મસાલેદાર ઢગલી

ખમણ, ખાંડવી કે મુઠીયા નથી! પણ, આ મસાલેદાર વાનગી છે, ઢગલી! જે પૌષ્ટિક પણ છે!

સામગ્રીઃ

  • ચણાની દાળ 1 કપ
  • મગની દાળ ½ કપ
  • દહીં ½ કપ
  • કોથમીર ભભરાવવા માટે

મસાલોઃ

  • કાળા મરીના દાણા 10-15
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • આખા લાલ મરચાં 6-7
  • લસણની કળી 10-15
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કાંદા 2
  • સિમલા મરચું 1
  • લીલા મરચાં 3
  • હળદર ¼ ટી.સ્પૂન
  • ઈનો પાઉડર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • સમારેલી કોથમીર 1 કપ
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • તેલ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • 1 જીરૂ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટી.સ્પૂન

રીતઃ ચણાની દાળ તેમજ મગની દાળને ભેગી કરીને ધોઈને 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને થોડી અધકચરી પીસીને તેમાંથી 2 ચમચી જેટલું મિશ્રણ એક વાટકીમાં કાઢી લો. ત્યારબાદ આ મિશ્રણમાં અડધો કપ દહીં મેળવીને ફરીથી સહેજ વધુ કરકરી પીસી લો. આ મિશ્રણ થોડું ઘટ્ટ જ રહેવું જોઈએ. દાળનું વાટકીમાં કાઢી રાખેલું અધકચરું વાટેલું મિશ્રણ ફરીથી કરકરા વાટેલા મિશ્રણમાં મેળવી લો.

એક નાની તપેલીમાં 1 વાટકી જેટલું પાણી લઈ તેમાં કાળા મરી, વરિયાળી, આખા ધાણા તેમજ લાલ મરચાંના ટુકડા કરીને ઉમેરી દો. આ પલાળેલાં મસાલાવાળી તપેલીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. પાંચેક મિનિટ બાદ ગેસ બંધ કરીને મસાલા ઠંડા થાય એટલે મિક્સીમાં આદુના ટુકડા કરીને તેમજ લસણની કળી છોલીને ઉમેરીને તેને કરકરું વાટી લો. આ મસાલામાંથી 2 ચમચી મિશ્રણ એક વાટકીમાં અલગ કાઢી લો. બાકીનું મિશ્રણ દાળના મિશ્રણમાં મેળવી લો.

કાંદા તેમજ સિમલા મરચાંને બારીક ચોરસ ટુકડામાં કટ કરીને દાળના મિશ્રણમાં મેળવો. તેમાં લીલા મરચાં સમારીને ઉમેરો, તેમજ સફેદ તલ સાથે એક ચમચી તેલ મેળવી દો. સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લો. છેલ્લે ઈનો પાઉડર મિશ્રણમાં નાખી, તેની ઉપર 1 ચમચી પાણી ઉમેરીને ચમચા વડે મિશ્રણ મિક્સ કરી લો.

મુઠીયા બાફવાના વાસણ અથવા કોઈ એક કઢાઈમાં સ્ટીલનો કાંઠલો મૂકીને પાણી ઉકળવા માટે મૂકો. એક સ્ટીલની જાળીને તેલવાળી કરી લો. હવે દાળના મિશ્રણમાંથી હાથેથી થોડું થોડું મિશ્રણ લઈને તેલવાળી જાળી ઉપર આવે તેટલી છૂટી છૂટી ઢગલી મૂકતાં જાવ. આ જાળીને કાંઠા ઉપર ગોઠવીને વાસણ ઢાંકીને 10 મિનિટ માટે ઢગલી બફાવા દો.

એકાદ ઢગલી ચપ્પૂ વડે ચેક કરી લો. જો ચપ્પૂ ચોખ્ખું બહાર આવે તો ઢગલી સરખી બફાઈ ગઈ છે.

આ જ રીતે બાકીના મિશ્રણમાંથી ઢગલીઓ તૈયાર થાય એટલે તેનો વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરી સફેદ તલ અને હીંગ ઉમેરી દો. તેમાં લસણ, આદુ તેમજ સૂકા મસાલાવાળો અધકચરો મસાલો બાજુ પર રાખ્યો હતો. તે મેળવી દો અને બધી ઢગલીઓ તેમાં મેળવી દો. થોડી વાર ગરમ કર્યા બાદ ગેસ બંધ કરીને આ ગરમાગરમ ઢગલી ખાવાના ઉપયોગમાં લો.

ઢગલીનો વઘાર ના કરવો હોય તો એક વાટકી તેલમાં વાટેલો સૂકો મસાલો રાખ્યો હતો તે મેળવીને ગરમા ગરમ ઢગલી તેની સાથે ખાઈ શકાય છે.