અમિતાભ બચ્ચને હિન્દી સિનેમા ક્ષેત્રમાં 50 વર્ષની સફર પૂરી કરી લીધી છે. 50 વર્ષ પહેલાં, 1969ની 15મી ફેબ્રુઆરીએ એમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી – ‘સાત હિન્દુસ્તાની’.
ત્યારપછી બચ્ચને ‘પરવાના’, ‘આનંદ’, ‘ગુડ્ડી’, ‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. કારકિર્દીના આરંભમાં એમણે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ એમને પોતાને ધારી સફળતા મળી નહોતી.
12 ફિલ્મો ફ્લોપ ગયા બાદ અમિતાભની પહેલી મોટી હિટ ફિલ્મ હતી ‘ઝંજીર’. ત્યારબાદ એમણે લગાતાર સુપરહિટ ફિલ્મો આપી હતી અને બની ગયા હતા સુપરસ્ટાર.
અમિતાભે એમની કારકિર્દીમાં અનેક વાર ચડતી-પડતીનો સામનો કર્યો છે. 1982માં તેઓ જ્યારે એમની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે ‘કુલી’ ફિલ્મના શૂટિંગ વખતે એમને અકસ્માત નડ્યો હતો અને તેઓ હોસ્પિટલાઈઝ થયા હતા. પરંતુ મોતને હાથતાળી આપવામાં સફળ થઈને એમણે રૂપેરી પડદા પર ધમાકેદાર રીતે કમબેક કર્યું હતું અને સુપરસ્ટારમાંથી બન્યા મેગાસ્ટાર.
2018માં એમણે એ બે ફિલ્મમાં જોવા મળ્યા હતા – ‘102 નોટઆઉટ’ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’. આમાંની પહેલી ફિલ્મને દર્શકોએ વખાણી હતી, પણ બીજી બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી.
76 વર્ષીય બચ્ચન હવે ટૂંક સમયમાં ફરી સ્ક્રીન પર પ્રસ્તુત થશે ‘બદલા’ ફિલ્મ સાથે. એમાં એમની સાથે છે તાપસી પન્નૂ. આ ઉપરાંત અમિતાભ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં પણ જોવા મળશે જેમાં એમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે.
અભિષેક બચ્ચને આ તસવીર એના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.