બાળકોની સ્કૂલ શરૂ થતાં જ સવારની દોડધામ પણ વધી ગઈ છે. તો બાળકોના ટિફિન માટે ઝડપથી બની જાય તેવો નાસ્તો છે પૌષ્ટિક વેજ પેનકેક! જેને વેજ પરોઠા પણ કહી શકાય છે!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 1 કપ
- ચણાનો લોટ 1 ટે.સ્પૂન
- કાંદો 1
- બટેટું 1
- ગાજર 1
- સિમલા મરચું 1
- કોબી ખમણેલી ½ કપ
- લીલા મરચાં 2-3
- આદુ 1 ઈંચ
- સમારેલી કોથમીર ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- અજમો ¼ ટી.સ્પૂન
- જીરૂ ¼ ટી.સ્પૂન
- સફેદ તલ ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન
- ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- પૂડલા સાંતળવા માટે ઘી અથવા તેલ
રીતઃ કાંદા તેમજ સિમલા મરચાંના બે ભાગ કરી, પાતળી સ્લાઈસમાં સમારી લો. બટેટુ તેમજ ગાજર ખમણી લો. આદુ ઝીણું ખમણી લો. લીલા મરચાંને સમારી લો. એક બાઉલમાં બધા ખમણેલાં શાક લઈ તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ તથા તેમાં મીઠું સ્વાદ મુજબ, અજમો, જીરૂ, સફેદ તલ, લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો તથા લીંબુનો રસ મેળવીને સહેજ પાણી મેળવીને ઘટ્ટ ખીરું બને તે રીતે એટલે કે, રોટલીના લોટ કરતાં ઢીલો લોટ બાંધીને પાંચેક મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
ત્યારબાદ એક પેનને ગેસ પર ગરમ કરી તેમાં એકાદ ચમચી ઘી રેડીને ઉપર એક કડછી ખીરું લઈ પેનની મધ્યમાં રેડીને એ જ કડછી વડે થોડું ફેલાવીને પાથરી દો. ફરતે ફરીથી થોડું ધી રેડીને ગેસની મધ્યમ આંચે 2 મિનિટ માટે થવા દઈ તેને ઉથલાવીને ફરીથી 2 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસની આંચ થોડી તેજ કરીને બંને સાઈડથી 1-1 મિનિટ પેનકેકને લાલ તેમજ ક્રિસ્પી થવા દો. ત્યારબાદ તેને ઉતારીને બીજા પેનકેક જેવા પરોઠા તૈયાર કરી લો. પેનમાં બે કે ત્રણ આવે તે રીતે પેનકેક તૈયાર કરી શકો છો.
તૈયાર પરોઠા ઠંડા કરીને ટિફિનમાં ટોમેટો કેચ-અપ સાથે આપો.
