મખાણા ઉપવાસમાં ખવાય છે! નવરાત્રીના ઉપવાસમાં મખાણા બટેટાની ટિક્કી ફરાળમાં નવીનતા લાવશે!
સામગ્રીઃ
- 4 બાફેલા બટેટા
- 1 કપ મખાણા
- 4-5 લીલાં મરચાં ઝીણાં સુધારેલા
- 1 ટી.સ્પૂન વરિયાળી અધકચરી વાટેલી
- 2 ટે.સ્પૂન શેકીને અધકચરા વાટેલા શીંગદાણા
- 1 કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર
- ¼ ટી.સ્પૂન કાળા મરીનો પાવડર
- 1 ટે.સ્પૂન ઘી
- 1 ટી.સ્પૂન લીંબુનો રસ
- 2 ટે.સ્પૂન તલ
- તળવા માટે તેલ
રીતઃ 1 ટે.સ્પૂન ઘીમાં મખાણાને શેકી લો. ત્યારબાદ નીચે ઉતારીને ઠંડા કરી લો. ત્યારબાદ મખાણાને બારીક પીસી લો. બટેટાને બાફીને છૂંદો કરી લો. મખાણાનો તેમજ બટેટાનો છૂંદો એક મોટા બાઉલમાં લઈ તેમાં બાકીની સામગ્રી તેમજ મસાલા મેળવી લો અને કટલેટ વાળી લો. જો તમને તલ પસંદ હોય તો તલમાં કટલેટ રગદોળીને શેલો ફ્રાઈ કરો.
ફ્રાઈંગ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કટલેટ્સને સોનેરી રંગની શેલો ફ્રાઈ તળી લો. કટલેટ તમે કઢાઈમાં ડૂબતા તેલમાં પણ તળી શકો છો. તૈયાર કટલેટ્સને કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસો.
