ઘરમાં છોડઃ શોભા સાથે નિરોગી લાંબુ આયુષ્ય આપે

જના સમયમાં પ્રદૂષણયુક્ત વાતાવરણ આપણને કોઠે પડી ગયું છે. કારણ કે આજે ખબર બધાંને છે કે હવા પ્રદૂષિત છે પણ એને શુદ્ધ કરવા માટેની નૈતિક અને સામાજિક જવાબદારી ઉઠાવવા કોણ તૈયાર થાય છે. પણ એક વ્યક્તિગત અભિગમ પણ જો આપણે કેળવીએ તો પણ ઘણું છે. એટલે કે માત્ર આ વિશાળ જનસમુદાયમાં ગણ્યાંગાઠ્યાં પણ એવા લોકો હોય જે પોતાની આસપાસના વાતાવરણને શુદ્ધ કરવાની નેમ ઉઠાવે તો પણ આપણાં જીવન જીવવાની પદ્ધતિમાં મોટો ફરક આવે, અને જો આપણી લાઈફ સ્ટાઈલ યોગ્ય હોય તો આપણું આયુષ્ય વધી જાય છે.સર્વે અનુસાર વિકસિત દેશોમાં વધી રહેલા પ્રદૂષિત વાતાવરણને કારણે લોકો કસમયે મોતને ભેટી રહ્યાં છે. જેનુ કારણ છે દૂષિત હવાને કારણે ન્યુમોનિયા, ફેફસાના કેન્સર જેવી વધી રહેલી બિમારીઓ. નાનાથી લઇને મોટાને આ બિમારીઓ ઉમર જોઇને નથી આવતી. ત્યારે આપણે જ આ બિમારીઓને રોકવા આગળ આવવુ જોઇએ. જેને માટે સૌથી આસાન તરીકો છે ઘરની હવા શુદ્ધ કરવાનો અને એ શુદ્ધીકરણ આસાન એટલા માટે છે કે એના માટે કોઇ એર પ્યોરિફાયર નથી લાવવાનું. પણ થોડો ખર્ચ કરીને ઘરમાં જ ઇન્ડોર પ્લાન્ટ લગાવવાના છે.

આમ તો આપણે ઘણા ઘરોમાં મનીપ્લાન્ટ, પામ(palm) પ્લાન્ટ જોયાં છે. આ છોડ માત્ર શોભાના નથી. આ છોડ હવાના શુદ્ધીકરણ માટે રામબાણ ઇલાજ છે. એરેકા પામ જેને યલો બટરફ્લાય પામ, ગોલ્ડન કૅન પામ કે બમ્બુ પામ પણ કહેવાય છે. આ ઉપરાંત મની પ્લાન્ટ અને મધર-ઇન-લૉ ટંગ પ્લાન્ટ. આ ત્રણેય છોડને સામાન્ય છોડની જેમ સીધા સૂર્યપ્રકાશની જરુર નથી. ઘરમાં કોઇ ખૂણાની બારી પાસે મુકો તો પણ ચાલે. મની પ્લાન્ટ તો ઠેરઠેર જોવા મળી જ જાય છે. આ મનીપ્લાન્ટ આપણી આસપાસ રહેલી હવામાંથી ફોર્માલ્ડીહાઇડ તેમ જ અન્ય પ્રદૂષિત રસાયણોને દૂર કરીને હવાને શુદ્ધ કરે છે. દિલ્લી આપણા દેશમાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં છે. દિલ્લીમાં એક પ્રયોગ દરમિયાન એક મનીપ્લાન્ટના છોડને એક રૂમમાં મુકવામાં આવ્યો, પ્રયોગના પરિણામો જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે અન્ય રૂમની સરખામણીમાં મની પ્લાન્ટ જ્યાં લગાવેલો હતો એ રુમમાં લોકોની આંખોમાં બળતરાં થવા, માથાનો દુખાવો થવો અને ફેફસાના રોગો તેમ જ અસ્થમાનું પ્રમાણ ઓછુ થયું હતું, છે ને આશ્ચર્યજનક. એક નાનકડા છોડમાં પણ કેટલી ક્ષમતા છે.

નાસાના નેચરલ એરપ્યોરિફાયરના સર્વેમાં એરેકા પામનુ સ્થાન ટોપ પર છે. અને ખૂબજ સરળતાથી ઘરની અંદર ઉગી જતો આ છોડ છે. હા, જોકે તેની ઊંચાઇને લઇને થોડું ધ્યાન આપવું યોગ્ય છે. સામાન્ય રીતે એરેકા પામને ઇનડાયરેક્ટ લાઇટ જોઇએ છે માટે તેને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં આવેલી બારી પાસે લગાવવો જોઇએ. ઘરની બહાર તો એરેકા પામ 30 ફૂટ જેટલી ઉંચાઇ સુધી જઇ શકે, પણ જ્યારે તેને ઘરની અંદર લગાવવામાં આવે છે ત્યારે તેની સરેરાશ ઉંચાઇ 6થી 7 ફુટની હોય છે. વર્ષે તેમની સરેરાશ વૃદ્ધિ 6થી 7 ઇંચ જેટલી જ થાય છે. જો કે અન્ય પણ પામ ટ્રી પ્લાન્ટની પ્રજાતિ છે જે વાતાવરણને અનુકૂળ આપણે ઘરમાં લગાવી શકીએ.

નાસાના સર્વેમાં એરેકા પામની સાથોસાથ મધર ઇન લો ટંગ પ્લાન્ટ પણ હવાના શુદ્ધિકરણ માટે લાભદાયી હોવાનું તારણ નામ સાંભળીને હસવું આવી જાય તો ભલે, પણ આ છોડની કરામત એ છે કે એને પાણી પાશો તો તમારા ઘરમાં કજીયા નહીં થાય, પણ હવા શુદ્ધ થશે, છેને કમાલ. મધરઇનલો ટંગ પ્લાન્ટની અંદાજે 70 જેટલી પ્રજાતિ છે. સરેરાશ મહત્તમ 1 મીટરની ઊંચાઇ ધરાવતો આ પ્લાન્ટ મૂળ તો વિદેશી છે. પણ તે ગમે તે વાતાવરણમાં ઉગી શકે છે. વેસ્ટ આફ્રિકાના ટ્રોપિકલ વિસ્તારનો આ છોડ સ્નેક સ્કીન પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે કારણ કે માટીમાંથી સીધા ઉગતા આ સ્પાઇક્સ લાંબી જીભ જેવા કે સાપની ચામડી જેવા દેખાય છે. ઉપરાંત તેને બેડરુમ પ્લાન્ટ પણ કહેવાય છે.

તારણ અનુસાર બેડરુમમાં આ છોડ રાખવાથી તમને ઓક્સિજનયુક્ત શુદ્ધ હવા મળી રહે છે. કારણ કે આ છોડ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવે છે. મધરઇનલો ટંગ પ્લાન્ટ વાતાવરણમાં રહેલા ફોર્માલ્ડીહાઇડ, ઝાયલીન, ટોલ્યુઇન, બેન્ઝીન જેવા ઝેરી તત્વોને ઓક્સિજનમાં ફેરવે છે. આ બધા કાર્સિનોજન છે જેનાથી કેન્સર થવાનો ખતરો રહેલો છે. પણ મધરઇનલો ટંગ આ બધાને પ્રાણવાયુમાં ફેરવીને ઘરના વ્યક્તિઓનુું આરોગ્ય સાચવે છે.  અને ઘરમાં ભેજનું પ્રમાણ જાળવે છે. જેથી આપણી આંખો અને ત્વચા આરોગ્યપ્રદ રહે છે. અને એમાં પણ આ છોડ કોઇ પણ વાતાવરણમાં આસાનીથી ઉગી જાય છે. બસ પાણીનું પ્રમાણ જળવાવું જરૂરી છે.

તો હવે આવા સરળ ઉપાયના આટલા આશ્ચર્યજનક અને સારા પરિણામો જોઇને તમે પણ ઇચ્છાતા હોવ કે આવો કોઇ નાનકડો છોડ લગાવીને ઘરની હવા શુદ્ધ કરવી છે. તો શુભસ્ય શીઘ્રમ…. હરિયાળી શોભાની સાથે શુદ્ધતાનો પણ આનંદ માણો… અને નિરોગી તેમજ લાંબુ આયુષ્ય મેળવો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]