શાહરૂખ ઠીંગુજી બનીને આવી રહ્યો છે ‘ઝીરો’માં…

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને દર્શકોએ અનેક ભૂમિકાઓમાં જોયો છે, પણ હવે તે એક નવા જ રોલમાં આવી રહ્યો છે – ઠીંગુજી બનીને. એની આગામી હિન્દી ફિલ્મ છે ‘ઝીરો’. એણે આ ફિલ્મનું ટાઈટલ અને ટીઝર 2018ના આજે પહેલા જ દિવસે રિલીઝ કર્યાં છે. શાહરૂખનાં ચાહકો માટે આ નવા વર્ષની ગિફ્ટ સમાન છે.

ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. રાય છે. ફિલ્મ 2018ની 21 ડિસેમ્બરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

ટીઝરમાં શાહરૂખને કદમાં ઠીંગુજી અને બુદ્ધુ માણસ જેવો બતાવવામાં આવ્યો છે, જે એક પાર્ટીમાં ડાન્સ કરી રહ્યો છે. ઠીંગુજી શાહરૂખને શશી કપૂર અભિનીત જૂની ફિલ્મ ‘જબ જબ ફૂલ ખીલે’ના ગીત ‘તુમકો હમ પે પ્યાર આયા’… ગીતની ધૂન પર નાચતો બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા-કોહલી પણ છે, પરંતુ ટીઝરમાં એમની ભૂમિકાનો કોઈ અણસાર આપવામાં આવ્યો નથી. આ ત્રણેય કલાકાર અગાઉ ‘જબ તક હૈ જાન’ ફિલ્મમાં સાથે ચમકી ચૂક્યાં છે.

દિગ્દર્શક આનંદ રાયનું કહેવું છે કે, મારે માટે આ ફિલ્મ માટે ખાન સાબને પસંદ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે મારે એક ઈન્ટેલિજન્ટ એક્ટરની જરૂર હતી.

આ ફિલ્મ વિશે તેમજ એનું ટાઈટલ ‘ઝીરો’ રાખવા વિશે રાયે કહ્યું કે, ઘણા લોકો બોલતાં હોય છે કે પરફેક્ટ એ કંટાળાજનક હોય છે અને ઈમપરફેક્ટ ઘણું રસપ્રદ હોય છે… અમારી આ ફિલ્મ પણ એવા જ પ્રકારની છે. ફિલ્મની વાર્તા બે ઈમપરફેક્ટ વ્યક્તિની પરફેક્ટ લવ સ્ટોરી છે. ફિલ્મનો નાયક ભલે ઠીંગુજી છે. ફિલ્મમાં એ વ્યક્તિની શારીરિક ખોડ કરતાં આપણા જીવનમાં લાગણીની અપૂર્ણતા કેટલી બધી હોય છે એની વાર્તા જણાવવામાં આવી છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નિર્મિત આ ફિલ્મના મુખ્ય પાત્રને ‘પાગલ’, ‘આશિક’, ‘આવારા’ અને બીજા ઘણા શબ્દોથી ઓળખવામાં આવે છે, પણ એ પોતાના મનોજગતમાં આનંદમાં રહે છે, કોઈની પણ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખ્યા વગર. એની શારીરિક અક્ષમતા એને આનંદિત જીવન જીવતા રોકી શકતી નથી.

(જુઓ ઝીરોનું ટ્રેલર)…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]