ઘણીવાર રોટલી માટેનો લોટ કોઈક કારણસર વધી જતો હોય છે. તો વધેલા લોટમાંથી સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 2
- મોઝરેલા ચીઝ અથવા પ્રોસેસ ચીઝ ½ કપ
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- ટોમેટો કેચ-અપ
- તેલ તળવા માટે
- ધોઈને સમારેલી કોથમીર ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
સ્લરી માટેઃ
- મેંદો 2 ટે.સ્પૂન
- કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- તલ 1 ટે.સ્પૂન
રીતઃ બટેટાને ખમણી લો અથવા છૂંદો કરી લો. ત્યારબાદ તેમાં મોઝરેલા ચીઝ, હળદર, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, કાળા મરી પાઉડર તેમજ સમારેલી કોથમીર ઉમેરો.
વધેલો લોટ લઈ તેનો એક મોટો લૂવો લો. તેનો મિડિયમ જાડાઈનો મોટો રોટલો વણી લો. વણેલા આખા રોટલા ઉપર ચમચી વડે ટોમેટો કેચ-અપ લગાડી લો. હવે તેની ઉપર બટેટાનું તૈયાર કરેલું ખમણ પાથરી દો. 1 સેં.મી. જેટલી કિનારી બાકી રાખીને પૂરણ પાથરવું. હવે કિનારીની એક બાજુએથી રોટલાનો રોલ વાળવો. રોલ વાળી લીધા બાદ તેના બંને છેડાને પ્રેશ કરીને વાળીને પેક કરી લેવા.
બીજી રીત પ્રમાણે વણેલા મોટા રોટલા ઉપર કોથમીર-ફુદીનાની તીખી ચટણી લગાડી ઉપર પૂરણ પાથરવું તેની ઉપર બીજો વણેલો રોટલો મૂકી ટોમેટો કેચ-અપ લગાડીને પૂરણ પાથરીને ઉપર ત્રીજો રોટલો મૂકીને ત્રણે રોટલાની કિનારી પ્રેશ કરીને પેક કરી લો.
મુઠીયા બાફવાના વાસણમાં કાંઠો મૂકી પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તૈયાર સ્ટફિંગ વાળા રોટલાને જાળીવાળા ઢાંકણ ઉપર ગોઠવીને વાસણ ઢાંકીને 10-15 મિનિટ બફાવા દો.
15 મિનિટ બાદ ગેસ બંધ કરી રોટલાને બહાર ઠંડો થવા મૂકો. ઠંડો થયા બાદ તેના ચપ્પૂ વડે ચોરસ અથવા ત્રિકોણ આકાર કટ કરી લો.
એક વાસણમાં મેંદા તેમજ કોર્નફ્લોરમાં થોડું થોડું પાણી મેળવીને મિડિયમ ઘટ્ટ સ્લરી બનાવી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, તલ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.
ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને રોટલીના રોલના ટુકડા સ્લરીમાં ડુબાળીને તળી લો.
રોલના પીસ શેલો ફ્રાય કરી શકો છો. તેમજ મુઠીયાની જેમ વઘારી પણ શકાય છે.