વરસાદમાં બહારનું ખાવાનું આપણે ટાળતાં હોઈએ છીએ. પરંતુ વરસતા વરસાદમાં લારીના વડા-પાઉં તો યાદ આવે જ! જો કે, ચટપટા વડા-પાઉં ક્વેસાડિલા ઘરે બનાવીને વડા-પાઉંનો ટેસ્ટ માણી શકો છો!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 1 કપ
- મીઠું ¼ ટી.સ્પૂન
- તેલ ¼ ટી.સ્પૂન
- રોટલી શેકવા માટે ઘી
સૂકી ચટણીઃ
- શીંગદાણા 1 કપ
- સૂકા નાળિયેરની છીણ 2 ટે.સ્પૂન
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાવડર 3 ટે.સ્પૂન
- લસણની કળી 7-8 (optional)
પૂરણઃ
- બાફેલા બટેટા 4
- આદુનો ટુકડો 1 ઈંચ
- લસણની 6-7 કળી
- લીલા મરચાં 4-5
- હળદર પાવડર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- કળીપત્તાના પાન 5-6
- આમચૂર પાવડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરુ પાવડર 1 ટી.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
લીલી ચટણીઃ
- ધોઈને સમારેલી કોથમીર 1½ કપ
- આદુ ટુકડો 1 ઈંચ
- લસણની કળી 3 (optional)
- લીલા તીખા મરચાં 3
- કાચા શીંગદાણા 2 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
રીતઃ ઘઉંનો લોટ રોટલીના લોટ જેવો બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.
સૂકી ચટણી માટે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી તેમાં શીંગદાણા 2 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં તલ અને સૂકા કોપરાની છીણ નાખીને ફરીથી 2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેમાં લસણની કળીઓ ઉમેરીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં નાખીને તેમાં મરચાં પાવડર તથા મીઠું સ્વાદાનુસાર ઉમેરીને કરકરું પીસી લો.
વડા-પાઉંનો મસાલો તૈયાર કરવા માટે મિક્સીમાં આદુનો ટુકડો, લસણની કળી, લીલા મરચાં લઈને પેસ્ટ બનાવી લો.
એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ ફુટે એટલે તેમાં હીંગ, વડા-પાઉંનો મસાલો (આદુ-લસણ-મરચાંની પેસ્ટ) ઉમેરીને જીરૂ, હળદર પાવડર પણ ઉમેરો. હવે તેમાં બાફેલા બટેટાને હાથેથી મેશ કરીને નાખી દો. તેની ઉપર ધાણાજીરૂ પાવડર, આમચૂર પાવડર તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. આ મિશ્રણને તવેથા વડે મિક્સ કરી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને કોથમીર ઉમેરી દો.
ચટણી માટેની સામગ્રી પાણી નાખ્યા વગર મિક્સીમાં વાટી લો.
બાંધેલા લોટના નાના લૂવા કરી. તેમાંથી મિડિયમ સાઈઝની પાતળી 2 રોટલી વણી લો. બંને રોટલીની એક બાજુ સરખી શેકી લેવી. બીજી બાજુ કાચી-પાકી રાખવી. રોટલી નીચે ઉતારીને ગેસની આંચ ધીમી કરી લો. રોટલીની શેકેલી બાજુ પર લીલી ચટણી લગાડીને તેની ઉપર બટેટાનો મસાલો પાથરી દો.ત્યારબાદ તેની ઉપર સૂકી ચટણી ભભરાવી દો. બીજી રોટલીની શેકેલી બાજુ પર લીલી ચટણી લગાડીને એ ભાગ અંદરની તરફ આવે તે રીતે બટેટાના પૂરણને ઢાંકી દો. આ તૈયાર કરેલી રોટલીને તવા પર ધીમી આંચે શેકાવા દો. બંને બાજુએ ઘી લગાડીને ક્રિસ્પી શેકી લો.
શેકાયેલી રોટલીને તવેથા વડે હળવેથી એક પ્લેટમાં ઉતારીને તેના ચપ્પૂ વડે ચાર ટુકડા કરી લો. આ ક્વેસાડિલાને ટોમેટો કેચ-અપ અથવા આમલીની ચટણી સાથે પીરસો.
