ન્યુ-યર રિઝોલ્યુશનઃ સેલ્ફ ડેવલપમેન્ટનું ઉત્તમ સાધન

31st ડિસેમ્બરની રાત અને 1st જાન્યુઆરીની સવાર વચ્ચે આમ તો કલાકો જ વીતે પણ જીવનનુ એક વર્ષ બદલાય જાય. વીતેલા વર્ષમાં મેળવેલી સફળતા, કે પછી કરી હોય કોઇ ભુલ. આ બધાને યાદ કરીને વર્ષને વિદાય આપીને આપણે નવા વર્ષમાં પ્રવેશવાનો આનંદ માણીએ. અને નવા વર્ષમાં નવા લક્ષ્યને પામવા આગળ વધવાનો સંકલ્પ કરીએ. જી હા, આજકાલ 31st ની પાર્ટીની સાથે 1st પર રિસોલ્યુશન લેવાનો ટ્રેંડ પણ ફેશનમાં છે. આમ તો સંકલ્પ ક્યારેય લઇ શકાય, આપણા તહેવારોમાં પણ સંકલ્પ લેવાની પરંપરા છે જ. તેમાં વધુ એક ઉમેરો એટલે ન્યુયરનું રિઝોલ્યુશન.આ રિઝોલ્યુશન મજાની વસ્તુ છે. નવા ઉત્સાહ, નવી ઉર્જાથી ગત વર્ષમાં રહી ગયેલા, કે પછી જેની ઇચ્છા હોય તેવા કામ કરવા માટે મન મક્કમ કરવુ એટલુ જ રિઝોલ્યુશનમાં નથી આવતુ. રિઝોલ્યુશનનો ખરો અર્થ તો પોતાના જીવનને, પોતાના સ્વભાવને વધુ શ્રેષ્ઠ કરવાનો થાય છે. એટલે કે જે મારામાં ઉણપ છે, એ ઉણપને દૂર કરીશ અને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ પામવાનો પ્રયાસ કરીશ. એ જ યોગ્ય રિઝોલ્યુશન. જો કે રિઝોલ્યુશન પુરુ ત્યારે થાય જ્યારે તેને માટે આપણે અથાગ પ્રયાસ કરીને એ ગોલ મેળવી લઇએ. બાકી વાતોના વડા કરવાથી રિઝોલ્યુશન પુરુ ન થઇ શકે એ વાત ધ્યાનમાં રાખવી.

આ રિઝોલ્યુશનની હિસ્ટ્રી પણ રસપ્રદ છે. માનવામાં આવે છે કે બેબિલોનિયન્સ નવા વર્ષની શરુઆતમાં તેમના ભગવાનને વચન આપતા કે તેઓ ઉધાર લીધેલી વસ્તુઓ અને તેમનુ ઋણ ચુકવી દેશે. તો રોમન્સ પણ દરેક નવા વર્ષ પર પોતાના ભગવાન જાનુસને વચન આપીને નવા વર્ષનો પ્રારંભ કરતા. આ જાનુસ પરથી જ વેસ્ટર્ન કેલેન્ડરનો પ્રથમ મહિનો જાન્યુઆરી કહેવાયો તેવુ પણ માનવામાં આવે છે.  મધ્યકાલીન યુગમાં યોદ્ધાઓ ક્રિસમસના અંતે પોતાના શૌર્યને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેતા. પૃથ્વીના પશ્ચિમી છોર પર આ પ્રમાણેનો ચીલો વર્ષો ઉપરાંતનો માનવામાં આવે છે, જે આજે આખી દુનિયામાં ફેલાયો છે. અને કેમ નહીં, સારી પરંપરાને ગ્રહણ કરવી જોઇએ. પણ પરંપરા માત્ર રિઝોલ્યુશન લેવાની નથી. તેને પાળવાની છે. તો જ તો જીવનમાં સારો બદલાવ લાવી શકાશે.હવે વાત કરીએ કે કેવા રિઝોલ્યુશન તમારી લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવી શકે. જો કે આ ખુબ વિશાળ વિષય છે. સામાન્ય રીતે જોઇએ તો મોટાભાગના લોકો વજન ઘટાડવાનુ, કે પછી વધુ પૈસા કમાવવા જેવી ભૌતિક ઇચ્છાઓ વિશે જ વિચારતા હોય છે. એમા ખોટુ પણ કંઇ નથી. પણ રિઝોલ્યુશન એવા લેવા જોઇએ જે તમને અંદરથી ચેંજ કરે. એટલે તે તમારી પર્સનાલીટીમાં એક પ્રભાવ લાવે. જેને માટે તમે એવુ રિઝોલ્યુશન પણ લઇ શકો કે ગમે તે થાય હુ દરરોજ એક નવી વસ્તુ વિશે જાણીશ. અથવા મહિનામાં એક બુક વાંચીશ. તમે એક્સરસાઇઝ રેગ્યુલર કરવાનુ લક્ષ્ય પણ રાખી શકો. અને વધુમાં વધુ લોકોને મળવાનો  તેમની સાથે મિત્રતા કરવાનો ગોલ પણ રાખી શકો. જ્ઞાન, સ્વાસ્થ્યને લગતા ધ્યેય સિવાય આજ કાલના સમયમાં આપણે ઘણી જલ્દી ધીરજ ગુમાવી દઇએ છીએ. તો વધુ નમ્ર રહેવાનો કે પછી પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનુ પણ નક્કી કરી શકાય.

આ બધામાં જો કે વાત એક જ પોઇન્ટ પર આવીને અટકે છે. અને તે એ કે નિર્ધાર તો કરી લીધો પણ અમલ કેવી રીતે અને કેટલા સમય સુધી થશે. રિઝોલ્યુશન પર લાંબો સમય વળગી રહેશો તો પોઝિટીવ ચેંજ તમારી લાઇફ અને લાઇફ સ્ટાઇલમાં આવશે એ નક્કી છે પણ જો ભટકી જશો એ રસ્તેથી તો રિઝોલ્યુશનની રમતમાં હારી જશો. ઘણા લોકો દર વર્ષે પહેલી જાન્યુઆરીથી એક વીક સુધી જ આ રમત રમે છે.  તો નક્કી કરી લો કે શું કરવુ છે. અને લાગી જાઓ સેલ્ફ એસેસમેન્ટ કરીને સેલ્ફ ડેવલપમેન્ટમાં. કારણ કે, Where there’s will there’s way.  તો રિઝોલ્યુશનની પતવાર પકડી લો, પુરુ વર્ષ હલેસાં મારતા રહેશો તો પાર લાગી જ જશે નૈયા.