સ્ટ્રીટ ફુડ કોઈપણ જગ્યાનું હોય, તે સ્વાદિષ્ટ જ હોય છે. નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફુડ પાંઉ બટેટા તમે નાસ્તામાં કે જમવામાં પણ બનાવી શકો છો!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 4
- સૂકા ધાણા 2 ટે.સ્પૂન
- રાઈ ½ ટી.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- કડી પત્તાના પાન 10
- તેલ 2 ટે.સ્પૂન
- આદુ-મરચાં અધકચરા વાટેલાં ½ ટે.સ્પૂન
- લસણ ખમણેલું 1 ટે.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન
- ગરમ મસાલો અથવા પાઉંભાજીનો મસાલો 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
પાઉં શેકવા માટેઃ સમારેલી કોથમીર 1 કપ, માખણ, પાઉંભાજીનો મસાલો, પાઉં
ચટણી માટેઃ
- તીખા લીલા મરચાં 4
- લસણની કળી 7-8
- આદુનો ટુકડો 2 ઈંચ
- દાંડા સહિતની કોથમીર ધોઈને મોટા ટુકડામાં સમારેલી,
- જીરૂ 1 ટી.સ્પૂન
- કાળું મીઠું ¼ ટી.સ્પૂન
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- બરફનો ટુકડો 1
રીતઃ સૂકા ધાણાને એક પેનમાં શેકી લઈ ઠંડા થાય એટલે અધકચરા વાટી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂનો વઘાર કર્યા બાદ તેમાં કળીપત્તાના પાન ઉમેરીને અધકચરા વાટેલાં આદુ-મરચાં તેમજ ખમણેલું લસણ 2 મિનિટ સાંતળીને હળદર ઉમેરી લીધા બાદ અધકચરા વાટેલાં સૂકા ધાણા મેળવી દો. એકાદ મિનિટ શેકાયા બાદ બાફેલા બટેટા છોલીને નાના ટુકડામાં સમારીને ઉમેરી દો.
હવે તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવીને સ્વાદ મુજબ મીઠું બટેટામાં મેળવીને ફરીથી થોડીવાર સાંતળી લીધા બાદ 2 કપ પાણી ઉમેરી, કઢાઈ ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે શાક થવા દો.
ચટણી બનાવવા માટે મિક્સીમાં લીલા મરચાં, લસણની કળી, આદુના ટુકડા, દાંડા સહિતની કોથમીર, જીરૂ, કાળું મીઠું ફક્ત ¼ ટી.સ્પૂન કે તેથી થોડું ઓછું, 1 બરફનો ટુકડો ઉમેરીને તેમાં જરૂર મુજબ સાદું મીઠું મેળવીને આ ચટણી પીસી લો.
બટેટાનું શાક 10 મિનિટ બાદ સહેજ ઘટ્ટ થયું હશે, તેમાં વાટેલી લીલી ચટણી 1 ટે.સ્પૂન મેળવી દો. તેમાં પાઉંભાજીનો મસાલો 1 ટી.સ્પૂન તેમજ સહેજ ખાંડ મેળવી, થોડી સમારેલી કોથમીર ભભરાવીને ફરીથી ઢાંકીને 2-3 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દો.
બધા પાંઉને બે ભાગમાં કટ કરી લો.
એક તવો ગરમ કરી તેમાં 1 ચમચી માખણ ગરમ કરવા મૂકી તેની ઉપર 1 ચમચી સમારેલી કોથમીર, ¼ ચમચી પાઉંભાજીનો મસાલો મેળવીને 1થી 2 પાંઉને ઉપરથી બંને બાજુએ વારાફરતે માખણ લાગે તે રીતે ફેરવીને ગરમ કરી લો. પછી અંદરની બાજુ તવામાં ફેરવી લો. જેથી અંદરથી પણ માખણ પાંઉમાં લાગે. આ રીતે બધા પાંઉ ગરમ કરી લો.
આ ગરમાગરમ પાંઉ, બટેટાના રસાવાળા લીલા શાક, બનાવેલી લીલી ચટણી તેમજ કાંદાના કચૂંબર સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
