આ મુઠીયા નાસ્તામાં અથવા રાત્રે હળવા ડિનર માટે પણ સારો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. મુઠીયા બાફીને રાખ્યા હોય તો 2-3 કલાક બાદ તેને વઘારીને ગરમ કરીને પીરસી શકાય છે. અથવા ફ્રીજમાં થોડ કલાક માટે પણ રાખીને ફરીથી થોડાં ગરમ કર્યા બાદ વઘારીને પીરસી શકાય છે.
સામગ્રીઃ
- દૂધી છીણેલી 2 કપ
- લીલી મેથીના પાન 1 કપ
- કોથમીર 1 કપ
- તીખાં લીલાં મરચાં 2
- લસણની કળી 4-5
- આદુનો ટુકડો 1 ઈંચ
- હીંગ ¼ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- અજમો 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ 2 ટી.સ્પૂન
- ગરમ મસાલો,
- હળદર પાવડર ¼ ટી.સ્પૂન
- વરિયાળી 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- 1 લીંબુનો રસ
- સાકર અથવા ગોળ 1 ટી.સ્પૂન (અથવા તમને જોઈએ તે પ્રમાણે)
- ઘઉંનો લોટ ¼ કપ
- ઘઉંનો કરકરો લોટ ¼ કપ
- ચણાનો લોટ ¼ કપ
- જુવાર અથવા બાજરીનો લોટ ¼ કપ
વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- મીઠા લીમડાના પાન 6-7
- ધોઈને ઝીણી સમારેલી કોથમીર
રીતઃ દૂધીને છોલીને ધોઈને છીણી લો. મેથીના પાન તેમજ કોથમીર અલગ અલગ 2-3 પાણીએથી ધોઈને સમારી લો. એક બાઉલમાં છીણેલી દૂધી, મેથી, કોથમીર, તલ, બધાં સૂકા મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, તેમજ અજમો હાથેથી થોડો મસડીને નાખી દો.
હવે તેમાં બધા સૂકા લોટ મેળવી દો અને પાણી નાખ્યા વગર કણક બાંધી દો. કેમ કે, દૂધીમાં તેમજ મેથી કોથમીરમાં રહેલાં પાણી વડે લોટ બંધાઈ જશે.
મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને મુઠીયા મૂકવા માટેની ડીશ અથવા થાળીને તેલ ચોપડી દો. હાથમાં તેલ ચોપડી લો. મુઠીયાના લોટમાંથી નાના લૂવા હાથમાં લઈ લંબગોળ રોલ વાળીને તેલ ચોપડેલી થાળીમાં મુઠીયા ગોઠવી દો. મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ થઈ જાય એટલે તૈયાર થાળી તેમાં ગોઠવી દો. વાસણને ઢાંકીને 20 મિનિટ સુધી મુઠીયા બફાવા દો.
ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારી લો. પાંચેક મિનિટ બાદ મુઠીયાને તેમાંથી કાઢી લઈ તેના કટકા કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. તેમાં મીઠો લીમડો વઘારીને ગેસ ધીમો કરીને તલનો વઘાર હળવેથી કરી તરત જ કટ કરેલા મુઠીયા તેમાં ઉમેરી દો. જેથી ગરમ તેલમાંના તલ ઉડે નહીં. ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.
આ મુઠીયા લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.