ધાબા સ્ટાઈલ દમ આલૂ દહીંમાં મસાલા મેળવીને બનાવવામાં આવે તો તે એકદમ સ્વાદિષ્ટ બને છે. વળી, એમાં ઉમેરાતી સામગ્રી ઘરમાં જ ઉપલબ્ધ હોય છે!
સામગ્રીઃ
- નાની સાઈઝના બટેટા 10-15
- કાંદા 2
- લસણની કળી 7-8
- આખા લાલ મરચાં 2-3
- કાજુ 8-10
- આદુનો ટુકડો 2 ઈંચ
- ટામેટાં 3
- તેલ તળવા માટે
- લીલાં મરચાં 2-3,
- કોથમીર સમારેલી ½ કપ
વઘાર માટેઃ
- મોટી એલચી 1
- લીલી એલચી 2-3
- લવિંગ 2-3
- કાળા મરી 4
- તેજ પત્તા 2
- તજનો ટુકડો 1 ઈંચ
- જીરુ 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
દહીં માટે મસાલાઃ
- દહીં 2 કપ
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- સૂંઠ પાઉડર ½ ટી.સ્પૂન
- વરિયાળી પાઉડર 1 ટી.સ્પૂન
- મલાઈ 2 ટે.સ્પૂન
રીતઃ બટેટાનો છોલીને ધોઈ લો. બટેટામાં ફોર્કની મદદથી કાણાં પાડી લો. બટેટાને થોડા કોરા કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને એક-એક કરીને બટેટા તેમાં તળવા માટે હળવેથી ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ-ધીમી કરીને બટેટા સોનેરી રંગના તળીને એક થાળીમાં કાઢી લો.
ગેસ બંધ કરીને કઢાઈનું તેલ હળવેથી કોઈ વાસણમાં થોડું કાઢી લો. 2 ટે.સ્પૂન જેટલું તેલ કઢાઈમાં રહેવા દો. કાંદા તેમજ ટામેટાંને લાંબી સ્લાઈસમાં અલગ અલગ સમારી લો. આદુના નાના ટુકડા કરી રાખો. ગેસ ચાલુ કરીને કઢાઈના તેલમાં પહેલાં લસણની કળી ગુલાબી રંગની તળી લો. ત્યારબાદ કાંદા ઉમેરીને તે પણ સોનેરી રંગના તળી લો. હવે તેમાં આખા લાલ મરચાં, આદુના ટુકડા અને કાજુ ઉમેરીને ટામેટાં તેમજ થોડું મીઠું મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી-મધ્યમ આંચે ટામેટાં ચઢવા દો. ટામેટાં નરમ થાય એટલે 2 મિનિટ બાદ ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થયા બાદ મિક્સીમાં તેની બારીક પેસ્ટ વાટી દો.
ખાલી થયેલી કઢાઈમાં ફરીથી તળેલા તેલમાંથી વઘાર માટેનું તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવી લો. ત્યારબાદ મોટી એલચી, લીલી એલચી, લવિંગ, કાળા મરી, તેજ પત્તા, તજનો ટુકડો ઉમેરીને 1 મિનિટ બાદ તેમાં હળદર તેમજ કાશ્મીરી મરચાં પાઉડર મેળવીને તરત વાટેલી પેસ્ટ મિક્સ કરી દો. 2 મિનિટ સાંતળી લીધા બાદ ગેસની ધીમી આંચ કરીને કઢાઈ ઢાંકી દો.
એક બાઉલમાં દહીંને ફેંટી લો. તેમાં ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, સૂંઠ પાઉડર, વરિયાળી પાઉડર તેમજ મલાઈ મેળવી દો. કઢાઈમાં કાંદા-ટામેટાંની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે દહીંનું મસાલાવાળું મિશ્રણ મેળવીને તળેલા બટેટા પણ મેળવી દો. હવે તેમાં 2 કપ પાણી મેળવીને ઉપર ઉભા કટ કરેલા લીલાં મરચાં તેમજ કોથમીર પણ ભભરાવી દો. કઢાઈને ફરતે ચારે તરફથી સિલ્વર ફોઈલથી ઢાંકીને પેક કરો. ઉપર કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની આંચ એકદમ ધીમી કરી દો. 15 મિનિટ સુધી દમ આલૂને દમ પર થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ફોઈલ પેપર કાઢી લો. ગરમા ગરમ દમ આલૂ રોટલી કે પરોઠા સાથે પીરસો.