બટેટા લચ્છા ટિક્કી

બટેટા લચ્છા ટિક્કી તાત્કાલિક બને છે, ભજીયા જેવા સ્વાદ સાથે! વળી, દહીં અને તીખી તેમજ ગળી ચટણી સાથે બટેટા લચ્છા ટિક્કી ચાટની એક નવી વેરાયટી પણ મળી શકે છે!

સામગ્રીઃ

  • મિડિયમ સાઈઝના બટેટા 4
  • લીલા મરચાં 2-3
  • આદુ 2 ઈંચ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • શેકેલો જીરા પાઉડર 1 ટી.સ્પૂન
  • આરાલોટ 4 ટે.સ્પૂન
  • ટીક્કી શેલો ફ્રાઈ કરવા માટે તેલ

રીતઃ બટેટાને છોલીને ધોઈને જાડી ખમણીમાં લાંબા ખમણી લેવા. ત્યારબાદ 3-4 પાણીએથી ધોઈને ચાળણીમાં તેમાંનું પાણી ગાળી લઈ એક સુતરાઉ ટોવેલ પર પાણી નિતારી લેવું.

પાણી નિતારેલાં બટેટાની છીણ એક થાળીમાં લઈ તેમાં ખમણેલું આદુ, સમારેલાં લીલાં મરચાં, કાળા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી હાથેથી મેળવી લો. 2 મિનિટ બાદ તેમાંથી પાણી છૂટશે એટલે ફરીથી બટેટાની છીણ હાથોમાં લઈ દાબીને પાણી નિચોવીને બીજા વાસણમાં મૂકતાં જાવ. ત્યારબાદ તેમાં આરાલોટ મેળવી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો.

આ છીણને થોડું હાથમાં લઈ તેને ગોળ આકાર આપીને હળવેથી તેલમાં છોડો. જો આ રીતે ન ફાવતું હોય તો એક નાની ઉંડી ડીશમાં બટેટાનું છીણ ગોઠવીને તેમાંથી ટિક્કી તવેથા ઉપર મૂકીને હળવેથી તવેથા વડે જ તેલમાં છોડો. એકવાર નાખ્યા બાદ થોડીવાર સુધી એમ જ થવા દો. જ્યારે આ ટિક્કી ઉપરથી થોડી પારદર્શી થાય અને નીચેથી કિનારી સોનેરી દેખાવા લાગે ત્યારે તવેથા વડે હળવેથી તેને ઉથલાવો.

આ રીતે બે-ત્રણવાર ઉથલાવીને તેનો સોનેરી રંગ આવે એટલે ઉતારી લો.

આ ટિક્કી ઉપરથી કડક અને અંદરથી નરમ બને છે. તૈયાર ટિક્કી ચટણી અથવા ટોમેટો-કેચઅપ સાથે પીરસો.

અન્ય રીત પ્રમાણે, આ ટિક્કીને પ્લેટમાં ગોઠવીને ઉપર દહીં તેમજ ગળી અને તીખી લીલી ચટણી તેમજ સેવ અને દાડમના દાણા ભભરાવીને આલૂ ટિક્કી ચાટનો સ્વાદ માણી શકો છો!