મેજિકલ પ્લાન્ટઃ ગાર્ડન અને હોમડેકોરમાં પણ ચાલે અને મચ્છરથી પણ બચાવશે

ત્યારે જો શહેરમાં એક મોટી સમસ્યા હોય તો તે છે મચ્છરની. ચોમાસાનો આનંદ તો માણીએ પરંતુ મચ્છરના ઉપદ્રવને દૂર કરવા એ અત્યારે મોટો પ્રશ્ન છે. ચોમાસાની શરૂઆત ધીમીધીમે  થઈ અને હવે તો બરાબર વરસી ચૂકેલા મેઘરાજાએ ધરતીને લીલી પલ્લવ કરી મૂકી છે ઉનાળામાં તમારો મૂરઝાઈ ગયેલો ગાર્ડન  હવે તો લીલોછમ થઈ ગયો હશે.  ગાર્ડનિંગ ડેકોરન શોખીનો માટે તો  હવે મૂલ્યવાન સમય આવ્યો છે જેમાં તમે તમારા ગાર્ડનમાં ઘણી નવી બાબતોનો ઉમેરો કરી શકો છો. જોકે ગાર્ડન હોય ત્યારે  મચ્છર અને જીવાતોનો ત્રાસ તો રહેવાનો. ત્યારે  જો તમે તમારા ગાર્ડનમાં કે હોમ ડેકોરમાં એવા ફૂલછોડનો ઉમેરો કરો એ છોડ તમારા માટે જતુંનાશકનું કામ કરે તો એ સોનામાં સુગંધ ભળ્યા જેવું થશે.

ચોમાસામાં આવા કેટલાક છોડ મચ્છરને દૂર રાખશે ત્યાર બાદ ઠંડીની સિઝન આવશે ત્યારે જ આ ફૂલછોડ ઔષધિનું પણ કામ કરશે. ચોમાસામાં તમારે તમારા બગીચાને લીલોછમ કરવો હોય અને મચ્છરના ત્રાસથી પણ દૂર રહેવું હોય તો  તમે આ વખતે બગીચામાં અહીં આપેલા કેટલાક ફૂલ છોડ વાવશો તો તે ખૂબ ઉપયોગી બની રહેશે. અને ઇનડોર પણ તમે કેટલાક પ્લાન્ટ લગાવીને ઘરને પણ ગ્રીન ટચ આપી શકશો.

સિટ્રોનેલાઃ આ એવો ઘાસ જેવો દેખાતો છોડ છે જેની સુગંધ તીવ્ર હોય છે આ સુગંધને કારણે મચ્છર દૂર ભાગતા હોવાથી ચોમાસામાં આ છોડ વાવવાથી રાહત રહે છે.

 

તુલસીઃ તુલસીનો છોડ દરેક હિન્દુ ઘર માટે ખૂબ પવિત્ર મનાય છે. અને ઘરઆંગણે તુલસી કયારો રાખવાનું વૈજ્ઞાનિક કારણ તુલસીના અગણિત ગુણો છે.  તુલસીની તીવ્ર સુગંધ મચ્છરોને દૂર રાખે છે. તુલસીની તીવ્ર સુગંધની સાથે સાથે તેનાં પાંદડા ચાવવાથી પણ ચોમાસામાં અપચાની સમસ્યાથી રાહત રહે છે.

વિડાલપર્ણાસઃ વિડાલપર્ણાસ નામનો આ વિદેશી છોડની સુગંધ સ્પ્રે કરતાં વધારે તીવ્ર છે. તમારા બગીચામાં અથવા તો ઇન્ડોર પ્લાન્ટ તરીકે  મૂકશો તો ઘરમાં મચ્છરોથી રાહત રહેશે.

લેમન બામઃ લેમન બામ તરીકે ઓળખાતા છોડના પાંદડા ફુદીનાનાં પાન જેવા જ દેખાય છે. જોકે લેમન બામના છોડમાંથી સુગંધી લીબું જેવી તીવ્ર આવે છે. આ છોડ ઇનડોર પ્લાન્ટ તરીકે  લગાવી શકાય છે.

રોઝમેરીઃ રોઝમેરી ઓઇલ તરીકે તો ઘણી સૌંદર્યવર્ધક વસ્તઓની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેને તમે મચ્છર પ્રતિબંધક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ છોડ થોડો મોંઘો હોય છે. પરંતુ એન્ટિ બેક્ટિરિયલ હોવાથી રોઝમેરીની હર્બલ વેલ્યૂ ઘણી વધારે છે. આ છોડો ઘર કે ગાર્ડનમાં લગાવવાથી મચ્છર તથા કીટકો દૂર રહે છે.

લવિંગઃ લવિંગ એક તેજાના તરીકે ખૂબ જ તીવ્ર છે. ઘણી ગૃહિણીઓ ભારે અને ગરમ કપડાંની જાળવણી માટે લવિંગ મૂકતી હોય છે. લવિંગની સુગંધ જેને ગમતી હોય તે લોકો પોતાના બગીચામાં લવિંગનો છોડ વાવી શકે છે.

ગલગોટાઃ ગલગોટાના ફૂલ તથા પાનની સુગંધ એકદમ તીવ્ર હોય છે. બગીચામાં ગલગોટા વાવેલા હોય તો તેનાથી ગાર્ડન તો હર્યોભર્યો લાગે જ  છે સાથે સાથે મચ્છર પણ દૂર થાય છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]