હળવી, ચટપટી તેમજ જલ્દી તૈયાર થતી ડીશ એટલે ખાખરા ચાટ! ડાયેટ વાનગી તરીકે પણ આ ડીશ હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ રહેશે!
સામગ્રીઃ
- ખાખરા 15-16
- ઝીણાં સમારેલા ટામેટાં ½ કપ
- ટોમેટો પ્યુરી ½ કપ
- ઝીણાં સમારેલા કાંદા ½ કપ
- પનીર ક્યુબ્સ ¼ કપ
- બાફેલા મકાઈના દાણા ¼ કપ
- બાફેલા લીલા વટાણા ¼ કપ
- લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
- લસણ બારીક સમારેલું 1 ટી.સ્પૂન
- 3-4 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
- ઓરેગેનો પાવડર ½ ટી.સ્પૂન
- તેલ 2 ટે.સ્પૂન
- ગાર્નિશ કરવા માટે ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, ઝીણી સેવ તેમજ દાડમના દાણા ½ કપ
રીતઃ દરેક ખાખરાને ચાર ટુકડામાં તોડી લો.
એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલો કાંદો, લસણ, લીલાં મરચાંને 1-2 મિનિટ માટે ગેસની મધ્યમ આંચે સાંતડો. ત્યારબાદ તેમાં ટોમેટો પલ્પ ઉમેરીને 2 મિનિટ સાંતડો.
હવે તેમાં સુધારેલા ટામેટાં, બાફેલા લીલા વટાણા, મકાઈના દાણા, પનીરના ટુકડા તેમજ લાલ મરચાં પાવડર તથા ઓરેગેનો પાઉડર પણ મેળવી દો. મધ્યમ આંચે 2 મિનિટ થવા દો. દરમિયાન ચમચા વડે મિશ્રણ હલાવતા રહો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને મિશ્રણ ઉતારી લો.
એક પ્લેટમાં ખાખરાના ટુકડા ગોઠવીને મિશ્રણ ઉપર ચમચા વડે પાથરીને ઉપર કોથમીર ભભરાવી દો. ખાખરા ચાટ તૈયાર છે.