ઓછા તેલમાં બનતા ફરાળી સાબુદાણા અપ્પે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શ્રાવણ મહિના માટેનો આ ફરાળ પૌષ્ટિક રહેશે!
સામગ્રીઃ
- સાબુદાણા 1 કપ
- દહીં ½ કપ
- લીલા મરચાં 2
- આદુનો ટુકડો 1 ઈંચ કોથમીર ½ કપ
- શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન
- બાફેલાં બટેટાં 2
- સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- લીંબુનો રસ 2 ટે.સ્પૂન
ચટણીઃ
- કાકડી 2
- લીલા મરચાં 2
- આદુનો ટુકડો 1 ઈંચ
- કોથમીર 1 કપ
- શીંગદાણા 1 ટે.સ્પૂન
- સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
રીતઃ સાબુદાણાને એક પાણીએથી ધોઈને દહીં મેળવીને 1 કપ પાણી પણ મેળવી દો એને ઢાંકીને 3-4 કલાક માટે પલાળી રાખો.
તે દરમ્યાન ચટણી તૈયાર કરી લો. કાકાડીને ધોઈને છોલીને તેના ટુકડા કરીને મિક્સીમાં નાખો. ત્યારબાદ તેમાં શેકેલા શીંગદાણા છોલીને ઉમેરો. લીલા મરચાં તેમજ આદુના ટુકડા ઉમેરી, સમારેલી કોથમીર મેળવી દો. સિંધવ મીઠું સ્વાદ મુજબ તેમજ લીંબુનો રસ મેળવીને ચટણી બારીક પીસી લો.
સાબુદાણા પલળી જાય એટલે તેમાં શીંગદાણાનો અધકચરો ભૂકો કરીને મેળવો. કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, લીલા મરચાં, ખમણેલું આદુ તેમજ બટેટાને ખમણીને અથવા છૂંદો કરીને ઉમેરીને લીંબુનો રસ મેળવી લીધા બાદ આ મિશ્રણના નાના ગોળા કરી લો.
ગોળા તૈયાર થઈ જાય એટલે અપ્પે પેનના દરેક ખાનામાં તેલ લગાડીને ગેસ પર ગરમ કરવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. 1-2 મિનિટ બાદ પેન ગરમ થઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. પેનના દરેક ખાનામાં સાબુદાણાના વાળેલા ગોળા મૂકીને પેન ઢાંકીને 2 મિનિટ બાદ સાબુદાણાના દરેક ગોળા ફેરવીને ઉપર થોડું થોડું તેલ ચમચી વડે લગાડીને ફરીથી પેન ઢાંકીને 2 મિનિટ માટે થવા દો. સાબુદાણા અપ્પે સોનેરી રંગના શેકાય એટલે પેનમાંથી એક થાળીમાં અપ્પે કાઢી લો.
ગરમાગરમ અપ્પે ફરાળી લીલી ચટણી સાથે પીરસો.
