મગમાં લીલી મેથીની ભાજી ઉમેરીને અલગ પ્રકારનું સ્વાદિષ્ટ શાક બની શકે છે!
સામગ્રીઃ
- મગ ½ કપ
- હળદર ¼ ટી.સ્પૂન
- રાઈ ¼ ટી.સ્પૂન
- મેથી ¼ ટી.સ્પૂન
- જીરૂ ½ ટી.સ્પૂન
- લીલાં મરચાં 2
- લસણની કળી 4-5
- આદુનો ટુકડો 2 ઈંચ
- કાંદા 2
- ટામેટાં 2
- લીલી મેથીના પાન 1 કપ
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 1 કપ
મસાલા પેસ્ટઃ
- દહીં ½ કપ
- હળદર ¼ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- ચણાનો લોટ 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન,
રીતઃ મગને 2-3 પાણીએથી ધોઈ લો. કૂકરમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં હળદર ¼ ટી.સ્પૂન તેમજ થોડું મીઠું નાખીને ધોયેલા મગ પાણીમાં ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી, કૂકરની 4-5 સીટી કરી મગ બાફી લો. ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.
ત્યાં સુધીમાં એક વાટકીમાં દહીં સાથે લાલ મરચું, હળદર, ધાણાજીરૂ તેમજ ચણાનો લોટ મેળવી દો.
કાંદા, ટામેટાં, મેથીના પાન અલગ અલગ સમારીને મૂકો.
કઢાઈમાં વઘાર માટેનું તેલ ગરમ કરી રાઈ, જીરૂ તેમજ મેથીનો વઘાર કરી લો. આદુ-મરચાં તથા લસણની પેસ્ટ ઉમેરી, થોડી સાંતળીને કાંદા, ટામેટાં મેળવીને ગેસ ધીમો કરી કાંદા-ટામેટાં સાંતળવા દો. 2 મિનિટ બાદ સમારેલાં મેથીના પાન મેળવી દો. ફરીથી 3-4 મિનિટ બાદ મેથી નરમ થઈને ચઢી જાય એટલે મસાલાવાળા દહીંનું મિશ્રણ મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ થવા દો. હવે બાફેલા મગ પણ તેમાં મેળવીને તેલ છૂટું પડે એટલે કે, 4-5 મિનિટ બાદ લીંબુનો રસ નિચોવી, ઉપર સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.
મગ મેથીનું અલગ પ્રકારનું સ્વાદિષ્ટ શાક ગરમાગરમ પરોઠા અથવા ફૂલકા રોટલી સાથે પીરસો.
