‘કૌન બનેગા કરોડપતિ’એ દિશા અને દશા બદલી નાખીઃ અમિતાભ બચ્ચન

ભારતીય ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય નિવડેલો રિયાલિટી શો એટલે ‘કૌન બનેગા કરોડપતિ’. સોની ટીવી ચેનલ પર બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત આ શોની 11મી સીઝન 19 ઓગસ્ટ, સોમવારથી શરૂ થશે. KBC શો અમિતાભની એક્ટિંગ કારકિર્દીનો એ પડાવ છે જેણે રૂપેરી પડદાથી લઈને ટીવીના પડદા ઉપર પણ એમની લોકપ્રિયતાને સફળતાના શિખર પર પહોંચાડી દીધી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ શોની શરૂઆત 2000-01માં થઈ હતી. અમિતાભે 9 સીઝનમાં હોસ્ટ રહી ચૂક્યા છે. માત્ર ત્રીજી સીઝનમાં હોસ્ટ શાહરૂખ ખાન હતો. પરંતુ, અમિતાભની બોલવાની સ્ટાઈલને કારણે KBC ટીઆરપીની રેસમાં હંમેશાં મોખરે છે.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ.


(મુલાકાતઃ રાઘવ શાસ્ત્રી)

અમિતાભ જેને કરિયરનો ટર્નિંગ પૉઈન્ટ ગણે છે એ છે ‘કેબીસી’

ના, કોઈ ફિલ્મને એ એટલી મહત્ત્વની નથી ગણતા. પણ એ માટે એમની પાસે સબળ કારણો છે. આવો, એમના જ શબ્દોમાં જાણીએ…

સૌપ્રથમ ‘આનંદ’ને અપવાદ ગણી લઈએ. કારણ અમિતાભે એ સિવાયની સત્તર ફિલ્મોમાં નિષ્ફળતા જોઈ હતી. લગાતાર એ પછી એને પહેલી અને મોટી સફળતા પ્રકાશ મહેરાની ‘ઝંજીર’ ફિલ્મે અપાવી. પછી એની કરિયરની ગાડીએ એવો વેગ પકડ્યો કે બાકીના બધા સ્ટાર્સ પાછળ છૂટતા ગયા. ‘ઝંજીર’ એ રીતે બચ્ચન માટે ટર્નિંગ પૉઈન્ટ નીવડી. ‘ઝંજીરે’ જ એને સફળતાની સાથોસાથ ‘એન્ગ્રી યંગ મૅન’નું બિરુદ્દ અપાવ્યુ. અમિતાભ એમ છતાં ‘ઝંજીર’ને ટર્નિંગ પૉઈન્ટ નથી ગણતા. એમના મતે તો ૨૦૦૦માં સ્ટાર પ્લસ પર શરૂ થયેલો શો ‘કૌન બનેગા કરોડપતિ’ જ એના જીવનનો ટર્નિંગ પૉઈન્ટ. એમના જ શબ્દોમાં, ‘હું મુંબઈ હીરો બનવા આવેલો ત્યાં સુધી એક કવિનો દીકરો જ હતો. મારું ફિલ્મી બૅકગ્રાઉન્ડ નહોતું. સંઘર્ષ કરવા માટે જ મેં મુંબઈમાં પગ મૂકેલો. સફળતા મેળવતા અગાઉ સંઘર્ષની લાંબી ઈનિંગ્સ પણ જોઈ. મને સંઘર્ષની ટેવ પડી ગઈ હતી એમ કહું તો એ અતિશયોક્તિ નથી. ‘ઝંજીરે’ મારી કરિયરની ગાડીને વેગ આપ્યો. આગળ વધવાનો માર્ગ મોકળો થઈ ગયો. ‘અભિમાન’, ‘મિલી’, ‘દીવાર’, ‘કભી કભી’, ‘અમર અકબર એન્થની’, ‘કુલી’, ‘ડૉન’, ‘સુહાગ’, ‘લાવારિસ’, ‘યારાના’, ‘નમક હલાલ’, ‘મર્દ’, ‘શરાબી’, ‘ખુદ્દાર’ અને ‘ખુદા ગવાહ’ જેવી સોલો હીરોવાળી ફિલ્મો મારા ખાતામાં જમા થઈ. મારી મરજી મુજબ કામ કરવાનું સુખ મને મળ્યું. મારી ગણતરી બિગ સ્ટારમાં થવા માંડી. પણ ‘ખુદ્દાર’ પછી ફરી પડતી શરૂ થઈ. ‘ઈન્સાનિયત’, ‘લાલ બાદશાહ’, ‘કોહરામ’, ‘સૂર્યવંશમ’ જેવી કેટલીય નિષ્ફળ ફિલ્મો મેં જોઈ. એમાંથી બહાર નીકળવા મેં લાંબો બ્રેક પણ લીધો. તોય મારું કમબૅક શુકનવંતું નહોતું જ. મનમાં વાત ઠસી ગઈ કે હવે બોરિયા બિસ્તરા બાંધી લો. ઘરે પાછા ફરવાનો સમય પાકી ગયો છે. એ દરમિયાન મેં પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું, પરંતુ અનુભવહીનતાને લીધે પુષ્કળ નુકસાન થયું. વધતું દેવું અને ફિલ્મોની નિષ્ફળતાથી હું ભાંગી પડ્યો હતો. પ્રોડ્યુસરો મારાથી અળગા થવા માંડ્યા. મારે જ એમનાં બારણા ખખડાવવા પડ્યાં. સુપરસ્ટાર ગણાતા અભિનેતા માટે એ કરુણ ટ્રેજેડી હતી. સંતાનોનું ભાવિ, વૃદ્ધ મા-બાપની ચિંતા મનને અશાંત કરી દેતી. જો કે મા-બાપનાં આશીર્વાદ અને પરિવારના સહકારથી જિંદગી સામે લડવાની શક્તિ અકબંધ હતી. એવા કપરા દિવસોમાં સ્ટાર પ્લસનો પ્રસ્તાવ આવ્યો. વાત ભલે નાના પડદાની હતી પણ એનાથી મને વિકટ પરિસ્થિતિમાંથી નીકળવા મળે એમ હતું. મનમાં આશંકા હતી કે ચૅનલની અપેક્ષા નહીં સંતોષાય તો શું થશે? ન ઘરનો ન ઘાટનો જેવો. કારણ ત્યારે એવું મનાતું એકવાર ટીવી સ્ટાર બનો તો ફિલ્મ મેર્ક્સ તમને ક્યારેય ભાવ ન આપે. હું ન નાના પડદાનો રહેત કે ન મોટા પડદાનો. અભિનય સિવાય મને ક્યાં કશુંયે આવડે છે? છતાં, ડૂબતો તરણું ઝાલે એમ મેં ચૅનલને હા પાડી.

‘કૌન બનેગા કરોડપતિ’ અમેરિકન ક્વિઝ ‘વ્હૂ વૉન્ટ્સ ટૂ બી મિલિયોનેર’ની હિંદી આવૃત્તિ છે. શૂટિંગ અગાઉ મેં મૂળ શોના કેટલાક એપિસોડ્સ જોયા. ચૅનલવાળા ઈચ્છતા હતા કે હું શોને એવા અંદાજમાં સંચાલિત કરું જે સંપૂર્ણપણે ભારતીય હોય. ભાષા એવી જે ગામવાળાયે સમજી શકે. મારા અમૂક સૂચન મેં આપ્યા. એમને ગમ્યાં પણ ખરાં. પછી તો મારું હૉમવર્ક શરૂ થઈ ગયું. સ્ટાર પ્લસે શો માટે ફિલ્મસિટીમાં અતિ ભવ્ય અને મોંઘો સેટ ઊભો કરેલો. પ્રસારણ પહેલાં ૨૦-૨૫ એપિસોડ્સ બનાવીને તૈયાર રાખવાની ચૅનલની ઈચ્છા હતી. કારણ શો ડેઈલી હતો. હું માનતો હતો કે શરૂઆતમાં વધુ એપિસોડ્સ શૂટ ન કરાય. પબ્લિક રિસ્પોન્સ જાણ્યા પછી જ આગળ વધવું, પરંતુ ચૅનલ રિસ્ક લેવા તૈયાર નહોતી.

ત્રીજી જુલાઈ, ૨૦૦૦થી ‘કેબીસી’ શરૂ થયો. રોજ એપિસોડ હોવાથી મશીનની ઝડપે કામ કરવું પડતું. મારી પાસે કોઈ પર્યાય નહોતો. સદનસીબે. ‘કેબીસી’ને લીધે મને કેટલીક સારી ફિલ્મોની ઑફર્સ આવવા માંડી. વ્યસ્તતા વચ્ચે હું ‘કેબીસી’ના એપિસોડ્સ જોવા પણ સમય કાઢતો. મારી ત્રુટિઓનું અવલોકન કરવાની સાથે પબ્લિક રિસ્પોન્સ પણ ચકાસતો. ધીમે ધીમે મારા કામની પ્રશંસા થવા માંડી. ફિલ્મોમાં તો મારા ડાયલોગ્ઝ પૉપ્યુલર થતા જ હતા. પરંતુ અહીં પણ મારા કેટલાક ડાયલોગ્ઝ વખણાવા માંડ્યા. જેમ કે ‘લૉક કિયા જાય’, ‘કમ્પ્યૂટરજી’, લોકબોલીમાં વણાઈ ગયા. લોકોને મારો અવાજ અને અંદાજ પણ ગમ્યા. શોને લીધે ચૅનલની લોકપ્રિયતા પણ આકાશને આંબવા માંડી. દેશ-વિદેશથી મને અભિનંદનના ફોન આવવા માડ્યા. પર્યટન માટે મુંબઈ આવતા લોકો ‘કેબીસી’નો સેટ જોવા અચૂક ફિલ્મસિટી આવતા. ‘કેબીસી’ સાથે મારી પણ આત્મિયતા બંધાઈ. નાના પડદાનું સ્વરૂપ આટલું વિશાળ થઈ જશે એની મેં કલ્પના સુદ્ધાં કરી નહોતી. નાના પડદે આવ્યા પછી જ મને પ્રતીતિ થઈ કે લોકો મને કઈ હદે ચાહે છે.

૩૦ એપિસોડ્સનો મારો કૉન્ટ્રેક્ટ હતો. પહેલાં શિડ્યુલમાં ૩૦૫ એપિસોડ્સ થયા. પણ એટલામાં મારું નસીબ પણ ફરી ગયું. એટલે જીવનનો ખરો ટર્નિંગ પૉઈન્ટ તો ‘કેબીસી’ જ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]