પાલક ન ખાવા માંગતા બાળકો માટે પાલક વડી બહુ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ રહેશે!
સામગ્રીઃ
- પાલક ધોઈને સમારેલી 2 કપ
- ચણાનો લોટ 1 કપ
- ચોખાનો લોટ ½ કપ
- સફેદ તલ 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- આદુ-મરચાં-લસણ પેસ્ટ 1 ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- ગોળ ખમણેલો 1 ટે.સ્પૂન
- આમલીનો ગર 1 ટે.સ્પૂન
- અજમો ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- તેલ વડી તળવા માટે
રીતઃ એક મોટા વાસણમાં કોથમીર, પાલક, ચણાનો તેમજ ચોખાનો લોટ, તલ, ધાણાજીરુ, હળદર, લાલ મરચાં પાઉડર, આદુ-મરચાં-લસણ પેસ્ટ, અજમો, ખમણેલો ગોળ, આમલીનો ગર, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને લોટ બાંધીને થોડું તેલનું મોણ આપી દો.
એક તપેલી અથવા કઢાઈમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં કાઠો મૂકી તેની ઉપર સ્ટીલની ચાળણી તેલવાળી કરીને મૂકવી. આ ચાળણીમાં બાંધેલા લોટના લાંબા લૂવા મૂકીને કઢાઈ ઢાંકી દો. ગેસ ચાલુ કરી વડી બાફવા મૂકો. 15-20 મિનિટ બાદ ચપ્પૂ વડે ચેક કરો. લોટમાંથી ચપ્પૂ સ્વચ્છ નીકળે તો વડી બફાઈ ગઈ હશે. ગેસ બંધ કરીને વડીનો બફાયેલો લોટ એક થાળીમાં ઠંડો કરવા મૂકો.
બફાયેલો લોટ ઠંડો થાય એટલે તેમાંથી 1 સેં.મી. જાડાઈની વડી કટ કરી લો. એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને વડી તેમાં તળી લો.
