ચોખા-બટેટાનો આ નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે તેમજ બહુ સહેલાઈથી બની જાય છે. બાળકો આ નાસ્તો બહુ જ પસંદ કરશે!
સામગ્રીઃ
- કાચા બટેટા 2
- ચોખાનો લોટ 1 કપ
- આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- ધોઈને સમારેલી કોથમીર ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- લસણની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટી.સ્પૂન (optional)
- તેલ તળવા માટે
રીતઃ કાચા બટેટાને છોલીને ધોઈને ખમણીને એક મોટા બાઉલમાં પાણી લઈ તેમાં નાખો અને સારી રીતે ધોઈને તેમાંથી પાણી નિચોવીને એક બાઉલમાં કાઢી લો.
આ બટેટાની છીણમાં ચોખાનો લોટ, આદુ, મરચાં, લસણની પેસ્ટ, 1 ટે.સ્પૂન તેલ, સ્વાદ મુજબ મીઠું, જીરુ તથા કોથમીર મેળવો. હવે 1 કપ પાણી ઉમેરીને ચમચી વડે મિશ્રણને સરખું મિક્સ કરો.
એક કઢાઈમાં આ મિશ્રણ નાખીને ગેસની તેજ આંચ પર ગરમ કરવા મૂકો. મિશ્રણને ચમચા વડે સતત હલાવતાં રહેવું. ચોખાનું આ મિશ્રણ ચઢી જવા આવે એટલે કઢાઈ છોડીને જામવા માંડશે. ત્યારે ગેસ બંધ કરીને કઢાઈ ઉતારી લેવી.
એક થાળીમાં તેલ ચોપડીને ચોખાનું મિશ્રણ પાથરીને તવેથા વડે ચોરસ ફેલાવી દો. 1 સે.મી. જાડી વડી તૈયાર થાય એટલું જાડું થર પાથરવું. એક વાટકીના તળિયા વડે ઉપરથી તેને લીસું બનાવી દો. ત્યારબાદ ચપ્પૂ વડે તેના ચોરસ ટુકડા કરી લો. આ ચોરસ ટુકડાને વચ્ચેથી કાપો પાડી ફરીથી ત્રિકોણાકારમાં કટ કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ ટુકડાને સોનેરી રંગના તળી લો.
આ નાસ્તો સાંજે ચા સાથે અથવા લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય છે.