ખય્યામઃ બીજું વિશ્વયુદ્ધ લડી આવેલા સંગીતકાર…

‘અકેલે મેં વો ઘબરાતે તો હોંગે’થી જાણીતા થયેલા ખય્યામ

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે 16-31 ઓગસ્ટ, 1994ના અંકનાં. ‘ગીત ગાતા ચલ’ કોલમમાં ઈસાક મુજાવરે ખય્યામ વિશે લખ્યું હતું…


બીવી (૧૯૫૦)

૧૯૫૦ની સાલે આપણને એક સંગીતકાર આપ્યા હતા એમનું નામ છે ખય્યામ. તેઓ મૂળ હીરો બનવા આવ્યા હતા, પણ હીરો બનવાની તક ન મળી એટલે લશ્કરમાં જતા રહ્યા હતા. બાદમાં લશ્કર છોડીને ફરી ફિલ્મોમાં આવ્યા હતાઃ આ વખતે હીરો તરીકે નહીં, પણ સંગીતકાર તરીકે. ૧૯૫૦માં રજૂ થયેલી ફિલ્મ ‘બીવી’માં મોહમ્મદ રફીએ ગાયેલું એક ગીત ખૂબ ગાજ્યું હતું. ‘અકેલે મેં વો ઘબરાતે તો હોંગે…’ ગીત ખય્યામને સંગીતકાર તરીકે પ્રકાશમાં લાવવામાં નિમિત્ત બન્યું હતું. પરંતુ એ વખતે તેઓ ખય્યામના નામે સંગીત નહોતા આપતા. શર્માજીના નામે સંગીત પીરસતા. વળી, ‘બીવી’ ફિલ્મમાં એ એકલા સંગીતકાર નહોતા. એ દિવસોમાં ખય્યામના મિત્ર અને સ્વરનિયોજનના સાથીદાર હતા રહેમાન વર્મા. ખય્યામ અને રહેમાન બન્ને મિત્રો શર્માજી-વર્માજી નામે સંગીત પીરસતા.

૧૯૪૮માં નિર્માતા-નિર્દેશક વલીસાહેબે ‘હીર રાંઝા’ નામે ફિલ્મ બનાવી હતી. ખય્યામ-રહેમાને શર્માજી-વર્માજી નામે સંગીત આપેલું એવી આ પહેલી ફિલ્મ. સંગીતકાર બનવા અગાઉ ખય્યામે હુશ્નલાલ-ભગતરામના મોટા ભાઈ પંડિત અમરનાથ પાસે સંગીતની પાંચ વરસ સુધી તાલીમ લીધેલી. જો કે એ મુંબઈ તો હીરો બનવા આવેલા. પરંતુ પંદર વર્ષની વયે ન તો એ બાળ કલાકાર તરીકે ચાલી શકે ન તો પુખ્ત વયના યુવાન હીરો તરીકે. હતાશ થઈને ખય્યામ લશ્કરમાં જોડાઈ ગયા. વિશ્ર્વયુદ્ધ પૂરું થતાં એ ફિલ્મોમાં પાછા આવ્યા. હવે હીરો બનવાનું ભૂત ઉતરી ગયેલું. સંગીતકાર બની ગયા. એ દિવસોમાં જી.એ. ચિશનીસાહેબ કરીને સંગીતકાર હતા. ખય્યામ તેમના સહાયક બની ગયા. થોડા સમય હુશ્નલાલ-ભગતરામ સાથે પણ કામ કર્યું. ૧૯૪૭માં નરગીસના માતા જદ્દનબાઈએ બનાવેલી ફિલ્મ ‘રોમિયો જુલિયેટ’માં હુશ્નલાલ-ભગતરામના સંગીતમાં ખય્યામે જોહરાબાઈ અંબાલેવાલી સાથે ‘દોનોં જહાં તેરી મહોબ્બત મેં હાર કે’ ગીત પણ ગાયેલું. હુશ્નલાલ-ભગતરામના પ્રોત્સાહનથી જ ખય્યામ-રહેમાને શર્માજી-વર્માજી નામે જોડી બનાવી. જો કે આ જોડીને હુશ્નલાલ-ભગતરામ કે શંકર-જયકિશન જેવો યશ મળ્યો નહીં. પરિણામે જોડી ખંડિત થઈ. પાછળથી જો કે ખય્યામને સ્વતંત્ર સંગીતકાર તરીકે સફળતા મળી. પણ એ સફળતાનો પ્રથમ પ્યાલો એટલે ‘બીવી’નું ગીત. આ ફિલ્મ પણ વલી સાહેબની હતી.


(વિજય અકેલા અને શહનાઝ પટેલ લિખિત એક અન્ય લેખની વિગત… જેમાં ખય્યામે ગાયક મુકેશ વિશે આમ જણાવ્યું હતું…)

હું મારી જાતને વિચિત્ર અને થોડોક પાગલ સંગીતકાર ગણું છું કારણ કે મારી જીદ્દ એવી હોય છે કે એવી ફિલ્મ કરું જે સચ્ચાઈ સાથે સંબંધિત હોય. બીજું ફિલ્મના ગીતો ઉચ્ચ કોટિનાં હોય. તેથી જ તો આટલા વર્ષોમાં મેં માત્ર ૫૧ ફિલ્મો જ કરી છે. જ્યારે પણ ફિલ્મો સ્વીકારું છું ત્યારે નાનામાં નાની સિચ્યુએશન ગાયક ગાયિકાને સમજાવીને લાંબા રિહર્સલો બાદ જ ગીત રેકૉર્ડ કરું છું. એમાં ઘણો સમય નીકળી જાય છે. પાર્શ્ર્વ ગાયકોને પણ તકલીફ થાય છે. પરંતુ એવો એક પણ પ્રસંગ મને યાદ નથી કે ક્યારેય મુકેશભાઈ પરેશાન થયા હોય.

કેટલાંક આવાં ગીતો-

‘ઈતના હુશ્ન પે હુઝૂર ન ગુરૂર કીજિયે

દિલ કે મારોં કા ખ્યાલ કુછ જ‚ર કીજિયે (મોહબ્બત ઈસકો કહતે હૈ),

તુમ ઈસકો ખેલ સમઝે હો

મગર ઈક દિન દિખા દેંગે, મોહબ્બત ઈસકો કહતે હૈ

મુહબ્બત ઐસી હોતી હૈ, (મોહબ્બત ઈસકો કહતે હૈ)’

તો એમણે સિચ્યુએશન સમજ્યા પછી જ સારી રીતે ગાયાં હતાં.

જ્યારે પણ હું કોઈ નવી ફિલ્મ સ્વીકારતો ત્યારે સર્વપ્રથમ એ વિચારતો કે એમાં કયું ગીત મુકેશભાઈને આપી શકાય. તેથી જ જ્યારે પણ મોકો મળ્યો મેં એમની પાસે ગવડાવ્યું. કેટલીયેવાર ઈચ્છા હોવા છતાં નિર્માતાઓની પસંદગી કોઈ બીજા ગાયકની હોવાથી હું ગવડાવી નહોતો શકતો. મને બે બીજી ફિલ્મો યાદ આવે છે ‘પ્યાસે દિલ’ અને ‘સંકલ્પ’… જેમાં મુકેશભાઈએ ખૂબ જ સુંદર ગીતો ગાયાં હતા. ‘પ્યાસે દિલ’માં જાં નિસ્સાર અખ્તરનાં ગીત – ‘તુમ મહકતી જવાં ચાંદની હો, ચલતી ફિરતી કોઈ રોશની હો’

અને

‘યે દિલનશીં નઝારે કરતે હૈ ક્યા ઈશારે’

કે પછી ‘સંકલ્પ’માં કૈફી આઝમીએ લખેલાં બે ગીતો પણ મધુર બન્યા હતા.

‘ભીતર ભીતર ખાયે ચલો, બાહર શોર મચાયે ચલો’

અને

‘સબ ઠાઠ પડા રહ જાવેગા, જલલાદ ચલેગા’

ખેર આ બધાં ગીતો પછી એક દોર ૧૯૭૫નો પણ આવ્યો જ્યારે ‘કભી કભી’માં મુકેશભાઈએ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘મૈં હર એક પલ કા શાયર હૂં’ અને ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ ગીત ગાયાં. આખા દેશ પર આ ગીતનો જ નશો ચડેલો એ સાચે જ જોવા જેવો હતો. મુકેશભાઈનું અવસાન જ્યારે ૨૮ ઓગસ્ટ ૧૯૭૬ના દિવસે થયું ત્યારેય આ ફિલ્મ ચાલતી હતી. એક તરફ પડદા પર અમિતાભ બચ્ચન મુકેશભાઈના અવાજમાં હોઠ હલાવીને ગાતા-

મુઝસે પહલે કિતને શાયર, આયે ઔર આકર ચલે ગયે

….કુછ નગ્મેં ગાકર ચલે ગયે,

વો ભી ઈક પલ કા હિસ્સા થે

મૈ ભી ઈક પલકા હિસ્સા હૂં, કલ તુમસે જુદા હો જાઉંગા

જો આજ તુમ્હારા હિસ્સા હૂં…

બીજી તરફ ‘કભી કભી’ જોતા સેંકડો સંવેદનશીલ દર્શકોની આંખો વાટે આંસુ વહેવા માંડતા.

મને જ્યારે યશ ચોપરાની ‘કભી કભી’ મળી અને ખબર પડી કે હીરો ઉત્કૃષ્ટ અવાજવાળા અમિતાભ બચ્ચન છે ત્યારે મેં નક્કી કર્યું કે અમિતાભ માટે મુકેશને જ પ્લેબેક આપવું. જો કે મારા નિર્ણયને સાહિર, યશજી બન્નેએ વધાવી લીધો. અમિતાભજીએ જ્યારે રેકૉર્ડિંગ પછી સાંભળ્યું ત્યારે રાજી રાજી થઈ ગયા. એમણે ખાતરીપૂર્વક કહેલું કે આ ખૂબસૂરત ગીતમાં તમે બધા જ રંગો પૂરી દીધા છે. હવે પડદા પર કેવી રીતે પ્રસ્તુત કરવું એ મારા પર છોડી દેજો. ગીત ફિલ્માવ્યા પછી એવું સુંદર બની ગયું કે વાત ન પૂછો.