લીલા તાજા વટાણાનું શાક લગભગ દરેકને ભાવતું જ હોય છે. આ જ વટાણાના કોફ્તાનું ગ્રેવી સાથે શાક તો બહુ જ રસદાર સ્વાદિષ્ટ બનશે!
સામગ્રીઃ
- વટાણા 1 કપ
- બટેટુ 1
- લીલા મરચાં 2-2
- કોથમીર ધોયેલી ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચપટી હીંગ
- ચણાનો લોટ 2 ટે.સ્પૂન
- કાંદા 2
- લસણની કળી 4-5
- આદુનો ટુકડો 1 ઈંચ
- ટામેટાં 2
- તજનો ટુકડો ½ ઈંચ
- જીરુ 1 ટી.સ્પૂન
- તેલ વઘાર માટે
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- પાઉંભાજી મસાલો 2 ટી.સ્પૂન
- કસૂરી મેથી 2 ટી.સ્પૂન
રીતઃ વટાણાને ધોઈને પાણી નિતારીને એક મિક્સી જારમાં લો. તેમાં બટેટાને નાના ટુકડામાં કટ કરીને લઈ લો. કોથમીર ધોઈને થોડી સમારીને તેમાં લો. તેમજ મરચાં પણ ઉમેરી દો. પાણી નાખ્યા વિના તેને કરકરુંપીસી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને તેમાં હીંગ તેમજ મીઠું ઉમેરી દો. મિશ્રણ ઈડલીના ખીરા જેવું હોવું જોઈએ તેથી એકાદ ચમચી જેટલું પાણી જરૂર મુજબ ઉમેરવું.
મિક્સી જારમાં કાંદા લાંબા જાડા ટુકડામાં કટ કરીને ઉમેરો. તેમાં 2 લીલા મરચાં, આદુ તેમજ લસણની કળી ઉમેરીને પાણી નાખ્યા વિના પીસીને એક બાઉલમાં કાઢી લો. આ જારમાં ટામેટાં પણ મોટા ટુકડામાં કટ કરીને પીસી લો.
વટાણાના ખીરાને ઈડલી સ્ટેન્ડના ખાનામાં રેડીને ઈડલીની જેમ બાફી દો. 5-10 મિનિટમાં થઈ જશે. વટાણાના ખીરાને મુઠીયાની જેમ કઢાઈમાં પણ બાફી શકો છો. થોડું ઠંડું થયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.
એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરુ વઘારીને તજનો ટુકડો ઉમેરો. ત્યારબાદ લસણ-કાંદાની પેસ્ટ તેમાં સાંતડો. 2 મિનિટ બાદ તેમાં સૂકા મસાલા સાંતડીને ટામેટાંની ગ્રેવી ઉમેરી દો. ગેસની ધીમી આંચે 5 મિનિટ થવા દો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે 1 કપ પાણી ઉમેરીને ગ્રેવીને ઉકળવા દો.
ગ્રેવી ઉકળે એટલે તેમાં વટાણાના કોફતા ઉમેરી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને કોથમીર ભભરાવીને ઢાંકણ ઢાંકીને થોડીવાર 2-3 મિનિટ રહેવા દો. ત્યારબાદ ગરમાગરમ રોટલી સાથે આ શાક પીરસો.