લીલી મેથીના પરોઠા

શિયાળામાં મેથીની તાજી ભાજી બજારમાં ઠેરઠેર જોવા મળે છે. અને આ ઋતુમાં મેથી ખાવી સ્વાસ્થ્ય માટે સારી પણ છે. આજે મેથીના થેપલા નહીં પણ પરોઠા બનાવવાની રીત અહીં આપી છે. જે રીતે પરોઠા બહુ જ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • લીલી મેથીના પાન 300 ગ્રામ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સુધારેલી 1½ કપ
  • ઘઉંનો લોટ 2 કપ
  • ચણાનો લોટ 1/3 કપ
  • મોણ માટે તેમજ પરોઠા શેકવા માટે તેલ
  • અજમો 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • તાજી મલાઈ 2 ટે.સ્પૂન
  • પરોઠા શેકવા માટે ઘી

રીતઃ લીલી મેથીના પાનને 2-3 પાણીએથી ધોઈને સમારી લો. એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તોલ રેડીને આખી કઢાઈમાં ફરતે લાગે તે રીતે ફેલાવીને ગરમ કરો. ત્યારબાદ તેમાં જીરૂ તતડાવીને તરત જ મેથીના સમારેલા પાન ઉમેરી દો અને 2-3 મિનિટ માટે એકસરખું સાંતડો. ત્યારબાદ મેથીને એક બાઉલમાં કાઢી લો.

એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, કાળા મરી પાવડર, હળદર પાવડર, લાલ મરચાં પાવડર તેમજ અજમો મિક્સ કરી લો. મીઠું થોડું ઓછું નાખવું. કારણ કે, મેથીની ભાજીમાં થોડી ખારાશ હોય છે. ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર અને તાજી મલાઈ ઉમેરવી. આ મિશ્રણને પાણી ઉમેર્યા વિના કણક બાંધો. કારણ કે, કોથમીર તથા મેથીમાં પાણી હોય જ છે. આ થેપલાનો લોટ બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ ના હોવો જોઈએ. આ લોટ ઉપર પાતળું કોટન કાપડ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

10 મિનિટ બાદ લોટનો લૂવો લઈ જાડું પરોઠું વણો. આખા પરોઠા પર ઘી ચોપડીને પરોઠાની એક ફોલ્ડ કરી લો. ફરી અડધી ફોલ્ડ પર ઘી ચોપડીને તેની હજુ એક ફોલ્ડ કરી દો. જેથી તેનો આકાર ત્રિકોણમાં બને. ત્યારબાદ તેને ત્રિકોણાકાર વણી લો.

પરોઠા લોખંડની તવી પર શેકતી વખતે ગેસની આંચ તેજ રાખવી. 10 સેકન્ડ બાદ ઘી ચોપડીને પરોઠું બીજી બાજુ ફેરવ્યા બાદ ફરી બીજી બાજુએ ઘી ચોપડવું અને ગેસની આંચ એકદમ ધીમી કરી લેવી. પરોઠાની કિનારી પણ સરખી શેકી લેવી.

આ પરોઠા શેકાઈ ગયા બાદ તેને દહીં અથવા અથાણાં કે કેરીના મુરબ્બા સાથે પીરસી શકાય.