લીંબુ પુરી ચાટ

પાણીપુરી તો બધાને પ્રિય હોય છે. પણ જો કોઈકવાર કળાકૂટ વિના તેવો જ ચટપટો સ્વાદ મેળવવો હોય તો લીંબુ પુરી ચાટ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • પાણીપુરીની પુરી 10-15
  • બાફેલા બટેટા 4
  • બાફેલા લાલ ચણા 1 કપ
  • ચણાના લોટની ઝીણી સેવ 1 કપ
  • ચાટ મસાલો 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 2 ટે.સ્પૂન
  • જીરૂ 2 ટે.સ્પૂન
  • કાંદો 1
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુ 1

રીતઃ જીરૂને તવા ઉપર મૂકી ગેસની મધ્યમ આંચે ઘેરા ચોકલેટી રંગનું શેકી લો. ત્યારબાદ ઠંડું થાય એટલે રોટલી વણવાના પાટલા ઉપર મૂકી વેલણથી તેને અધકચરું વાટી લો.

બાફેલા બટેટાને મેશર વડે છૂંદીને તેમાં બાફેલા ચણા પણ મેશ કરી લો. હવે તેમાં ચાટ મસાલો, લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન મેળવો અને કાળું મીઠું, સ્વાદ મુજબ મીઠું તેમજ કોથમીર 2 ટે.સ્પૂન મેળવીને એક બાજુએ મૂકી રાખો.

એક બાઉલમાં કાંદાને ઝીણો સમારી લો. તેમાં બાકી રહેલી કોથમીરમાંથી 2 ટે.સ્પૂન મેળવી લો.

લીંબુને થોડું ઘોરી લઈ તેના બે કટકા કરીને તેમાંના બીયાં કાઢી લો.

પાણીપુરીની દરેક પુરીમાં ઉપર વચ્ચેના ભાગમાં મોટો છેદ પાડી લો. હવે બટેટાનું પૂરણ અડધી ચમચી જેટલું દરેક પુરીમાં ભરી દો. ત્યારબાદ શેકેલા જીરાનો ભૂકો થોડો થોડો ભભરાવી, તેની ઉપર થોડું થોડું કાંદા-કોથમીરનું મિશ્રણ ભભરાવીને દરેક પુરીમાં લીંબુનો રસ 6-7 ટીપાં જેટલો નિચોવી દો.

પુરીની ઉપર થોડો થોડો ચાટ મસાલો, લાલ મરચાં પાઉડર તેમજ શેકેલા જીરાનો પાઉડર છાંટીને, ઝીણી સેવા ભભરાવીને, ઉપર પાણીપુરીની બે પુરી લઈ તેનો હાથેથી ભૂકો કરીને ભભરાવી દો. ઉપરથી સમારેલી કોથમીર છાંટી દો. ફરીથી આખી પ્લેટમાં પુરી ઉપર જરા જરા લીંબુના રસના ટીપાં છાંટી દઈ આ લીંબુ પુરી ચાટ પીરસો. પસંદ પ્રમાણે દાડમના દાણા પણ પુરીમાં ભરી શકાય છે.