મેંદા અને ચોખાના લોટના આ ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. વરસાદની ઋતુમાં કાંદાના ભજીયા ચણાના લોટમાં તો આપણે બનાવી જ લઈએ છીએ. વરસાદની મોસમ હજુ ચાલુ છે, તો ભજીયાનો આ નવો પ્રકાર પણ બનાવી લ્યો! સાથે ચટણીની રીત પણ છે, જે બોન્ડાનો સ્વાદ વધારશે!
સામગ્રીઃ ½ કપ દહીં, ½ ટી.સ્પૂન જીરૂ, મીઠું સ્વાદ મુજબ, 125 ગ્રામ મેંદો, ¼ કપ ચોખાનો લોટ અથવા પૌઆનો બારીક પાવડર કરીને લેવો, 1 ઈંચ આદુ ખમણેલું અથવા ઝીણું સમારેલું, 8-10 કળીપત્તાના પાન બારીક સુધારેલા, 2-3 લીલા મરચાં ઝીણાં સુધારેલા, 2 ટે.સ્પૂન કોથમીર ઝીણી સુધારેલી, ¼ ટી.સ્પૂન ખાવાનો સોડા, 1 કાંદો બારીક સમારેલો (કાંદો ન ખાતા હોય તો ના લેવો)
ચટણી માટેઃ 2 ટે.સ્પૂન ચણા દાળ, 1 ટે.સ્પૂન તેલ, ½ ટી.સ્પૂન જીરૂ, 4-5 કળી લસણ, 1/3 કપ નાળિયેરના ટુકડા અથવા નાળિયેરની છીણ, 2-3 લીલાં મરચાંના ટુકડા, 1 ઈંચ આદુ સમારેલું, 8-10 કળીપત્તાના પાન, ¼ ટી.સ્પૂન હીંગ, 1 ટે.સ્પૂન લીંબુનો રસ
વઘાર માટેઃ 1 ટે.સ્પૂન તેલ, ½ ટી.સ્પૂન રાઈ, 8-10 કળીપત્તાના પાન,
રીતઃ દહીંમાં મીઠું તેમજ જીરૂ ઉમેરીને મિક્સ કરી લો, દહીંમાં ગઠ્ઠા રહેવા ન જોઈએ. હવે ઉપર આપેલી બધી સામગ્રી ઉમેરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ભજીયા કરતાં ઘટ્ટ એવું ખીરૂં બનાવી લો અને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
20 મિનિટ બાદ કઢાઈમાં બોન્ડા તળવા માટે તેલ ગરમ કરો. ગરમ થયેલા તેલમાંથી 2 ટે.સ્પૂન તેલ બોન્ડાના ખીરામાં મિક્સ કરો. હવે બોન્ડાને ગોટાની જેમ તેલમાં હળવેથી નાખીને તળી લો. ખીરૂ હાથમાં ચોંટતું હોય તો પાણીવાળા હાથ કરીને મિશ્રણ લેવું. ગેસની આંચ તેજ રાખવી. કઢાઈમાં આવે એટલા બોન્ડા નાખીને સોનેરી ગુલાબી રંગના તળી લેવા.
ચટણીની રીતઃ એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ઉમેરીને ગેસ પર મૂકો. ગેસની આંચ ધીમી રાખવી. તેમાં ચણા દાળને ગુલાબી થાય ત્યાં સુધી ધીમી આંચમાં શેકવી. ત્યારબાદ લસણની કળીને શેકી લો અને નાળિયેરનું છીણ નાખીને 1 મિનિટ સાંતળીને લીલાં મરચાં, આદુ તેમજ કળીપત્તા ઉમેરી દો. એકાદ મિનિટ બાદ હીંગ ઉમેરીને ગેસ બંધ કરી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. આ સામગ્રીને ઠંડી થયા બાદ મિક્સરમાં નાખીને લીંબુનો રસ તેમજ જરૂર પ્રમાણે પાણી ઉમેરીને બારીક ચટણી પીસી લો.
એક વઘારીયામાં 1 ટી.સ્પૂન તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈને તતડાવીને કળીપત્તા વઘારમાં ઉમેરીને ગેસ બંધ કરી દો. આ વઘાર ચટણી પર રેડીને મિક્સ કરી લો.