ફાફડા તો તાજાં ગરમા ગરમ જ ભાવે, સાથે લીલાં મરચાં તળેલાં હોય અને જલેબીની સંગત હોય તો જલસો થઈ જાય! વારે-તહેવારે દરેક ગુજરાતી એના દિવસની શરૂઆત સવારે ફાફડા-જલેબી ખાઈને જ કરવા ઈચ્છે છે!
જો કે, ફાફડા બનાવવા સહેલાં છે. ઝટપટ બની પણ જાય છે. ફક્ત થોડી સાવધાનીપૂર્વક બનાવવા પડે છે!
સામગ્રીઃ
1 કપ ચણાનો લોટ, ¼ ટી.સ્પૂન હળદર પાવડર, ½ ટી.સ્પૂન મરચાં પાવડર, ¼ ટી.સ્પૂન અજમો, ¼ ટી.સ્પૂન પાપડ ખારો, 2 ટે.સ્પૂન તેલ, ¼ ટી.સ્પૂન કાળા મરી અધકચરા વાટેલા, મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ
રીતઃ
એક બાઉલમાં થોડું ગરમ પાણી, મીઠું અને પાપડ ખારો લઈ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, હળદર, હીંગ, વાટેલાં કાળાં મરી, 2 ટે.સ્પૂન તેલ લઈને બધી સામગ્રીને મિક્સ કરીને મુલાયમ લોટ બાંધી દો. 5 મિનિટ સુધી લોટને કૂણો. થોડું તેલ ચોપડીને લોટને 30 મિનિટ માટે રહેવા દો.
30 મિનિટ બાદ લોટમાંથી એક નાનો લૂવો લઈ તેને લંબગોળ આકાર આપી પાટલા પર મૂકો. હથેળી વડે લૂવાને દાબીને લાંબી સ્ટ્રીપ બનાવી દો. આ જ રીતે બાકીના લૂવા લઈ, ફાફડા વણી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને એકવારમાં બે થી ત્રણ ફાફડા તળો. ફાફડાને સોનેરી રંગના તળી લો, બહુ ગુલાબી ના તળવા.
ફાફડા તૈયાર થઈ જાય એટલે એ જ તેલમાં લીલા મરચાંમાં ચીરા પાડીને મરચાં તળી લો. (ચીરા મૂક્યા વગર મરચાં તળશો, તો તળતી વખતે મરચાં ફાટશે અને તેલ ઉડશે.)
તૈયાર ફાફડાને તળેલાં મરચાં સાથે પીરસો. તમે જલેબી પણ સાથે પીરસી શકો છો. ઈન્સ્ટન્ટ જલેબીની રીત માટેની લિન્કઃ https://chitralekha.com/variety/cooking-tips/instant-jalebi-recipe/