ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી જ બનાવવામાં આવતા આ પૂડલામાં કોઈ કળાકૂટ નથી. એટલે જલ્દી પણ બની જાય છે. બટેટા એટલે બાળકોનો તો આ પ્રિય નાસ્તો બની રહેશે!
સામગ્રીઃ
- બટેટું 1, કોર્નફ્લોર 3 ટે.સ્પૂન
- ચણાનો લોટ 2 ટે.સ્પૂન
- ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ પ્રમાણે
- નાનું સિમલા મરચું
- ગાજર ખમણેલું 1 ટે.સ્પૂન
- લીલા મરચાં 2
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
રીતઃ કાચા બટેટાને છોલીને ધોઈને ખમણીને એક બાઉલમાં લઈ લો. તેમાં કોર્નફ્લોર, ચણાનો લોટ, ચોખાનો લોટ મેળવો. તેમજ તેમાં ચિલી ફ્રલેક્સ, કાળા મરી પાઉડર, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું મેળવો. હવે તેમાં સમારેલી કોથમીર તેમજ ખમણેલું ગાજર, સમારેલાં લીલા મરચાં અને સિમલા મરચું પણ મેળવી દો. આ મિશ્રણમાં 2 ટે.સ્પૂન જેટલું પાણી ઉમેરીને ભજીયા જેવું ખીરું બનાવી લો.
એક ફ્રાઈંગ પેનમાં તેલ સરખું ગરમ કરી લો. હવે ગેસની આંચ એકદમ ધીમી કરી દો. એક કળછી વડે ખીરું પેનમાં હળવેથી રેડી દો. પૂડલાની કિનારીનો રંગ થોડો સોનેરી થવા માંડે એટલે કે, 2-4 મિનિટ પછી તવેથા વડે પૂડલાને ઉથલાવી દો. ફરી 2-4 મીનિટ બાદ સોનેરી રંગ આવે એટલે પૂડલા ઉતારી લો. જો પૂડલા કડક જોઈતા હોય તો તવેથા વડે ઉપરથી પૂડલાને પ્રેશ કરીને કડક કરી લીધા બાદ ઉતારી લો અને ગરમાગરમ પીરસો.
આ પૂડલા લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પિરસો.
