KBC-9નાં પ્રથમ મહિલા કરોડપતિ અનામિકા મજુમદાર

ઝારખંડના જમશેદપુર શહેરનાં રહેવાસી અનામિકા મજુમદારની આ વખતની દિવાળી જોરદાર બની રહેશે. એમણે ‘કૌન બનેગા કરોડપતિ’ની 9મી સીઝનમાં એક કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. ‘કેબીસી-9’માં એક કરોડનું ઈનામ જીતનાર તેઓ પહેલાં મહિલા કરોડપતિ બન્યાં છે.

અનામિકા મજુમદારે શોનાં સંચાલક અમિતાભ બચ્ચને પૂછેલા 15 સવાલનાં જવાબ સાચા આપ્યાં હતાં, પણ 16મા સવાલનો જવાબ ખોટો આપતાં તેઓ સાત કરોડનું જેકપોટ ઈનામ જીતવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

41 વર્ષીય મજુમદાર જમશેદપુરની એક બિનસરકારી સંસ્થાનાં કાર્યકર્તા અને ગૃહિણી છે.

મજુમદારે કહ્યું છે તેઓ એમની આ ઈનામની મોટા ભાગની રકમ એમની NGO ‘ફેઈધ ઈન ઈન્ડિયા’ને અર્પણ કરી દેશે. એમની આ સંસ્થા ઝારખંડમાં મહિલાઓ તથા ગરીબ બાળકોનાં ઉત્કર્ષ માટે કામ કરે છે.

કેબીસી-9નો આ એપિસોડ મંગળવાર, 3 ઓક્ટોબરે પ્રસારિત કરવામાં આવ્યો હતો.

અનામિકા મજુમદારે કહ્યું કે, હું ‘કેબીસી’ શોની મોટી ચાહક છું. હું મોટી રકમનું ઈનામ જીતવાના ઉદ્દેશ્ય સાથે જ એમાં સહભાગી થઈ હતી. મને વિશ્વાસ પણ હતો કે હું મોટી રકમ જીતી શકીશ, પણ એક કરોડનું ઈનામ જીતીશ એવી ધારણા રાખી નહોતી.

કેબીસીના સેટ પર અનામિકાનાં પતિ સત્યપ્રિય મજુમદાર, અનામિકાનાં માતા સબિતા બાસુ, પુત્ર અર્ણબ પણ હાજર હતાં. પુત્રી પ્રેરણા ઘેર હતી અને એની સાથે અનામિકા અને અમિતાભે ફોન પર વાતચીત કરી હતી. અનામિકાનાં પતિ બિલ્ડિંગ ડેવેલપમેન્ટનાં ક્ષેત્રમાં છે. અનામિકાનાં સાસુ-સસરાનો દેહાંત થઈ ચૂક્યો છે. અનામિકાનાં માતા-પિતા અનામિકા-સત્યપ્રિયની સાથે જ રહે છે.


આ હતાં એ 15 સવાલ અને અનામિકા મજુમદારે આપેલા એનાં જવાબઃ

સવાલ નંબર-1: 2017માં આવેલી એ કઈ ફિલ્મ છે જેમાં આયુષ્માન ખુરાનાએ કામ કર્યું હતું?

બરેલી કી બર્ફી

સવાલ નંબર-2: કયા તહેવારમાં વિવાહિત બંગાળી મહિલાઓ ‘સિંદૂર ખેલ’ રમે છે?

દુર્ગા પૂજા

સવાલ નંબર-3: ‘પદ્મશ્રી’ પુરસ્કાર વિજેતા તરલા દલાલ અને સંજીવ કપૂર કયાં ક્ષેત્રનાં છે?

પાક કળા

સવાલ નંબર-4: સર્પગંધા અને અશ્વગંધા એ શેના પ્રકાર છે?

છોડ

સવાલ નંબર-5: અસ્થાયી આવાસ, કેમ્પ આ શબ્દનો હિંદી અર્થ શું છે?

ડેરા

સવાલ નંબર-6: આ સ્વર કોનો છે એ જણાવો – એ વખતે અમિતાભે એક અભિનેત્રીનો અવાજ સંભળાવ્યો હતો.

વિદ્યા બાલન

સવાલ નંબર-7: કયાં રાજકારણી અને નાગરિક અધિકારી કાર્યકરને ‘આયર્ન લેડી’ નામથી ઓળખવામાં આવે છે?

ઈરોમ શર્મિલા

સવાલ નંબર-8: કયું પક્ષી સૌથી ઊંચે ઊડે છે અને પોતાનાં એક જ જીવનસાથી સાથે આખું જીવન વ્યતિત કરે છે?

સારસ ક્રેન

સવાલ નંબર-9: જો નિર્મલા સીતારામન ભારતનાં બીજાં સંરક્ષણપ્રધાન છે તો પહેલાં સંરક્ષણપ્રધાન કોણ હતાં?

ઈન્દિરા ગાંધી

સવાલ નંબર-10: 2017ના વર્ષમાં ટાટા સન્સના ચેરમેપદે કોણ બિરાજમાન થયું?

એન. ચંદ્રશેખરન

સવાલ નંબર-11: ‘કર કે દિખલા દે ગોલ’ આ પ્રમોશનલ ગીત કઈ સ્પર્ધા માટેનું છે?

ફિફા અંડર-17 વર્લ્ડ કપ

સવાલ નંબર-12: મહાભારતમાં જણાવ્યા પ્રમાણે, આમાંના કોણે બે જુદા જુદા સ્વરૂપમાં બે માતાનાં ઉદરમાંથી જન્મ લીધો હતો?

જરાસંધ

સવાલ નંબર-13: જવાહરલાલ નેહરુનાં પ્રધાનમંડળના કયા સદસ્યે રાજીનામું આપીને 1951ના વર્ષમાં નવા પક્ષની સ્થાપના કરી હતી?

શ્યામા પ્રસાદ મુખરજી

સવાલ નંબર-14: મિત્રભેદ, મિત્રલાપ, કાકોલુકીયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત-કારકમ આ કયા ગ્રંથના વિભિન્ન અધ્યાયના ભાગ છે?

પંચતંત્ર

સવાલ નંબર-15: આમાંના કયા ચિત્રકારને ભારતીય બંધારણની મૂળ પ્રતમાં ચિત્રકામનું કાર્ય સોંપવામાં આવ્યું હતું?

નંદલાલ બોઝ

16મો સવાલ આ હતોઃ આમાં એ કઈ જોડી છે જે નોબેલ ઈનામો જીતનાર પિતા-સંતાનની જોડી નથી?

અનામિકા ગૂંચવાઈ ગયા હતાં. એમને સાચો જવાબ ખબર નહોતો એટલે એમણે ક્વિટ કરવાનું નક્કી કર્યું હતું. અમિતાભે એમને એક વિકલ્પ પસંદ કરવા કહ્યું હતું ત્યારે અનામિકાએ ‘C’ વિકલ્પ પસંદ કર્યો હતો.

પણ સાચો જવાબ હતોઃ ‘D’ હર્મન ઈમિલ ફિશર અને હેન્સ ફિશર.

httpss://www.youtube.com/watch?v=pdRr6I_oC7A

httpss://www.youtube.com/watch?v=qzzmnCqthOA