આમિરને ભાવી ‘ગુજરાતી થાળી’; વડોદરાના મહારાજ (શેફ)ને આપી શાબાશી

ગુજરાતી થાળી જે એકવાર જમે એ વારંવાર જમે. બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનને પણ આ ગુજરાતી થાળીનો ચટાકો લાગ્યો છે.

ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ ગુજરાતી ભોજન. દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, દહીં/છાશ, અથાણું, ચટણી, કચુંબર જેવી વિવિધ વાનગીઓનો સમૂહ એટલે થાળી. મોંઘી હોટલ/રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ ગુજરાતી થાળીમાં ફરસાણ અને મિઠાઈ પણ પીરસવામાં આવે છે.

આમિર ખાન હાલ એની આગામી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ના પ્રચારમાં વ્યસ્ત છે. તમને યાદ હોય તો, એણે આ ફિલ્મના પ્રચારની શરૂઆત વડોદરા શહેરથી કરી હતી. એણે આ ફિલ્મનું 90 ટકા શૂટિંગ વડોદરામાં કર્યું છે.

પ્રચાર દરમિયાન આમિરે વડોદરાની સુપ્રસિદ્ધ થાલી રેસ્ટોરન્ટ ‘મંડપ’માં ગુજરાતી ભોજન માણ્યું હતું. ત્યાં જમીને આમિર એટલો બધો પ્રભાવિત થયો હતો કે વાત ન પૂછો. ભરપેટ ખાઈને તે એવો ખુશ થઈ ગયો હતો કે એણે રેસ્ટોરન્ટના મહારાજ (શેફ)ને બોલાવીને શાબાશી આપી હતી અને એની સાથે ફોટો પણ પડાવ્યો હતો. એટલું જ નહીં, એણે એક આખો ડબ્બો ભરીને જમવાનું પેક કરાવ્યું હતું જેથી એ મુંબઈ જઈને એની પત્ની કિરણને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ચખાડી શકે.

આમિરની જીભ પર આ ગુજરાતી થાળીનો સ્વાદ એવો રહી ગયો છે કે એણે એક રસ્તો કાઢ્યો છે. એણે ‘મંડપ’ હોટલ સાથે એક ગોઠવણ/ભાગીદારી કરી છે. હવે દર શનિવારે વડોદરાની ‘મંડપ’માંથી ડબ્બો ભરીને ગુજરાતી ભોજન મુંબઈમાં આમિરના ઘેર પહોંચાડવામાં આવશે. એ ડબ્બામાં મટકાની રબડી ખાસ મૂકવામાં આવશે, કારણ કે આમિરને એ વધારે જ ભાવી હતી.

આમ, હવે આમિરના ઘરવાળાઓ દર શનિવારની આતુરતાપૂર્વક રાહ જોશે કે વડોદરાથી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ભરેલું ટિફિન ક્યારે આવે.

આમિર ખાન ‘સીક્રેટ સુપરસ્ટાર’નો નિર્માતા છે અને એમાં તેણે મહેમાન ભૂમિકા પણ અદા કરી છે. ઝાયરા વાસીમને સગીર વયની ગાયિકાનાં રોલમાં પ્રસ્તુત કરતી ‘સીક્રેટ સુપરસ્ટાર’ 19મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે.