મસાલેદાર પહાડી આલુ એ ઉત્તરાખંડની પરંપરાગત વાનગી છે. જે વિના લસણ, કાંદા કે ખટાશ પણ બહુ સ્વાદિષ્ટ બને છે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 6-7 નંગ
- સૂકા આખા ધાણા 1 ટે.સ્પૂન
- શેકેલું જીરૂ 1½ ટે.સ્પૂન
- વરિયાળી 1 ટે.સ્પૂન
- કાળા મરી 3-4
- લીલા મરચાં 3-4
- આદુના ટુકડા 2-3 ઈંચ
- કોથમીર ધોઈને સમારેલી 1-2 કપ
- ધાણાજીરૂ પાઉડર 1 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
- સબ્જી મસાલો 1 ટે.સ્પૂન
વઘાર માટેઃ
- તેલ 2 ટે.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- સૂકા લાલ મરચાં 2
- રાઈ 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
રીતઃ એક મિક્સી બાઉલમાં સૂકા આખા ધાણા, શેકેલું જીરૂ, વરિયાળી, કાળા મરી, લીલા મરચાં, આદુના ટુકડા, કોથમીર ડાંડા સહિત ધોઈને સમારેલી 1 કપ, ધાણાજીરૂ પાઉડર, લાલ મરચાં પાઉડર તેમજ સબ્જી મસાલો મેળવીને એકાદ-બે ચમચી જેટલું પાણી મેળવીને સહેજ કરકરો પીસી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ વઘારી તતડે એટલે જીરૂનો વઘાર કરી દો. ત્યારબાદ તેમાં હીંગ ઉમેરીને લાલ મરચાંનો વઘાર કરી જરાવાર સાંતળીને તરત જ વાટેલો મસાલો ઉમેરી દો. ગેસની આંચ ધીમી કરી દો.વઘારમાં મસાલો મિક્સ કર્યા બાદ સહેજ પાણી નાખવું. જેથી મસાલો ચોંટે નહીં. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે મસાલામાં તેલ ઉપર આવે એટલે બાફેલા બટેટાને સમારીને તેમાં મેળવી દો. અડધો કપ સમારેલી કોથમીર પણ તેમાં મેળવીને કઢાઈ ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દો. શાકમાં મસાલો સારી રીતે મિક્સ થાય એટલે ગેસ બંધ કરીને શાક ઉપર થોડી કોથમીર ભભરાવીને ગરમાગરમ શાકે રોટલી સાથે પીરસો.
