ખંભાતના ખરખરીયા ભજીયા અને કઢી

જુદા જુદા શહેરની વાનગી પણ બહુ જ જુદા પ્રકાર તેમજ સ્વાદવાળી જોવા મળે છે! જે તે જગ્યાની વાનગી ખાવા માટે જો ત્યાં ન પહોંચાતું હોય, તો ઘરે જ આ વાનગી બનાવી શકાય છે! ખરું ને?

સામગ્રીઃ

  • ધોયેલા અળવીના મોટા પાન 2-3
  • ચણાનો લોટ ½ કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો 1 ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • ભાવનગરી મરચાં 4-5
  • કાંદા 2

કઢી માટેઃ

  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ખાટું દહીં 3 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન,

કઢીના વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • સૂકા ધાણા ½ ટી.સ્પૂન
  • સૂકું લાલ મરચું 1
  • કળી પત્તાના પાન 4-5
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લીલા મરચાં 1-2
  • આદુ ઝીણું સમારેલું 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

રીતઃ એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે લઈ 2 ટે.સ્પૂન જેટલું પાણી મેળવીને જેરણી વડે એકસરખું હલાવીને ગઠ્ઠા વગરનું મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં સૂકા ધાણા, લાલ મરચું બે ટુકડા કરેલું, કળી પત્તાના પાન મેળવીને હીંગનો વઘાર કરો. હવે તેમાં લીલા મરચાં સમારેલાં અને ખમણેલું આદુ મેળવીને 2 મિનિટ બાદ કઢી માટે તૈયાર કરેલું દહીં અને લોટનું મિશ્રણ તેમાં રેડી દો. અને ચમચા વડે હલાવતાં રહો. જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. ભજીયા સાથે કઢી ઘટ્ટ સારી લાગશે. ગેસ બંધ કરીને કઢી ઢાંકી દો.

અળવીના પાન ધોઈને પાણી નિતારી લેવા. હવે તેમાંથી જાડી નસો ચપ્પૂ વડે કાઢી લઈ. પાનને વચ્ચેથી કટ કરવું. હવે પાનની બંને બાજુએ રહેલી નસ ઉપર કાપો પાડીને ચોરસ જેવા ટુકડા, જોઈતી સાઈઝ પ્રમાણે તેમાંથી કટ કરી લેવા.

બીજા એક બાઉલમાં ચોખા તેમજ ચણાનો લોટ લઈ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો તેમજ ચપટી હીંગ મેળવીને અડધો કપ પાણી ઉમેરીને ગઠ્ઠા વગરનું એકસરખું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ તેમાં થોડું વધુ પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવું ખીરું બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની ધીમી મધ્યમ આંચ કરી લો. અળવીના એક-એક પાનને લઈ ભજીયાના ખીરામાં આગળ-પાછળ બંને બાજુએ ખીરુ લાગે તેમ ડુબાડીને તેલમાં તળવા માટે નાખો. મોટી કઢાઈ હોય તો પણ 3-4 પાન જ નાખવા. આ પાન નાખતાંવેંત ફૂલશે. તો ઝારા વડે તેને ઉપરથી હળવેથી દબાવતા રહેવું અને ત્યારબાદ ઉથલાવતા રહેવું. (આમ કરવાથી આ ભજીયા વધુ ક્રિસ્પી થશે) આ રીતે ત્રણથી ચાર વખત ઉથલાવીને સોનેરી રંગના થવા આવે એટલે ઉતારી લેવા.

બધાં ભજીયા તળાય જાય એટલે ભાવનગરી મરચાં ધોઈને સૂકવીને તેમાં ઉભો કાપો પાડીને ગરમ તેલમાં તળી લો.

આ ભજીયા તૈયાર થાય એટલે તળેલા ભાવનગરી મરચાં, કઢી તેમજ સમારેલા કાંદા સાથે પીરસવા.