સરખા પ્રમાણમાં મીક્સ કરીને બરાબર મિક્સ થાય પછી કપડાથી ગાળીને કલરવાળુ પાણી અલગ કરી લેવું. આ દરેક ઉપાયમાં કપડાની પોટલીમાં બચેલો ગર ફરી પાણીમાં પલાળતા રંગ તૈયાર થશે. હા, પણ પ્રમાણ તમારા વપરાશ પર નિર્ભર કરે છે. તો બીટનો લાલ, હલ્દીનો પીળો, નીલપત્તાનો લીલો, ગળીનો ભુરો, કેસરનો કેસરી અને ચા-કોફીનો બ્રાઉન કલર તો તૈયાર થઇ જ ગયો. અને આટલા કલર તો હોળી રમવા માટે ચાલી જ રહે, ખાસ કરીને જ્યારે ઇકો ફ્રે્ન્ડલી હોળી રમવાની ઇચ્છા હોય.આ તો થઇ રંગીન પાણીની વાત. જો તમારે સૂકા કલર બનાવવા છે તો ડોન્ટ વરી, બધી સામગ્રી તમારા ઘરમાં જ મળી જશે. ચોખાનો લોટ, આરા લોટ અથવા મેંદો તમે લઇ શકો. આમાથી કોઇપણ એક સામગ્રી જરુરીયાત અનુસાર લેવી, અને તેમાં ફુડ કલર મિક્સ કરી લેવા. માર્કેટમાં ઘણા બધા ફુડકલર્સ અવેઇલેબલ છે. જે કલર તમને ગમે તે કલર તમે તમારા હિસાબથી લોટમાં એડ કરી શકો. અને એકદમ ટાઇટ લોટ બાંધી લેવો. લોટ બાંધવા સમયે તેમાં સુગંધ માટે અત્તર પણ નાંખી શકો. આ રંગીન લોટને તમે એક સાદી પોલીથીન પર પાથરીને સૂકવી લો. છથી સાત કલાક બાદ તેને પલટીને ફરી સૂકવો. આ લોટ સૂકાઇ જાય એટલે તમે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો એટલે તમારો નેચરલ અને સુગંધી રંગ તૈયાર. જેનાંથી તમે હોળી રમશો તો સામેવાળાને કોઇ એલર્જી પણ નહીં થાય અને અત્તરની સુગંધથી હોળીનો તહેવાર પણ મઘમઘી જાય. છે ને સરસ આઇડીયા. હા, સમય લાગશે આ કલર બનાવવામાં તો વાર શેની જુઓ છો, ફટાફટ કલર બનાવવા માંડો અને રંગોના પર્વની ઉજવણી માટે થઇ જાઓ સજ્જ.

હેપ્પી હોલી…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]