મુંબઈ હાઈકોર્ટના આદેશને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસમાં પ્રેક્ષકોને એમના ઘેરથી કે બહારથી એમને મનભાવતી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપી છે ત્યારે કેટલાક સિનેતારકો અને હસ્તીઓએ વિરોધ કર્યો છે. આમાં ગાયક સોનૂ નિગમ અને અભિનેત્રી પૂનમ ધિલોનનો સમાવેશ થાય છે. આ ફિલ્મી હસ્તીઓના વિરોધને કારણે પ્રેક્ષકો અને ફિલ્મરસિયાઓ નારાજ થશે.
પૂનમ ધિલોને એક નિવેદનમાં કહ્યું છે કે આમાં તો લોકો આલ્કોહોલ લઈને પણ થિયેટરમાં જશે. સલામતીની વ્યવસ્થા પણ વધારવી પડશે. કેટલાક લોકો માંસાહારી ચીજો પણ થિયેટરમાં લઈ જશે, તેથી એવી ચીજોની દુર્ગંધ તથા હાડકાંઓનો પણ પ્રશ્ન ઊભો થશે. દુર્ગંધને કારણે સિનેમા હોલમાં બેસવાનું તકલીફવાળું બની જશે. કેટલાક લોકો ખાદ્યપદાર્થો સામે, દુર્ગંધ સામે કે નશાને કારણે ગેરવર્તણૂકને કારણે વાંધો ઉઠાવશે, પરિણામે સલામતીનો પ્રશ્ન પણ ઊભો થશે. આ છૂટ વ્યવહારુ નથી.
અભિનેતા સોનૂ સુદનું કહેવું છે કે, કયા ખાદ્યપદાર્થો સિનેમાહોલમાં લઈને જવા અને કયા નહીં એનો એક નિયમ બનાવવો પડશે. સલામતીના કારણોસર નિયમો બનાવવા પડશે. એ વાત તો ખરી છે કે હોલની અંદર કેટલાક લોકોના ટિફિન્સમાંથી જે વાસ આવશે એનાથી વાતાવરણ બગડી જશે.
ગાયક કૈલાશ ખેર કહે છે, પરિસ્થિતિ પડકારરૂપ બની જવાની છે.
ગાયિકા અનુરાધા પૌડવાલનું કહેવું છે કે, મામલો ભયજનક થશે. અનેક વર્ષો બાદ આપણને પીવીઆર અને આઈનોક્સ જેવા થિયેટરો મળ્યા છે અને જો લોકો અંદર ગમે તેવા ખાદ્યપદાર્થો લઈને આવશે તો લોકો થિયેટરોમાં જઈને ફિલ્મો જોવાનું ફરી બંધ કરી દેશે. આવી છૂટ આપવાનો આઈડિયા સારો નથી.
ગાયક સોનૂ નિગમે કહ્યું કે પ્રેક્ષકોને બહારથી ખાદ્યપદાર્થો લાવવાની પરવાનગી આપવી ન જોઈએ, કારણ કે થિયેટરમાં ખાદ્યપદાર્થો અને પીણાંઓ વેચવાથી થતી કમાણી પર થિયેટરમાલિકોનો ધંધો ચાલતો હોય છે. એમને બિઝનેસ કરવાથી વંચિત રાખવા યોગ્ય ન કહેવાય અને અસ્તિત્વની કટોકટી સર્જાઈ શકે છે.
ટીવી અભિનેતા કરણવીર બોહરા કહે છે કે કમસે કમ પ્રવાહી ચીજો બહારથી લાવવાની તો પરવાનગી ન જ આપવી જોઈએ, કારણ કે એનાથી ગુનાઓ વધશે.
અભિનેત્રી શુભાંગી અત્રેનું કહેવું છે કે પ્રેક્ષકોને બહારથી ખાવાનું લાવવાની પરવાનગી આપવાથી સ્વચ્છતાની સમસ્યા સર્જાશે.
સૌમ્યા ટંડનનું કહેવું છે કે આને કારણે હવે થિયેટરોની ટિકિટો મોંઘી થશે.