જુવારના આલૂ પરોઠામાં બટેટાનું પૂરણ ભરીને બનાવવાની જરૂર નથી. પરંતુ લોટમાં જ પૂરણ મેળવીને લોટ બાંધીને સહેલાઈથી આ પરોઠા બનાવી શકાય છે!

સામગ્રીઃ
- જુવારનો લોટ
- બાફેલા બટેટા 3
- અજમો ½ ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
- હળદર 2 ચપટી
- પનીર 50 ગ્રામ
- ચાટ મસાલો અથવા આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
- જુવારનો લોટ 1 કપ
રીતઃ બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં સમારેલી કોથમીર, અજમો, આદુ-મરચાંની પેસ્ટ, સફેદ તલ, કાળા મરી પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું તેમજ પનીરને મેશ કરીને મેળવી લો. હવે તેમાં લોટ બંધાઈ શકે એટલો જુવારનો લોટ અડધો કપ લઈને થોડો થોડો મેળવતા જઈ લોટ બાંધો.
પરોઠા માટે નોન-સ્ટીક તવો ગરમ કરી લો. લોટમાંથી લૂવા લઈ જુવારના સૂકા લોટનું અટામણ દઈને વેલણ વડે હળવે હળવે રોટલા વણી લો. જો સરખા ગોળ જોઈએ તો નાની ડીશ અથવા સ્ટીલના ડબ્બાના ઢાંકણ વડે ગોળાકાર કટ કરી લો. વણેલો રોટલો હળવેથી તવામાં મૂકી ગેસની મધ્યમ આંચે તેલ અથવા ઘી લગાડીને શેકી લો. પરોઠા ઉપર બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન રંગની છાપ પડે તે રીતે શેકી લો.
આ પરોઠા અથાણું, દહીં કે કાકડીના રાઈતા સાથે પીરસી શકાય.



