રવાના પેનકેક

ક્યારેક શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે રવાના પેનકેક બનાવી શકાય!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • પાણી 1 કપ
  • પૌઆ 1 ટે.સ્પૂન
  • ચણાની દાળ ½ ટી.સ્પૂન
  • અળદની દાળ ½ ટી.સ્પૂન
  • લીલું મરચું 1
  • બટેટા 1
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • તેલ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • કળી પત્તાના પાન 4-5
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • શેઝવાન ચટણી અથવા લસણની ચટણી 1 ટે.સ્પૂન

રીતઃ રવામાં દહીં મેળવીને તેમજ 1 કપ પાણી મેળવીને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી રાઈ તેમજ જીરાનો વઘાર કરીને ચણાની તેમજ અળદની દાળ તેમાં સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરી દો. લીલું મરચું તેમજ કળી પત્તાના પાન સમારીને ઉમેરો.

બટેટાને જાડી છીણીથી છીણી લઈ આ વઘારમાં ઉમેરી પેન ઢાંકીને 1-2 મિનિટ બટેટાને ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. અને સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ શેઝવાન ચટણી તેમાં ભેળવી દો.

પલાળેલો રવો 10 મિનિટ બાદ લઈ તેમાં બટેટાનું મિશ્રણ મેળવી દો. લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી લો.

એક વઘારીયું લો અથવા પેન લો. તેમાં 1 ચમચી તેલ ગરમ કરી જીરૂ થોડું વઘારીને રવાના મિશ્રણમાંથી એક કળછી ખીરું લઈ આ વઘાર ઉપર હળવેથી રેડી દો. ગેસની આંચ ધીમી કરી દો. એકાદ મિનિટ બાદ આ પેનકેક નીચેથી ક્રિસ્પી તેમજ સોનેરી રંગના દેખાય એટલે ઉથલાવીને બીજી બાજુ પણ સોનેરી રંગની શેલો ફ્રાય કરી લો. આ રીતે બધા પેનકેક તૈયાર કરી લો.

આ પેનકેક લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.