સમોસા કે કચોરીથી પણ સ્વાદિષ્ટ અને સહેલાઈથી સરસ મજાનો બનતો નાસ્તો, જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 1 કપ
- બાફેલા બટેટા 3-4
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- જીરુ 1 ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- બાફેલા વટાણા ½ કપ
- કાંદો 1
- આમચૂર પાઉડર અથવા ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- ચીઝ ક્યુબ્સ 2-3
- પનીર 100 ગ્રામ
- શેઝવાન ચટણી
- લીલી ચટણી
મેંદાની સ્લરીઃ
- મેંદો 4 ટે.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
રીતઃ ઘઉંનો લોટ રોટલીના લોટ કરતા કઠણ બાંધીને થોડીવાર માટે એકબાજુએ રાખી દો.
બાફેલા બટેટાને ખમણીને એક બાઉલમાં લો. તેમાં સમારેલી કોથમીર, જીરુ, ચીલી ફ્લેક્સ, બાફેલા વટાણા લો. કાંદો ઝીણો સમારીને ઉમેરો તથા આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન ઉમેરી મીઠું સ્વાદ મુજબ મેળવો.
એક બાઉલમાં મેંદો, ચીલી ફ્લેકસ, સફેદ તલ, સમારેલી કોથમીર લઈ થોડું થોડું પાણી ઉમેરી મેંદાની ઘટ્ટ સ્લરી બનાવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
ઘઉંનો બાંધેલો લોટ લઈ તેનો એક મોટો પાતળો રોટલો વણી લો. તેને ચારે બાજુએથી ચપ્પૂ વડે કટ કરીને ચોરસ આકાર આપી દો. વણેલા રોટલા ઉપર બટેટાનું પૂરણ પાથરી દો. તેની ઉપર શેઝવાન ચટણી અને ત્યારબાદ લીલી ચટણીની લેયર કરી દો. હવે આ રોટલાના લંબચોરસ પીસ થાય તે રીતે તેને કટ કરી લો.
ચીઝના લંબચોરસ 1 ઈંચના ક્યૂબ કટ કરીને રોટલાના દરેક ચોસલા ઉપર એક એક મૂકી દો. અને રોટલાના પડની બે સાઈડ જોડીને કિનારી દાબીને બંધ કરી દો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી દો.
રોટલાના વાળેલા પોકેટ્સને મેંદાની સ્લરીમાં ડુબાડીને તેલમાં ગોલ્ડન રંગના તળી લો અને લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.