મગની આખી દાળ અને રવાની ઈડલી

આ ઈડલીના નાસ્તા માટે દાળ કે રવો વધુ સમય પલાળવા કે પીસવાની કોઈ કળાકૂટ નથી, આ નાસ્તો ઈન્સ્ટન્ટ બની જાય છે!

સામગ્રીઃ મગની ફોતરાવગરની દાળ ½ કપ, રવો 1 કપ, રાઈ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, કળીપત્તાના પાન 4-5, ઈનો સેચેટ 1, ખાટું દહીં ½ કપ, તેલ 2 ટે.સ્પૂન, કાજુના ટુકડા 7-8 (optional)

ચટણીઃ ટામેટું 1. તેલ 1 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, ચણાની દાળ 1 ટી.સ્પૂન¸ અળદની દાળ 1 ટી.સ્પૂન, ચણાનો લોટ 1 ટી.સ્પૂન, લસણની કળી 4-5, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2, કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ મગની દાળને ધોઈને ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લો.

એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી, રાઈ તતડે એટલે લીલા મરચાંને ગોળ નાના ટુકડામાં ઝીણાં સમારીને ઉમેરી દો. કળી પત્તાના પાન પણ સમારીને ઉમેરી દો. ત્યારબાદ મગની દાળને થોડીવાર સાંતળી લીધા બાદ રવો ઉમેરી, થોડીવાર શેકી લીધા બાદ ગેસ બંધ કરી દો. તેમાં સમારેલી કોથમીર મેળવી દો. હવે તેમાં અડધો કપ દહીંમાં અડધો કપ પાણી મેળવીને વલોવીને ઉમેરી દો. મિશ્રણ વધુ પડતું ઘટ્ટ હોય તો અડધો કપ પાણી મેળવી દો.

ઈડલી બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલીનું મોલ્ડ અથવા નાની સ્ટીલની વાટકીઓમાં તેલ લગાડી રાખો. અને એક-એક કાજુનો ટુકડો પણ ગોઠવી દો.

ઈડલીના મિશ્રણમાં ઈનો પાઉચ ઠાલવીને તેની ઉપર એક ચમચી પાણી મેળવીને એક ચમચી વડે મિશ્રણ એકસરખું મિક્સ કરી લીધા બાદ તેમાંથી એક-એક ચમચા જેટલું મિશ્રણ ઈડલી મોલ્ડ અથવા વાટકીમાં રેડીને વાટકીઓ ઈડલી બાફવા માટેના વાસણમાં સ્ટીલની જાળી મૂકીને તેની ઉપર ગોઠવી દો.

વાસણ ઢાંકીને 10-15 મિનિટ ઈડલી બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ઈડલીની વાટકીઓ બહાર કાઢીને તે ઠંડી થાય એટલે ચમચી વડે ઈડલી કાઢી લો.

તે દરમ્યાન બીજા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચણાની તેમજ અળદની દાળ સહેજ સોનેરી રંગની સાંતળી લો અને લસણ, આદુનો ટુકડો તેમજ મરચાંના ટુકડા નાખીને ચણાનો લોટ પણ સોનેરી રંગનો શેકી લીધા બાદ ટામેટું સમારીને ઉમેરી દો, ટામેટું નરમ થાય એટલે લાલ મરચાં પાઉડર તેમજ કોથમીર ઉમેરીને અડધો કપ જેટલું પાણી મેળવીને ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં આ ચટણી પીસી લો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી, વઘાર ચટણીમાં મેળવીને આ ચટણી ઈડલી સાથે પીરસો.